‘સાકિન’ કેશવાણી ~ પરસ્પરથી વિખૂટા થઈ જનારા

પરસ્પરથી વિખૂટા થઈ જનારા ક્યાં જઈ પહોંચ્યા?
ન જાણે નાવ ક્યાં પહોંચી કિનારા ક્યાં જઈ પહોંચ્યા?

વરાળો થઈ તજ્યો સાગર ને વરસી જઈ બન્યાં ઝરણાં,
જીવન મીઠું બના’વા નીર ખારાં ક્યાં જઈ પહોંચ્યાં?

ઉલેચ્યાં રૂપ-કિરણોએ કોઈ અંતરનાં અંધારાં,
રવિ-કિરણોથી પણ આગળ જનારા ક્યાં જઈ પહોંચ્યા?

ખિલાવી ઉર-કળી યુગ યુગને મ્હેકાવી ગયું કોઈ,
જીવન-ખુશ્બુ લઈને આવનારા ક્યાં જઈ પહોંચ્યા?

વસંતે લાલિમા વ્યાપી ગઈ મઘમઘતાં ફૂલો પર,
અધર પરથી કસુંબલ રંગ તારા ક્યાં જઈ પહોંચ્યા?

ખરી જાવું પડયું સુંદર ગગન છોડી સિતારાને,
તમારી આંખના મોઘમ ઇશારા ક્યાં જઈ પહોંચ્યા?

ઉષાની આંખમાં સૂરજ ઊગીને તરવર્યો ‘સાકિન’!
પ્રણય—સાગરમાં સાંજે ડૂબનારા ક્યાં જઈ પહોંચ્યા?

~ ‘સાકિન’ કેશવાણી (12.3.1929-31.3.1971)

ગઝલકાર. મૂળ નામ મહમદ હુસેન હબીબભાઈ કેશવાણી.

ગઝલસંગ્રહ ‘આરોહણ’, ‘ચાંદનીના નીર’.

કવિના જન્મદિને સ્મૃતિવંદના

6 thoughts on “‘સાકિન’ કેશવાણી ~ પરસ્પરથી વિખૂટા થઈ જનારા”

  1. હરીશ દાસાણી.મુંબઈ

    આ ગઝલ સાથે સાથે સ્મૃતિઓના કાફલા કયાં જઈ પહોંચ્યા!

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *