તુષાર શુક્લ ~ તારી હથેળીને   

એનો અલ્લાબેલી

તારી હથેળીને દરિયો માનીને કોઇ ઝંખનાને સોંપે સુકાન;
એને રેતીની ડમરીનો ડૂમો મળે, એનો અલ્લાબેલી.

ખજૂરીની છાયામાં વરસે છે ઝાંઝવા ને વેળુમાં તરસે છે વ્હાણ;
કૂવાથંભેથી હવે સોણલાં રડે ને કોરી આંખોને અવસરની જાણ.
તારી હથેળીને રેતી માનીને કોઇ ઊંટોના શોધે મુકામ;
એને કોરીકટ માછલીની જાળો મળે, એનો અલ્લાબેલી.

કોની હથેળીમાં કોનું છે સુખ, કોને દરિયો મળે ને કોને રેતી?
વરતારા મૌસમના ભૂલી જઇને એક ઝંખનાને રાખવાની વ્હેતી.
તારી હથેળીને કાંઠો માનીને કોઇ લાંગરે ને ઊઠે તોફાન;
એના ઓસરતી વેળુમાં પગલાં મળે, એનો અલ્લાબેલી.

~ તુષાર શુક્લ

****

આ ઉદાસી સ્હાંજની આ રેશમી યાદોનાં રણ
ઊંટની આંખોમાં ઝિલમિલ કારવાના રેતકણ

હું ત્વચાનું ગામ, તું બેફામ લીલપ પાંગરે
ને કિનારે સૂર્યના સો સો વહાણો લાંગરે
તું હથેળીમાં સતત ગળતું અનાગતનું કળણ
ઊંટની આંખોમાં ઝિલમિલ કારવાનાં રેતકણ

હું અજાણ્યા શ્હેરમાં, તું ઓગળે ધુમ્મસ બની
હું ગુલાબી શ્વાસ ઓઢી, શોધતો શેરી ગલી
તું મળે મારી જ અંદર, સાદ હું પાડુંય, પણ
ઊંટની આંખોમાં ઝિલમિલ કારવાંના રેતકણ.

હાથમાં અકબંધ છે એ મુગ્ધ ચ્હેરાની ભીનાશ.
આ અડોઅડ પાસપાસે, આપણા શ્વાસોચ્છ્વાસ
તું સરકતી પળની માફક, હું ચહું પ્રત્યેક ક્ષણ.
ઊંટની આંખોમાં ઝિલમિલ કારવાંના રેતકણ.

~ તુષાર શુક્લ

જન્મદિને કવિને સ્નેહવંદના

10 thoughts on “તુષાર શુક્લ ~ તારી હથેળીને   ”

  1. ઉમેશ જોષી

    જન્મ દિવસની સુકામનાઓ પાઠવું છું..

  2. Kirtichandra Shah

    Allahbeli is very enjoyable and more Dhanyvad I regret I cannot type in ગુજરાતી

  3. સરસ રચનાવો માણવી ગમી. કવિને જ. દિ. મુબારક.

  4. હરીશ દાસાણી.મુંબઈ

    જન્મદિવસ પર અભિનંદન તથા શુભેચ્છાઓ. બંને કાવ્યો મનોરમ્ય.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *