સોનેટ : સંધ્યા ભટ્ટ * Sandhya Bhatt

સોનેટનું મૂળ ઈટાલીમાં તેરમી સદીમાં મળે છે. ઈટાલિયન ‘sonetto’ શબ્દનો અર્થ ‘ઝીણો રણકાર’ એવો થાય છે. ઈટાલિયન કવિ પેટ્રાર્ક (1304 – 1374) લોરા નામની પોતાની કલ્પનાની પ્રેમિકાને ઉદ્દેશીને પોતાના ભાવો સોનેટમાં વ્યક્ત કરે છે. પછી તો એ સમયમાં સોનેટ દ્વારા પ્રેમની અભિવ્યક્તિ મોટા ભાગના કવિઓ કરતાં જોવા મળે છે. સર ફિલિપ સિડની ‘Astrophel and Stella’ નામથી એકસો આઠ સોનેટની હારમાળા આપે છે જેનું વિષયવસ્તુ પ્રેમ છે. ઈટાલીથી આ સ્વરૂપ ઈંગ્લેન્ડ આવ્યું. વ્યાટ, સરે, શેક્સપિયર, મિલ્ટન, જ્હોન ડન, વર્ડ્ઝવર્થ, કીટ્સ, બ્રાઉનીંગ જેવા સિદ્ધહસ્ત કવિઓ દ્વારા લખાયેલા સોનેટ આજે પણ વંચાય છે અને વખણાય છે. અંગ્રેજી ભાષામાં prosody (છંદવ્યવસ્થા) માં stress – unstress એટ્લે કે લઘુ-ગુરુ પ્રમાણે જુદી જુદી રીતે સૉનેટ લખાતાં જેને આપણે સંસ્કૃત વૃત્ત પ્રમાણે લખીએ છીએ.

છંદોના શાસ્ત્રને પિંગલ કહે છે. છંદશાસ્ત્રના જ્ઞાતા ચીમનલાલ ત્રિવેદી ‘પિંગલદર્શન’ પુસ્તિકામાં લખે છે, “પિંગલશાસ્ત્રના મૂળ પ્રવર્તક તરીકે પિંગલમુનિનું નામ પ્રસિદ્ધ છે…ત્યારથી છંદશાસ્ત્રને પિંગલશાસ્ત્ર તરીકે ઓળખવામાં આવે છે. ‘પિંગલ’ શબ્દને આ રીતે સમજી શકાય. પિંગલ એટલે પિં–પિંડ, ગ–ગુરુ અને  લ–લઘુ. અર્થાત લઘુ-ગુરુના પિંડનું કથન તે પિંગલ. (પૃ .1) આપણે શિખરિણી, મન્દાક્રાન્તા, પૃથ્વી, શાર્દૂલવિક્રીડિત જેવા સખંડ રૂપમેળ કે અનુષ્ટુપ, ઇન્દ્રવજ્ર  કે ઉપેંદ્રવજ્ર જેવા અખંડ રૂપમેળ છંદમાં સૉનેટ લખીએ છીએ.

ચૌદ લીટીમાં લખાતા સોનેટમાં કોઈ એક વિષયનું નિર્વહણ કરવાનું હોય છે. પંક્તિવિભાજન 4-4-4-2 અથવા તો 8-6 ની રીતે કરાય છે. પેટ્રાર્કન શૈલી (8–6 પ્રમાણે પંક્તિવિભાજન)માં આઠ પંક્તિમાં વિષયની માંડણી કર્યા પછી વળાંક આવે છે. જે પંક્તિથી વળાંક આવે તેને Volta કહેવાય છે. અંતે આવતી બે પંક્તિમાં ચોટ લાવી શકાય અથવા વિષયનો યોગ્ય ઉપસંહાર કે ઉપશમન કરી શકાય. અંગ્રેજી ભાષામાં લખાતાં સોનેટમાં અંત્યાનુપ્રાસરચનાની સરસ ગોઠવણી છે જે કાવ્યાનંદમાં વધારો કરે છે. જો કે ગુજરાતીમાં પ્રાસરચનાનું અનુસરણ ઓછું જોવા મળે છે. સોનેટનું સૌન્દર્ય પંક્તિવિભાજન કે પ્રાસરચના કરતાં પણ વધુ તેમાં પ્રગટ થતાં ઊર્મિ અને ચિંતનના કાવ્યાત્મક સાયુજ્યમાં રહેલું છે. સફાઈદાર છંદ, સહજ કલ્પન, યથોચિત અલંકારવિનિયોગ, પ્રવાહી અને સૂક્ષ્મ ભાવો, આંતરપ્રાસયુક્ત પદાવલિ જેવા વાનાંથી સૉનેટનો આનંદ મળે છે. અંતિમ બે પંક્તિના અર્થપૂર્ણ અંત્યાનુપ્રાસથી સૉનેટ સંપૂર્ણ બને છે.

ઈ.સ. 1888માં કવિ બળવંતરાય ઠાકોરે રચેલું ‘ભણકારા’ એ આપણી ભાષાનું પ્રથમ સૉનેટ છે. ‘મોગરો’, ‘જૂનું પિયરઘર’ જેવાં તેમના સૉનેટ આજે પણ સૌને યાદ છે. ગાંધીયુગમાં સોનેટનું સ્વરૂપ વધુ પ્રચલિત બન્યું. સંખ્યા અને ગુણવત્તાની દ્રષ્ટિએ આ સમયમાં નોંધપાત્ર સૉનેટસર્જન થાય છે. કવિ કાન્ત પાસેથી ‘ઉપહાર’, નરસિંહરાવ દિવેટિયા પાસેથી ‘વીણાનું અનુરણન’ તથા ન્હાનાલાલ પાસેથી ‘તાદાત્મ્ય’ સૉનેટ મળે છે. કવિ ખબરદાર પાસેથી 202 સૉનેટનો સંગ્રહ ‘નન્દનિકા’ મળે છે. તેઓ બાહ્ય સ્વરૂપને વળગી રહે છે તેથી તેમના સૉનેટમાં કૃત્રિમતાનો અનુભવ થાય છે.

પંડિતયુગમાં ઉપેક્ષિત રહેલું સૉનેટનું સ્વરૂપ ગાંધીયુગમાં ઉત્તમ વિકાસ સાધે છે. ઈ.સ. 1926માં ચન્દ્રવદન મહેતા પાસેથી સૉનેટગુચ્છ મળે છે. રામનારાયણ પાઠક ‘શેષ’નું ‘છેલ્લું દર્શન’ સૉનેટ આપણે સૌ પાઠ્યપુસ્તકમાં ભણ્યા છીએ. સુન્દરમ પાસેથી મોટી સંખ્યામાં ઉત્કૃષ્ટ સૉનેટો પ્રાપ્ત થાય છે. સંગીતના સાત રાગવિષયક સૉનેટસપ્તક ‘સપ્તરાગ’ તેમની નોંધપાત્ર રચના છે. ગાંધીચેતનાનો બુલંદ સૂર પ્રગટાવનાર કવિ ઉમાશંકર જોશી સ્વાતંત્ર્યવિષયક તેમ જ વિશ્વબંધુત્વને વ્યક્ત કરતાં સૉનેટ આપે છે. ‘આત્માનાં ખંડેર’ શીર્ષકથી લખાયેલી સૉનેટમાળા કવિની ગહન ચિંતનશીલતા વ્યક્ત કરે છે. આ ઉપરાંત ગાંધીયુગમાં રામપ્રસાદ શુક્લ, સ્નેહરશ્મિ, સુંદરજી બેટાઈ, મનસુખલાલ ઝવેરી, પૂજાલાલ, કૃષ્ણલાલ શ્રીધરાણી, હરિશ્ચંદ્ર ભટ્ટ અને કરસનદાસ માણેક પાસેથી પણ સોનેટો મળે છે. ગાંધીયુગના સૉનેટ માટે કવિ-વિવેચક ઉશનસ લખે છે, “ગાંધીજી તો ખરા જ, પણ શ્રી અરવિંદ-રવીન્દ્રનાથ ને માનવતાવાદ ને સમાજવાદ-સામ્યવાદના માર્ક્સનું તત્વજ્ઞાન; આવા ગાળામાં કવિતા ન ખીલે તો જ નવાઈ ને કવિતા ખીલે તો સૉનેટ કેમ ન ખીલે! આ જ ગાળામાં પ્રો.ઠાકોર, ચંદ્રવદન, દુર્ગેશ શુક્લ, સુંદરમ, ઉમાશંકર, રામપ્રસાદ શુક્લ દ્વારા સૉનેટયુગ્મ, સૉનેટત્રયી, સૉનેટચતુષ્ક, સૉનેટપંચક, સૉનેટગુચ્છ ને સૉનેટમાળા એમ બધા સ્વરૂપે સૉનેટની ખેડ થઈ છે.આ ખેડ  જેટલી વિશાળ છે તેટલી ઊંડી પણ છે.” (‘મારો વાઙમય ઉપભોગ’ લે.ઉશનસ પ્ર. ગુજરાત સાહિત્ય અકાદમી.,2010 પૃ.205)

અનુગાંધીયુગના કવિઓ પ્રહલાદ પારેખ, રાજેન્દ્ર શાહ અને નિરંજન ભગત પણ સૉનેટસાહિત્યને સમૃદ્ધ કરે છે. રાજેન્દ્ર શાહે સૉનેટત્રયી અને સૉનેટયુગ્મો આપ્યા છે. પ્રહલાદ પારેખ સૌંદર્યનિર્મિતાના કવિ છે. સામાજિક વાસ્તવમાં તેમણે રસ દાખવ્યો નથી. સોનેટમાં પણ તેમનું આ વલણ જોવા મળશે. તેમનાં ‘ઘેરૈયા’, ‘વાતો’, ‘વિદાય’, ‘તેજ-ઉલ્લાસ’ જેવા સોનેટના આસ્વાદ પણ થયા છે. ‘આયુષ્યના અવશેષે’ રાજેન્દ્ર શાહની અને ગુજરાતી કવિતાની ઉત્તમ સૉનેટમાળા છે. ‘રાજેન્દ્ર શાહનાં સૉનેટ’ શીર્ષકથી થયેલ લેખમાં હર્ષદ ત્રિવેદી વિગતે રસસ્થાનો ચીંધી આપે છે અને કાંઈક મર્યાદા પણ બતાવે છે. (‘શબ્દાનુભવ’ લે. હર્ષદ ત્રિવેદી.પ્રકાશન : કવિલોક ટ્રસ્ટ,2007) નિરંજન ભગત પાસેથી 38 સૉનેટ મળે છે. પ્રસાદ બ્રહ્મભટ્ટ લખે છે, “પ્રતીકરચના દ્વારા નગરજીવનની નિષ્પ્રાણતા, વિરૂપતા, માનવજીવનની છિન્નભિન્નતા  પ્રગટાવી સૉનેટના સ્વરૂપમાં અસરપ્રવર્તક પ્રદાન કરનાર નિરંજને 17 વર્ષની વયે રચેલું પ્રથમ સૉનેટ ‘ હ્રદયની ઋતુઓ’ કચાશવાળું નથી. ‘મૌન’, ‘ મિલનોન્મુખીને’, ‘કરોળિયો’, ‘મોર’, ‘મુંબઈનગરી’, ‘પથ’, ‘મિત્ર મડિયાને’ તેમના કલાત્મક સૉનેટો છે.” (બાર સાહિત્યસ્વરૂપો’ લે. પ્રસાદ બ્રહ્મભટ્ટ પ્ર.પાર્શ્વ પબ્લિકેશન,2001 પૃ. 145 )

ઉશનસનું સૉનેટસર્જન સંખ્યા અને ગુણવત્તાની દ્રષ્ટિએ વિસ્મિત કરે છે. તેમને આ સ્વરૂપ એવું તો સહજ હતું કે સંખ્યાબંધ વિષયો પર તેમણે સૉનેટ આપ્યાં છે. કેટલાક સોનેટો રચનાની દ્રષ્ટિએ શિથિલ છે પરંતુ ‘વળાવી બા આવી’, ‘પ્રથમ શિશુ’, ‘હવે ઘર ભણી’, ‘સ્મશાનમાં’ ‘સાંજનો સાદ’ તથા તેમની કેટલીક સૉનેટમાળા કલાત્મક છે. દક્ષા વ્યાસ કહે છે, ‘સૉનેટમાળાને દીર્ઘકાવ્ય લેખીએ અને લેખવી જ જોઈએ, તો ઉશનસે ગુજરાતીમાં સૌથી વધુ અને ઉત્તમ કહી શકાય તેવી સૉનેટમાળાઓ આપી છે…કવિ અખિલ ભારતનો પ્રવાસ કરે છે ને ‘ભારત દર્શન’ નાં સૉનેટ રચાય છે. ડાંગવન ખૂંદે છે અને ‘અનહદની સરહદે’ જેવા સમૃદ્ધ સૉનેટગુચ્છનું નિર્માણ થાય છે.’(‘સ્વાતંત્ર્યોત્તર ગુજરાતી કવિતા : પરિદર્શન : પૂર્વરંગ’ લે. દક્ષા વ્યાસ,પ્રકાશન : પાર્શ્વ પબ્લિકેશન,2010.પૃ.153)

કવિ જયંત પાઠક પાસેથી સો ઉપરાંત સૉનેટ મળે છે. પ્રણય અને પ્રકૃતિને વિષય બનાવીને તેમણે કલાત્મક રચનાઓ આપી છે. ‘વાસંતી ફરફર’ સોનેટમાં આ કવિ વસંતમદિલ પ્રકૃતિનું પંચેંદ્રિયથી વર્ણન કરે છે. તેઓ શિખરિણીમાં લખે છે, ‘હવાને ચ્હેરે શી મૃદુ વિહગપીંછી ફરી રહી!’ વસંતનો ડંખ લાગતાં જ નિજનું રૂપાંતર થાય છે જે અંતિમ બે પંક્તિમાં જુઓ…

અહો પોચી પોચી મીણની મુજ હસ્તી : મધપૂડો!

બધે ડંખે છિદ્રે દ્રવ દ્રવ- દુઝે શો વ્રણ ઊંડો !  (અંતરીક્ષ ,14)

આ ગાળાના અન્ય સૉનેટકારોમાં બાલમુકુન્દ દવે (જૂનું ઘર ખાલી કરતાં), નાથાલાલ દવે (હતો ખડક એક), વેણીભાઇ પુરોહિત (અધૂરપ), પિનાકિન ઠાકોર, મકરન્દ દવે, હસિત બૂચ, પ્રિયકાન્ત મણિયાર, હસમુખ પાઠક, હરીન્દ્ર દવે, સુરેશ દલાલ, નલિન રાવળ, હેમંત દેસાઇના નામ જાણીતાં છે.

આધુનિક કવિઓમાં લાભશંકર ઠાકર, ચિનુ મોદી, રઘુવીર ચૌધરી, મણિલાલ દેસાઇ, રાવજી પટેલ, ચંદ્રકાંત શેઠ, ભાનુપ્રસાદ પંડ્યા, ભાનુપ્રસાદ ત્રિવેદી, યોસેફ મેકવાન, માધવ રામાનુજ, હરિકૃષ્ણ પાઠક, વિનોદ જોશી, મણિલાલ હ. પટેલને યાદ કરી શકાય. ભગવતીકુમાર શર્માએ પત્નીના અવસાન પછી ‘આત્મસાત’ નામે સૉનેટસંગ્રહ આપ્યો જે દામ્પત્યકથાના  વિષય  પર કેન્દ્રિત છે. છેલ્લા ઘણા સમયથી ગઝલના બાહુલ્યને કારણે સૉનેટનું સ્વરૂપ બહુ જ ઓછું ખેડાય છે પણ આમ છતાં રામચંદ્ર પટેલ, જશવંત લ. દેસાઇ, રવીન્દ્ર પારેખ, દેવેન્દ્ર દવેના નામ ઉલ્લેખનીય છે. જશવંત લ. દેસાઇ ‘સહસા’ તથા દેવેન્દ્ર દવે  ‘ઉરે પરમ ઝંખના’ નામથી સૉનેટસંગ્રહ આપે છે.

અંતે એક વાત નોંધીએ કે એક સદી ઉપરાંતથી આપણે ત્યાં આવેલું સૉનેટ હવે આપણે માટે પરાયું નથી રહ્યું. આપણા કવિઓએ તેને હવે પોતીકું બનાવી દીધું છે. આપણી ભાષામાં સૉનેટ સદા ય રહેશે એવી શ્રદ્ધા સાથે અટકું છું.

સંધ્યા ભટ્ટ

**********

અભ્યાસ માટે અન્ય ગ્રંથો 

1. સોનેટ – વિનોદ જોશી (ડો. સુમન શાહ સંપાદિત સાહિત્ય સ્વરૂપ શ્રેણી)

2. ગુજરાતી સોનેટ – સં. મણિલાલ હ. પટેલ અને દક્ષેશ ઠાકર 

મૂળ પોસ્ટીંગ 21.10.2020

1 Response

  1. ખૂબ સરસ સોનેટ વિષેની માહિતી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: