રમણીક અગ્રાવત ~ વાદ્યોમાં હું રણકાર છું (કાવ્યસંગ્રહ)

*નગારું*

ઝાલરનો ઠાવકો સંવાદ આરંભાય
હરખપદૂડી ઘંટડીઓ આઘીપાછી થાય
રજોટાયેલાં ગામ પર ફૂંકાય
સાંજનો શંખ

ભખભખે રાંધણિયાં, મઘમઘે ધૂપ
આંગણે આંગણે તુલસીક્યારે ઝગે દીવડા
ટેકરીઓ પગ બોળી નદીમાં
ઊતારે દિવસના થાક
પાદર પૂગતાં પૂગતાં
આખેઆખું આભ સંકેલાય
પાંદેપાંદથી બજાવે તાળી પીપળા
ઝાંખીપાંખી દિશાઓ ઢંઢોળતાં
ગાજે નગારાં ઘોર

~ રમણીક અગ્રાવત

‘વાદ્યોમાં હું રણકાર છું’ * ઊર્મિદીપ 2018 (માંથી)

નાનકડા ગામની સાંજ જીવંત થઈ ઉઠી છે. ઝાલરનો ઠાવકો સંવાદ અને ઘંટડીઓનો હરખ સીધો હૈયામાં ઉતરી જાય એવી પંક્તિઓ. જ્યાં પીપળા એના પાનથી તાળી બજાવે છે એવા આ નાના ગામનું ચિત્ર પોતીકું અને રળિયામણું બન્યું છે. તમામ પ્રતીકો, પછી એ નદી હોય, ટેકરી હોય કે તુલસીક્યારાના દીવડા… કાવ્યમાં મ્હોરે છે. અને અંતે રાતની નિશાની….    

પુસ્તક મોકલવા બદલ આભાર કવિ

@@

8 thoughts on “રમણીક અગ્રાવત ~ વાદ્યોમાં હું રણકાર છું (કાવ્યસંગ્રહ)”

  1. સમીસાંજનું ચિત્ર એનાં વિવિધ પ્રતીકોને લીધે જીવંત બન્યું છે.
    બીજી અછાંદસ રચના પણ સરસ છે.
    અભિનંદન.

  2. Kirtichandra Shah

    ભખભખે રાંધણીયા…તળપદા શબ્દોથી જાણે પીઠી કરી શબ્દ દેહની…બને રચનાઓ ખૂબ સુંદર

  3. ભદ્રેશ વ્યાસ "વ્યાસ વાણી"

    ચૂપચાપ ખસી જવું શૂન્યમાં
    જાળવી લઈ જાતમાં
    નરવું નવેલું હું પણું.

    વાહ ભૈ વાહ. બીજુ શું કહું????

  4. Daksha Vyas

    ધૂળિયા ગામની સાંજનો સાચે જ સાક્ષાત્કાર

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *