

🌺🌺
118 વર્ષ જૂની ‘ગુજરાતી સાહિત્ય પરિષદ’ના 51મા પ્રમુખ તરીકેનું સુકાન હાલ જેમનાં હોંશીલા હાથમાં શોભી રહ્યું છે એ બહુઆયામી સર્જક શ્રી હર્ષદ ત્રિવેદીની સર્જનયાત્રાના કેટલાક પ્રભાવક પડાવ વિશે વાત કરીએ.
‘અંદર જેટલો ધખારો છે એટલું લખી શકાતું નથી એ વાસ્તવિકતા છે. લખાય ન લખાય એ કદાચ જુદી વાત છે પણ મનની ભૂમિ ઉપર સતત ઉથલપાથલ થતી રહે છે. મનમાં ને મનમાં અનેક કૃતિઓ રચાય છે, અનુભવાય છે ને વિખરાઈ જાય છે. બધું કાગળ પર ઉતારવાનું સહેલું નથી ને એવી ઈચ્છા પણ નથી. સાહિત્યાકાશે સૂર્ય થઈને ઝળહળવાની મારી કામના નથી. એકાદ તેજલિસોટો પાથરી જાઉં તો પણ ઘણું !” – ~ હર્ષદ ત્રિવેદી
આવી નિખાલસ કેફિયત આપનાર શ્રી હર્ષદ ત્રિવેદીની કલમ કવિતા, વાર્તા, નિબંધલેખન, ચરિત્રલેખન, સંપાદન, આસ્વાદન, વિવેચન, બાળસાહિત્ય જેવા વિધવિધ ક્ષેત્રોમાં સફળતા અને સહજતાપૂર્વક વિહરતી રહી છે.
પ્રૂફરીડર તરીકે કારકિર્દીનો પ્રારંભ કરનાર હર્ષદ ત્રિવેદીએ ગુજરાત સાહિત્ય અકાદમી, કેન્દ્રીય સાહિત્ય અકાદમી, નેશનલ બુક ટ્રસ્ટ, વલી ગુજરાતી કેન્દ્ર જેવી વિવિધ સાહિત્યિક સંસ્થાઓના વિવિધ હોદ્દાઓ વખતોવખત સંભાળીને સાહિત્યમાં નોંધપાત્ર પ્રદાન કર્યું છે. હર્ષદ ત્રિવેદીની ઘણી કૃતિઓના અનુવાદો મરાઠી, હિંદી, સીંધી ઉપરાંત અંગ્રેજી ભાષામાં પણ થયેલ છે.
હર્ષદભાઈ ‘ગુજરાતી સાહિત્ય અકાદમી’નાં મહાપાત્ર તરીકે કાર્યરત રહ્યા અને અકાદમીનાં માસિક ‘શબ્દસૃષ્ટિ’ના સંપાદક તરીકેના 1995 થી 2015 સુધીના બે દાયકાના કાર્યકાળ દરમ્યાન તેમણે દલિતચેતના, નારીચેતના, બાળસાહિત્ય, કવિતા, ટૂંકી વાર્તા, નવલકથા, નિબંધ, વિવેચન, નાટક આદિ વિવિધ સાહિત્યસ્વરૂપોના અનેક વૈવિધ્યસભર વિશેષાંકોનું પ્રકાશન કરીને, જે તે સાહિત્યસ્વરૂપની બળુકી કલમોને એમાં જોડીને સંપાદન ક્ષેત્રે સત્વશીલ સ્મરણીય કામ કર્યું. આ ઉપરાંત જે તે સમયે નવોદિત ગણાતા એવા કેટલાક કવિઓ, લેખકો, વિવેચકો, આસ્વાદકોની લેખિનીને ‘શબ્દસૃષ્ટિ’માં અદબભેર સ્થાન આપીને એમના ઉત્સાહ વર્ધનનું કામ કર્યું.
વાર્તા વિશે વાત કરતા હર્ષદભાઈ જણાવે છે, “કેટલાક અનુભવ એવા હોય છે, જે કવિતાના નથી હોતા. કંઈક મોટા ફલકની અપેક્ષા જાગી ત્યારે હું વાર્તા તરફ ગયો. મારાં પાત્રો, પરિસ્થિતિઓ અને નિરૂપણ એ કવિની કલમે સર્જાયેલાં છે.” પોતાની વાર્તાનાં પદ્યાત્મક ગદ્ય વિશે વાત કરતાં હર્ષદભાઈ કહે છે, “મારી વાર્તાનું ગદ્ય એ વાર્તાકારનું ગદ્ય નથી, એ કવિનું ગદ્ય છે, એટલે એ જુદું છે. કારણ કે હું પાયામાં તો કવિ છું. મને જે સૂઝે છે એ બધું કવિતામાં સૂઝે છે.”
કવિતા, વાર્તા ઉપરાંત ચરિત્રલેખન ક્ષેત્રે પણ હર્ષદભાઈએ પોતાની રસાળ શૈલીમાં જનક ત્રિવેદીથી માંડીને રઘુવીર ચૌધરી સુધીના વિવિધ સર્જકોનાં રેખાચિત્રો આલેખ્યા છે. ‘સરોવરના સગડ’, ‘સ્મરણલેખ’, ‘તપસીલ’ પુસ્તકોમાં આ લેખો સમાવાયા છે. ‘અસ્મિતાપર્વ’માં ઝીલાયેલી ‘વાગ્ધારા’ને તેમણે પંદરેક ભાગમાં સંપાદિત કરીને પોતાની સંપાદકીય સૂઝનો પરિચય આપેલ છે.
જૂનાં ફિલ્મગીતો અને આપણાં લોકગીતો પણ હર્ષદભાઈના રસ અને અભ્યાસના વિષય. જૂની હિંદી ફિલ્મોના ગીતો વિશે એમનો અભ્યાસ દાદ માંગી લે એવો. લોકગીતોનાં રસદર્શન કરાવતી એમની એક લેખશ્રેણી ‘કુમાર’ માટે ધીરુભાઈ-પ્રફુલ્લભાઈની મર્મજ્ઞ-બેલડીએ પ્રેમાગ્રહપૂર્વક લખાવડાવેલી. આ લેખશ્રેણીને 2016નો ‘કુમારચંદ્રક’ સાંપડ્યો. લોકગીતોનાં રસદર્શનની લેખશ્રેણી ‘કંકુચોખા’ શીર્ષકથી 2017માં ગ્રંથસ્થ થઈ. આ પુસ્તક વિશે ડો. નરોત્તમ પલાણ લખે છે, “લોકગીતોની ઓઢણીની આખી ભાતને ઉકેલવા હર્ષદ અહીં મથ્યા છે. લોકગીતની ગરિમા અને ગેયતા – બંનેને આત્મસાત કરીને તે હસ્તામલકવત્ આપણને દર્શાવી આપે છે. માંડીને વાત કરતા હર્ષદનું ગદ્ય અહીં એક નવી પ્રૌઢીને પામ્યું છે.”
શબ્દસાધક પંકજ ત્રિવેદીના બંધુ, ‘અખેપાતર’ જેવી પુરસ્કૃત, યશોદાયી કૃતિના સર્જક સુશ્રી બિંદુબેન ભટ્ટના પતિ અને પત્રકાર-પુત્ર જયજિતના પિતા શ્રી હર્ષદ ત્રિવેદી પૂ. બાપુના સાન્નિધ્યમાં દેશવિદેશમાં રામરસના ઘૂંટડા ભરતા રહે છે.
‘ગુજરાતી સાહિત્ય પરિષદ’નું સુકાન 2024 થી 2027 સુધી હવે હર્ષદભાઈ પાસે છે. આ ત્રણ વર્ષમાં ઘણું ઘણું કરવા માટે એમનાં ‘ઘટમાં ઘોડા થનગને’ છે. સુશ્રી આરાધના ભટ્ટ સાથેની પ્રલંબ મુલાકાતમાં પરિષદની ભાવિ દિશા અંગેની પોતાની પ્રાથમિકતાઓ વિશે સંકેત આપતાં હર્ષદભાઈ કહે છે:
(1) આપણી પાસે ગુજરાતી સાહિત્યનો ઓથેન્ટિક ઈતિહાસ નથી. ગુજરાતી સાહિત્યના 3 વોલ્યુમ પ્રગટ થયાં છે. બીજા 5 વોલ્યુમ થઈ શકે એટલી સામગ્રી તૈયાર છે. જે છે તેને અદ્યતન બનાવવાનું છે ને આગળ પણ ચલાવવાનું છે.
(2) મધ્યકાલીન સાહિત્યનાં સંશોધનના પ્રોજેક્ટ કરવા જ પડે. નહીંતર એ સાહિત્ય ધીમે ધીમે લુપ્ત થશે.
(3) નવા સંશોધકો આવે એ માટે પ્રવૃત્તિઓ કરવાની છે.
(4) નવોદિતો માટે દરવાજા ખુલ્લા કરવાની જરૂર છે.
(5) ગુજરાતી કવિતાચયન, નવલિકાચયન જેવા અટકેલાં કામો આગળ ચલાવવાના છે.
(6) આખાં વર્ષ દરમ્યાન પ્રગટ થતાં પુસ્તકો પૈકી ચુનંદા પુસ્તકોની સમીક્ષા થવી જોઈએ.
(7) ‘પરબ’ વધારે સારું થાય એની કોશિશ કરવાની છે.
(8) પરિષદ પાસે પૈસા નથી. એટલે આ બધા કામ માટે પૈસા ક્યાંથી લાવવા એ પણ વિચારવાનું છે.
(9) દરિયાપારના ગુજરાતી સર્જકો જ્યારે ભારત આવે ત્યારે અથવા તો આપણી અનુકુળતા પ્રમાણે એમને બોલાવીએ ત્યારે આપણે એમનો વધુમાં વધુ લાભ લઈએ, એમની સાથે સંવાદો કરીએ, એમનાં સાહિત્યનું પ્રકાશન અહીંથી વધારે થાય એ માટે પ્રયત્ન કરીએ
(10) મહિલાઓ સુંદર લખે છે. એમને સ્પેસ-જગ્યા-આપીએ.
(11) બાળસાહિત્યની અત્યારે શું દશા છે? જે ઘરડાઓ છે એ પોતે બાળકો હોય તો શું વિચારે એમ માનીને એ બાળસાહિત્ય લખે છે. એ આજનાં બાળકો સ્વીકારવાનાં જ નથી. બાળસાહિત્યની આખી દિશા બદલવાની છે.
(12) આ બધાં કામો સમાંતરે કરવાનાં છે અને માત્ર યોગ્યતાનાં ધોરણે કામ થાય. એમાં તમારે કોઈને નારાજ પણ કરવા પડે તો એ કરવાની પણ તૈયારી હોય. આપણે અનુગ્રહો અને પૂર્વગ્રહોમાંથી બહાર નીકળીએ તો આ બધાં કામો થઈ શકશે.
આમ, ગુજરાતી સાહિત્ય પરિષદને નૂતન મુકામ તરફ ગતિમાન, વેગવંતી કરવાનાં સ્વપ્નો આંખમાં આંજીને પ્રમુખપદે આરૂઢ થયેલ હર્ષદ ત્રિવેદી Robert Frost (I have miles to go before I sleep) ના અંદાજમાં એક શેરમાં કહે છે :
એટલે ‘હર્ષદ’ બધે બનતી ઉતાવળ હું કરું,
શું ખબર કે કેટલા છે શ્વાસ મારા હાથમાં !
છેલ્લા ચાર-સાડાચાર દાયકાઓથી શબ્દોપાસનામાં ખાંખતપૂર્વક રમમાણ રહેલ અને છેક S.S.C.કાળથી કવિતા-સર્જન કરી રહેલ તેમ જ પ્રારંભિક તબક્કે ‘ખદ્યોત’ ઉપનામથી સર્જનરત રહેલ હર્ષદભાઈ પાસેથી અત્યાર સુધીમાં છ કાવ્યસંગ્રહ સાંપડે છે.
શ્રી હર્ષદ ત્રિવેદીના કાવ્યસંગ્રહો
(1) એક ખાલી નાવ (1984)
(2) રહી છે વાત અધૂરી (2002)
(3) તારો અવાજ (2003)
(4) તરવેણી (2013)
(5) તમે ખરા! (2017)
(6) ઝાકળમાં ઘર (2017)
આ ઉપરાંત ‘જાળિયું’ (વાર્તાસંગ્રહ), ‘સોનાની દ્વારિકા’ (નવલકથા) અને પંદર સંપાદિત પુસ્તકો
એવોર્ડ / સન્માનો
‘કુમાર સુવર્ણચંદ્રક’, ‘કવીશ્વર દલપતરામ એવોર્ડ’ ‘જયંત પાઠક કવિતા પુરસ્કાર’
@@@
એમની કેટલીક મજાની પંક્તિઓ અને નોંધપાત્ર શેર
‘હર્ષદ’ ભલે ને નીકળે દરિયો બની
બંધ મુઠ્ઠીમાં તો મૃગજળ હોય છે.***
આજ ‘હર્ષદ’માં વિરલ ઘટના ઊગી
આમ ઊભાઊભ ને લગભગ ઝૂકયો.***
કેમ હું ‘હર્ષદ’ કહું મુજને હવે?
પાળિયો મારો ખોડીને હું જાઉં છું.***
જળમાં મારગ, મારગમાં જળ, માટી જેવી જાત,
ઓગળતાં ઓગળતાં જીવે ઝીણી માંડી વાત***
ઓણ મળશું,પોર મળશું, નહીંતર પરાર મળશું,
અમે નદીના કાંઠે નહીંતર દરિયે ધરાર મળશું***
કઈ રીતે એની તવારીખ આપવી,
ઘાવ ક્ષણનો, જિંદગી આખી દૂઝ્યો***
છેવટે વ્હેલી સવારે વૃક્ષ આ ઊડી શક્યું,
પાંખ પંખીઓએ આખી રાત ફફડાવી હશે***
અમે છીએ સો ટચનું સોનું પરંતુ,
કસોટીને બ્હાને કરો ના ઘસરકો***
પલળ્યાં ના વરસાદી ક્ષણમાં,
એ જ તૂટ્યાં તકલાદી ક્ષણમાં***
તારી ઉદાસ સાંજને શણગારવા પ્રિયે !
લે મોકલું મઘમઘ તને સપનાં નવાં પ્રિયે !***
@@@@@
સાહિત્યકાર શ્રી હર્ષદ ત્રિવેદી
જન્મ : 17.7.1958 ખેરાળી (સુરેન્દ્રનગર)
માતા-પિતા : શશિકલા – અમૃતલાલ ત્રિવેદી (સાહિત્યકાર)
જીવનસાથી : બિંદુ ભટ્ટ (જાણીતા વાર્તાકાર, નવલકથાકાર)
સંતાન : જયજિત (પત્રકાર)
शिवास्ते पन्थानः सन्तु !
ફતેહ છે આગે !
~ આર. પી. જોશી (રાજકોટ)
@@@@@
વાહ ખૂબ વિસ્તૃત પરિચય…
હર્ષદભાઈને જન્મ દિવસની શુભેચ્છા.
વાહ, ખૂબ સરસ માહિતી, જાણવું જરૂરી હતું તે મળ્યું ્
ખૂબ સુંદર અભ્યાસપૂર્ણ પરિચય લેખ
હર્ષદભાઈની સર્વ મનોકામના પૂર્ણ થાય એવી શુભેચ્છા. પરિચય લેખ સરસ બન્યો છે.