હરિશ્ચંદ્ર જોશી ~ ગણવું જ કાંઈ હોય

ગણી બતાવ

ગણવું જ કાંઈ હોય તો થડકા ગણી બતાવ
તેં ફેરવેલા શ્વાસના મણકા ગણી બતાવ

દુષ્કાળના માઠાં વરસમાં આંગણે મૂકી,
ઊડી ગયેલ પંખીનાં પગલાં ગણી બતાવ

વહેલી સવારે ખીણમાં ફેંકે અવાજ તું,
ને એ પછી તૂટી જતા પડઘા ગણી બતાવ.

તલવાર જેવો છે સમય, લાચાર તું હવે,
ભાંગી પડેલ જીવના સણકા ગણી બતાવ.

એકાદ બે કે પાંચ – પચ્ચીસ કે વધુ હશે,
તારા વિષેની તું બધી અફવા ગણી બતાવ.

વાતો કરી છે જાત સાથે એમ તો ‘હરીશ’
રાખ્યા છે કિંતુ કેટલા પડદા? ગણી બતાવ.

~ હરિશ્ચંદ્ર જોશી

માણસ હોંશિયારીમાંથી ઊંચો નથી આવતો. પોતાની બુદ્ધિના અભિમાનમાં રાચ્યા કરવાનું જ એને ગમે છે ત્યારે કવિ એને સવાલ જ નથી પૂછતા, પડકાર પણ ફેંકે છે. બોલ, આ તું કરી શકીશ? તારા હૃદયના તડકા કે શ્વાસના મણકા તું ગણી શકીશ ? પંખીના પગલાં કે ખીણમાં તૂટી પડેલા પડઘા ગણી શકીશ ? કવિ માત્ર બીજાને જ પૂછે છે એવું નથી, એ પોતાની જાતનેય પ્રમાણિકતાથી પડકાર ફેંકે છે, અરે જીવ, તું ક્યાં ક્યાં અંદર-બહાર અલગ રહ્યો છે ? કેટલા પડદા પોતાની જાત સાથે કે અન્યો સાથે રાખ્યા છે ?  આ સવાલ દરેકે પોતાને પૂછવા જેવો ખરો ! જો કે પોતાનેય ઇનો સાચો જવાબ મળવો મુશ્કેલ ! આપણે જાતને એટલું છેતરતા શીખી ગયા છીએ.  

8 thoughts on “હરિશ્ચંદ્ર જોશી ~ ગણવું જ કાંઈ હોય”

  1. કવિ ની બંને રચનાઓ માણવાની મજા પડી. માણસને પોતાની સારપ, કે ખરાબ કામની ગણતરી તો હોવી જ જોઈએ.

  2. હરીશ દાસાણી.મુંબઈ

    બંને રચનાઓ જીવનાતીત શકિત સાથેના સર્વકાલીન સંબંધ તથા શ્રદ્ધાદીપના ઉજાસથી પ્રકાશિત છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *