રિયાઝ દામાણી ~ અક્ષર મારા * Riyaz Damani

અક્ષર મારા ગડબડિયા
અક્ષર મારા ગડબડિયા ને તોય કરી દે પાસ
ટીચર મારી મમ્મીનાં શું ફ્રેન્ડ હશે કંઇ ખાસ ?
ભૂલ કરું તો વઢે નહીં સમજાવે વારંવાર
દીવાળી, ઉત્તરાયણ ને પછી આ હોળીનો તહેવાર
એક ને એક બે ને બે ને પાંચ થાય કેટલાં ?
હું તો બોલું ફટ મને ના આવડે ને એટલાં
ખોટે ખોટા ઉત્તર આપું એવો છે અભ્યાસ
ટીચર મારી મમ્મીનાં શું ફ્રેન્ડ હશે કંઇ ખાસ ?
કદીક, કદીક જાઉં સ્કૂલે, બહુ પાડું છું રજા
તોય કદી ટીચર મારાં, મને કરતાં નહીં સજા
હસતાં-હસતા પૂછે પણ ‘મામા આવ્યા’તા શું ?
વ્હાલ કરે ને પૂછે પણ ‘મામા લાવ્યા’તા શું ?
ફટ કરતા બોલી નાંખુ ‘કંઇ નહીં, ખાલી કંપાસ’
ટીચર મારી મમ્મીનાં શું ફ્રેન્ડ હશે કંઇ ખાસ ?
~ રિયાઝ દામાણી
બાળગીતોની શિશુગીતોની ખૂબ જરૂર છે. કિશોર યુવાનીમાં પ્રવેશે એ પહેલાં ઉંમરના ત્રણ વિભાગ કરીએ તો શિશુગીત, બાળગીત, અને કુમારગીત એમ કરી શકાય. આપણે ત્યાં બાળકાવ્યોમાં આવા વિભાગ કરીને વયજૂથ દર્શાવવાનું હજી ખાસ શરૂ થયું નથી. એ પણ બહુ જરૂરી છે.
બાળગીતોમાં બાળક પાસે વાત કઈ રીતે મૂકવી એ પણ જાણવાની, શીખવાની, સમજવાની બાબત છે. અને લય તો બાળગીતનો પ્રાણ છે. જે ગવાય નહીં એ બાળગીત હોય જ નહીં.
રિયાઝભાઈના બાળગીતોને મનોહરભાઈ ત્રિવેદીની પ્રસ્તાવના મળી છે. સરસ.
કાવ્ય અને આપની નોંધ સરસ. વય જૂથ પ્રમાણે કોઈ કે સંપાદન કરવું જોઈએ, જેઓ આ વિષયના જાણકાર હોય.
વયજૂથ મુજબ જરૂરી છે એ આપનું મંતવ્ય સ્વીકાર્ય છે.
કવિ રિયાઝ દામાણીને અભિનંદન ્
ખુબ સરસ બાલગીત અને સરસ મજાનો આસ્વાદ ખુબ ખુબ અભિનંદન કાવ્ય વિશ્વ
આ ક્ષેત્રે તન્વી શાહ ને શાબ્દી રોજ એક બાળ ગીત મૂકે છે.
બાળમાનસને ઉજાગર કરતું મજાનું બાળગીત. અભિનંદન.
વાહ લતાબેન ખૂબ સરસ બાળ ગીત લઈને આવ્યાં છો… ખૂબ સરસ…. આપનું સૂચન પણ સુંદર છે…. ખૂબ શુભેચ્છાઓ