રાકેશ હાંસલિયા ~ ચાર ગઝલ * Rakesh Hansaliya
છોડીને ખાબોચિયું જાતો નથી,
હંસ છે તું, કેમ શરમાતો નથી ?
એવું ક્યાં છે, જીવ વીંધાતો નથી,
એમ કાંઈ શ્લોક સર્જાતો નથી.
મોર છું, ટહુકીશ મારી રીતથી,
કોઈનીયે જેમ હું ગાતો નથી.
જીતવાની ઝંખના છોડી દીધી,
એટલે એ શખ્સ જીતાતો નથી.
કોઈ નીચે સાથે બેસી જાય છે,
આ સમય સ્હેજેય શરમાતો નથી !
એમાં ધિક્કારે છે આખુંયે ગણિત ?
દાખલો જો એક સમજાતો નથી !
છોડનું દુર્ભાગ્ય, બીજું શું કહું,
વડ કદી જો એને ખીજાતો નથી.
જિન્દગીનો કેટલો છે ત્યાં અભાવ,
ને બધાં ખુશ છે કે કરમાતો નથી.
~ રાકેશ હાંસલિયા
હરઘડી જે ટોચ દેખાડે મને,
ખીણમાં એ ક્યાંક ના પાડે મને !
યાદ આવે આભ ઓઢેલા બધાં,
એવી ચાદર કોઈ ઓઢાડે મને.
પ્રાર્થના આવી ગઈ હોઠે તરત,
ક્યાં પહોંચાડી દીધાં ખાડે મને !
હું પડ્યો છું ગામમાં તારા ભૂલો,
કોઈ હવે મારગ ન સૂઝાડે મને.
જેમણે ઘરનો ખૂણો જોયો નથી,
ક્યાંથી એ સંસાર દેખાડે મને.
સૌ ઊભાં છે ધૂળના મુઠ્ઠા ભરી,
કોણ અહીંયા રંગ ઉડાડે મને.
– – – રાકેશ હાંસલિયા
આમ તો ઘણા શેર ગમ્યા છે પણ જે બહુ જ ગમી ગયા એ આ….
1.‘યાદ આવે આભ ઓઢેલા બધાં, એવી ચાદર કોઈ ઓઢાડે મને.’
બીજાની પીડા સમજવાની વાત કેટલી કાવ્યાત્મક અને હૃદયસ્પર્શી!
2. ‘એવું ક્યાં છે, જીવ વીંધાતો નથી; એમ કાંઈ શ્લોક સર્જાતો નથી.’
રામાયણનો સંદર્ભ લઈને રચાયેલો શેર ‘વાહ’ તો કહેવડાવે જ.
3. ‘કેમ લંબાશે મદદ માટે; પંડિતના હાથ પૂજામાં છે.’
જબરો કટાક્ષ! આપણાં તમામ ખોટા ને દંભી આચાર વિચાર માટે.
કટાક્ષ અહીં પણ છે જુઓ, 4. ‘તો જ થાજે બોલવા માટે ઊભો; આવડે છે ને અટકવાનું ભલા?’ વકતાઓએ કોતરી રાખવા જેવું.
5. ‘ડાળને અણસાર પણ આવે નહીં; ખરવું હો તો એમ ખરવાનું ભલા.’
કોઈને ન નડવાની વાત કે આઘા ખસવાની વાત આટલી નાજુકાઈથી કહી શકાય !!
બહુ જ સરસ હ્રદય સોંસરવી ઊતરી જતી રચનાઓ👏👏
ખૂબ સુંદર ગઝલો.ખૂબ ખૂબ અભિનંદન કવિ.
વાહ ચારેય ગઝલ મર્મજ્ઞ અને સંવેદનશીલ છે.
વાહ ખુબ સરસ બધીજ રચનાઓ ખુબ ગમી
સુંદર રચનાઓ
કવિ શ્રી રાકેશ ની બધીજ ગઝલો એની શેરીયત માટે ઉત્કૃષ્ટ છે. ખૂબ સરસ, ગમી.
ચૂટેલા શેર જે તારવી આપ્યા એ બરાબર છે.ધન્યવાદ.
સરસ રચનાઓ
વાહ, રાકેશભાઈ, બધી જ રચનાઓ ખુબ સરસ 👌🏻👌🏻👌🏻👍🏻👍🏻👍🏻
વાહ.. સરસ ગઝલો માણવા મળી
બધીજ ગઝલો સંઘેડાઉતાર. એક એક શેર ઉત્તમ. ખુબ અભિનંદન કવિ ને.
રાકેશ હાંસલિયાની ગઝલોમાં મસ્તી અને મિજાજ છે.