યામિની વ્યાસ ~ દોડતી ને દોડતી

*ચાલી જાય છે*

દોડતી ને દોડતી પૂરપાટ ચાલી જાય છે
કોણ જાણે ક્યાં સુધી આ વાટ ચાલી જાય છે

ઘેલછા કેવી હશે દરિયાને મળવાની જુઓ
આ નદી સૂના મૂકીને ઘાટ ચાલી જાય છે

જિંદગીની આ રમત કેવી કે રમતા માણસો
અધવચાટે મેલીને ચોપાટ ચાલી જાય છે

લાગણીની તીવ્રતાને કોઈ ના રોકી શકે
કોઈ સેના જાણે કે રણવાટ ચાલી જાય છે

બે ઘડી વરસાદનાં ધરતી ઉપર ફોરાં પડયાં
એટલામાં કેટલો તલસાટ ચાલી જાય છે

~ યામિની ગૌરાંગ વ્યાસ

દરેક શેરમાં એક સ્ત્રીની સુગંધ મહેકે છે.

@@

8 thoughts on “યામિની વ્યાસ ~ દોડતી ને દોડતી”

  1. ઉમેશ જોષી

    વાહ સકળ શે’ર હ્રદયગમ્ય છે.

  2. ભદ્રેશ વ્યાસ "વ્યાસ વાણી"

    મસ્ત ગઝલ, વાહ

  3. હરીશ દાસાણી.મુંબઈ

    ચાલી જાય છે- દોડી જતી જિંદગીની જેમ જ સરળ સહજ ગતિશીલ ગઝલ

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *