દર્શક આચાર્ય ~ બે ગઝલ * Darshak Acharya
🌸
*કાગળે ચીતરેલાં*
કમળને અમે કાગળે ચીતરેલાં,
પછીથી ભ્રમર જેમ એમાં ફસેલા.
બધી વાત પૂરી કરો એ પહેલાં,
પરત આપી દો પત્ર તમને લખેલા.
ચહેરા ઉપરથી જ સમજાઈ જાશું,
અમે એક બાળક સમા સાવ સહેલા.
હતાં વાદળાં ખૂબ સમજુ ને ડાહ્યાં,
થયાં છે પવનના પ્રભાવે જ ઘેલાં.
રહ્યા છે હવે માત્ર કંકુના થાપા,
કદી આપણે જેમાં ઘરઘર રમેલા.
~ દર્શક આચાર્ય
મુગ્ધ ભાવમાં કિશોરવય વીતે તો ચાલે, યુવાની પણ અમુક અંશે ચાલી જાય પણ ઘણા લોકો ઉમરભર સ્વ મુગ્ધતામાંથી બહાર જ નથી નીકળી શકતા. આત્મગાન ગાવાની એવી તો ટેવ પડી ગઈ હોય છે કે એ સિવાયની દુનિયા એમને માટે કાંકરો…. મત્લાનો શેર આવી સરસ વાત લઈને આરંભ કરે છે. તો આ શેર ‘હતાં વાદળાં ખૂબ સમજુ ને ડાહ્યાં, થયાં છે પવનના પ્રભાવે જ ઘેલાં.’ પ્રકૃતિનો નિયમ કાવ્યની ભાષામાં કેટલી સુંદરતાથી વ્યક્ત થયો છે. ચારેય શેરની દુનિયાથી સાવ અલગ વસેલો ઉદાસ એવો… છેલ્લો….
🌸
*કૂવાને પોંખવા*
વૃક્ષો સમા વિહંગના ઉમળકાને પોંખવા,
નભ દોરીને ઊભો છું હું ટહુકાને પોંખવા.
ઝાકળ બની વરસવું પડે છે સવારના,
સૂરજ સમા ઉજાસમાં તરણાને પોંખવા.
વહેલી સવારે જળથી ભરી પંચ પાત્રને,
પૂજા કરું નદી અને ઝરણાને પોંખવા.
સ્કૂલે જતાં શિશુને હસાવું ફળો ધરી,
વ્હેલી સવારના કૂણા તડકાને પોંખવા.
લોકો ભલે ભરે નહિ પાણીની ડોલ પણ,
હું તો ભરું અવાવરુ કૂવાને પોંખવા.
~ દર્શક આચાર્ય
માત્ર તરણાંને જ પોંખવાના નથી, અવાવરુ કૂવાઓ જળ સમેત પણ રાહ જુએ છે, પોંખાવાની….
બન્ને રચનાઓ ખુબ સરસ આસ્વાદ પણ સરસ
બન્ને ગઝલ સંવેદનશીલ છે.
આભાર લતાબેન
આનંદ આનંદ
વાહ, કવિ મિત્ર દર્શકની બંને ગઝલો ‘કાબિલે તારીફ’ છે
હતાં વાદળાં ખૂબ સમજુ ને ડાહ્યાં,
થયાં છે પવનના પ્રભાવે જ ઘેલાં. સરસ કલ્પન…
વાહ
Nice
દર્શક આચાર્ય પિતા રમેશભાઇ આચાર્યની અછાંદસ કવિતાઓથી અલગ મુદ્રા લઈને ગઝલના શેરમાં જબરદસ્ત કૌવત દાખવે છે. અભિનંદન.