*શાં શાં રૂપ વખાણું*
શાં શાં રૂપ વખાણું, સંતો રે શાં શાં રૂપ વખાણું?
ચાંદા ને સૂરજ વિના, મારે વાયું છે વહાણું.
નેજા રોપ્યા નિજ ધામમાં, વાજાં અનહદ વાજે;
ત્યાં હરિજન બેઠા અમૃત પીએ, માથે છત્ર વિરાજે.
નૂરત સૂરતની શેરીએ, અનભે ઘર જોયું,
ઝળમળ જ્યોત અપાર છે, ત્યાં મુજ મન મોહ્યું.
વિના રે વાદળ, વિના વીજળી, જળસાગર ભરિયું;
ત્યાં હંસરાજા ક્રીડા કરે, ચાંચે મોતીડું ધરિયું.
માનસરોવર ઝીલતાં, તું તો તારું તપાસે;
તેને તીરે વસે નાગણી, જાળવજે નહિ તો ખાશે.
ઝગમગ જ્યોત અપાર છે, શૂન્યમાં ધૂન લાગી;
અખો આનન્દશું ત્યાં મળ્યો, ભવભ્રમણા ભાગી.
~ અખો
@@

અગમ, અગોચર ઈશ્વરીય પ્રકૃતિને ઉજાગર કરતાં કાવ્યો.
અગમવાણીનાં અખાના પદો એના વિવિધ સંદર્ભો સાથે સમજવા પડે.
રચનાઓ ગમી…