
શું વિચારો છો !!
અરીસો જાત સામે ગોઠવીને શું વિચારો છો!!
અમાસી રાત સામે ગોઠવીને શું વિચારો છો !!
મરણ જેવું મરણ ઈચ્છું છું હું મારી જ મહેનતનું,
દયા ખેરાત સામે ગોઠવીને શું વિચારો છો!!
તમે પાંપણ ઝુકાવો તો હું હમણાં હાર માની લઉં
આ ઝંઝાવાત સામે ગોઠવીને શું વિચારો છો!!
તમે દિલની વચોવચ તીર દોર્યું સારૂં તો છે, પણ,
હૃદયની ઘાત સામે ગોઠવીને શું વિચારો છો!!
પચાવી જાણું છું હું સત્ય કડવા ઝેર જેવું પણ,
મીઠી બે વાત સામે ગોઠવીને શું વિચારો છો!!
મને તો જ્યોતિષે કીધું ‘તું જળથી દૂર રહેવાનું,
ને સાગર સાત સામે ગોઠવીને શું વિચારો છો !!
~ રાકેશ સગર ‘સાગર’ વડોદરા
વિરોધી બાબતોને એક સાથે ગોઠવી કાવ્યમાં રસ અને સૌંદર્ય નીપજાવવાની કળા કવિએ સરસ રીતે હસ્તગત કરી છે. તો ‘મરણ પણ પોતાની મહેનતનું જોઈએ’ એ અનોખી વાત સીધી સ્પર્શી જાય છે. છેલ્લો શેર વાંચતાં મનમાં આ શબ્દોની યાદ ફૂટે, ‘જ્યોતિષીએ કહ્યું મને જળની ઘાત’….

મિત્ર કવિ ‘સાગર’ની ગઝલો એમની પોતાની ઓળખ સમી હોય છે, અભિનંદન.
બન્ને ગઝલ સંવેદનશીલ છે…
ખૂબ ખૂબ આભાર
રાકેશની ગઝલોમાં પોતીકી મુદ્રા છે એનો આ પુરાવો છે. અભિનંદન હિતેશભાઈ અને રાકેશ.
મોડું પડશે ગરીબ નું બાળક ચડી એક પલાળી છે! Touching