અમે નીકળી નથી શકતા
સુંવાળા શ્વેત છળમાંથી અમે નીકળી નથી શકતા,
બિડાયેલા કમળમાંથી અમે નીકળી નથી શકતા.
સદીઓથી શિલાલેખોના અણઊકલ્યા છીએ અર્થો,
તૂટ્યા અક્ષરની તળમાંથી અમે નીકળી નથી શકતા.
નદી, સરવર કે દરિયો હો તો નીકળી પાર જઈએ પણ,
સૂકી આંખોના જળમાંથી અમે નીકળી નથી શકતા.
સમય સાથે કદમ ક્યારેય પણ મળશે નહીં મિત્રો,
વીતેલી બે’ક પળમાંથી અમે નીકળી નથી શકતા.
ઊભા તૈયાર થઈને રંગમંચે ક્યારના કિંતુ,
પડ્યા પરદાની સળમાંથી અમે નીકળી નથી શકતા.
~ મનોજ ખંડેરિયા (6.7.1943 – 27.10.2003)
જન્મદિને કવિને સ્મૃતિવંદના
સ્વરાંકન અને સ્વર : અમર ભટ્ટ

કવિની રચના ને સ્વરાંકન બંને મજાનાં.
ખૂબ જ સરસ કાવ્ય, ગઝલ છે. આદરણીય કવિશ્રી મનોજ ખંડેરિયાને સ્મરણાંજલિ. ખૂબ જ સરસ સ્વરાંકન.