જયમનગૌરી પાઠકજી ~ કેમ કરી બાંધ્યો * Jaymangauri Pathakji

કેમ કરી બાંધ્યો

કેમ કરી આભનો બાંધ્યો
ચંદરવો કેમ કરી આભનો બાંધ્યો !
ધરતીએ છેડલો ન લાધ્યો
ચંદરવો કેમ કરી આભનો બાંધ્યો !

ખોળ્યા મેં સ્તંભ એના
ખોળ્યા મેં છેડલા
જાણું ન કેમ કરી ટાંગ્યો
ચંદરવો કેમ કરી આભનો બાંધ્યો !  

પુષ્પના પરાગ સમો
નયનોના રાગ સમો
ધરતીને કેમ હશે લાગ્યો
ચંદરવો કેમ કરી આભનો બાંધ્યો !

જાણું ન જાદુ કર્યા
ધરતીએ નેહનાં
નેણલાંને તારે શું બાંધ્યો
ચંદરવો કેમ કરી આભનો બાંધ્યો !…

~ જયમનગૌરી પાઠકજી

15.9.1902 – 22.10.1984

જન્મદિવસે સ્મૃતિવંદના

શાને ઊગ્યો ?

કિરણોમાં કોડ કેમ પાઠવ્યા,
મારે વસવાં આ ધરતીને અંક રે ચંદ્રમા !
શાને ઊગ્યો રે ?

આશા ઉગાડી કેમ ઊગતાં
અલ્યા જાણે ન માનવીના રંગ રે
ચંદ્રમા ! શાને ઊગ્યો રે ?

વદને સુધારસ તારે ભર્યા,
મન મારે ભર્યા વિખવાદ રે ચંદ્રમા !
શાને ઊગ્યો રે ?

શીળી ઊર્મિઓ ઉછાળે મહેરામણ
વડવાનલો મારે અંતરે ચંદ્રમા !
શાને ઊગ્યો રે ?

વધુ ઘટે ને વળી પાછો વધે
મારે વૃદ્ધિ પછી હા ! મોત રે ચંદ્રમા !
શાને ઊગ્યો રે ?

જ્યોતિ તું જ્યોત અનંતની,
મારે માયામાં છાયા અંધાર રે ચંદ્રમા !
શાને ઊગ્યો રે ?

~ જયમનગૌરી પાઠકજી

ગુજરાતી કવયિત્રી. વતન સૂરત. સાક્ષર શ્રી મોહનલાલ પાર્વતીશંકર દવે(1883-1974)નાં જ્યેષ્ઠ પુત્રી. 1918માં સાહિત્યકાર વ્યોમેશચંદ્ર જનાર્દન પાઠકજી (1895-1935) સાથે લગ્ન. ગુજરાતી અને હિન્દી કવિતાનાં રસિક. તત્કાલીન સામયિક ‘ગુણસુંદરી’માં છપાયેલાં એમનાં કાવ્યોમાંથી પસંદગીનાં કાવ્યોનો સંગ્રહ ગુણસુંદરી કાર્યાલયે ‘ગુણસુંદરીના રાસ’ (1931) નામે પ્રગટ કર્યો હતો. આ પૂર્વે એમનાં સુરદાસનાં કાવ્યોનો અનુવાદ ‘સુરદાસ ને તેનાં કાવ્યો’ (1927) નામે પ્રગટ થયેલો. એમણે રાસ વિશેની સમજ આપતી રસપ્રદ પુસ્તિકા ‘રાસવિવેચન’ (1932) લખી છે.

એમના કાવ્યસંગ્રહો ‘તેજછાયા’(1940) કેશવ શેઠ(1888-1947)ની દીર્ઘ પ્રસ્તાવના સહિત અને કાવ્યસંગ્રહ ‘સોણલાં’ (1957) અનંતરાય રાવળ(1912-1988)ની પ્રસ્તાવના સહિત પ્રગટ થયા હતા. ‘તેજછાયા’માં 39 છંદોબદ્ધ કાવ્યો અને 30 ગીતકાવ્યો છે. ‘સોણલાં’માં છંદોબદ્ધ કાવ્યો અને ગીતો છે. એમના ભગવતીકુમાર શર્માના પ્રવેશક સાથે પ્રગટ થયેલા કાવ્યસંગ્રહ ‘પ્રપા’(1980)ની 46 રચનાઓમાં મોટા ભાગની ગરબા અને ગીતોની છે. સ્ત્રીકવિઓમાં એમની પ્રતિભા નોંધપાત્ર રહી છે. એમનાં કાવ્યોમાં ભાવની કુમાશ અને ભાવનાની સુવાસ છે. પર્વોત્સવનાં, પ્રભુપ્રીતિનાં, મહાકાવ્યોનાં પાત્રોની મન:સ્થિતિનાં, પ્રકૃતિલીલાનાં અને આત્મલક્ષી ભાવોનાં કાવ્યો રમણીય અને સુકુમાર છે. પૌરાણિક અને ઐતિહાસિક દૃષ્ટિએ પ્રસિદ્ધ સ્ત્રીપાત્રો વિશે લાક્ષણિક પ્રસંગકાવ્યો એમણે રચ્યાં છે તે અને કૃષ્ણ-રાધા-જશોદા-દેવકીનાં સંવેદનોનાં કાવ્યો રસપ્રદ છે.

તેઓ બાળગીતકાર પણ છે. ‘બાલરંજના’ (1944) અને ‘ભૂલકાં’ એમનાં બાલકાવ્યોના સંગ્રહો છે. ‘બાલરંજના’માં બાળગમ્ય ગીતો, અભિનયગીતો, રાસગીતો અને નૃત્યગીતો મળી 26 રચનાઓ છે. ‘ભૂલકાં’ વિશેષ નાનાં બાળકોના રસકેન્દ્રને લક્ષમાં રાખી રચાયેલાં 26 ગીતોનો  સંગ્રહ છે. એમાં તહેવારો, રમકડાં, ખાવાનું, કળા, કુદરત, પંખી આદિ બાળમાનસને રુચિકર વિષયો કવનસ્થાન પામ્યા છે. ~ મનોજ દરુ

સૌજન્ય : ગુજરાતી વિશ્વકોશ

6 Responses

  1. 'સાજ' મેવાડા says:

    આપે કવિયત્રી જયમનગૌરી પાઠકજીની માહિતી સાથે કાવ્યમાં સરસ કુદરતની કરામતનો વિશ્મય કરાવ્યો. આવા તો ઘણા સક્ષમ કવિ, સાહિત્કારો અજાણ્યા રહી જતા હશે. કાવ્યવિષ્વમાં આપ એ કરી રહ્યાં છો એ ખૂબ જ સરાહનીય છે.
    આ પહેલા સ્વ. રાઘેશ્યામ શર્મા જી, એમના ‘સાક્ષરનો સાક્ષાત્કાર’ પુસ્તક દ્વારા રન્નાદે પ્રકાશનની સાથે મળી એવું ઉમદા કામ કરતા હતા. એમને સ્મૃતિ વંદન, આપને નમસ્કાર.

  2. દિનેશ ડોંગરે નાદાન says:

    ગુમનામીની ગર્તામાં ધકેલાયેલા સર્જકોને રસીકો સામે લાવવાનું ખૂબ જ સ્તુત્ય કાર્ય લતાબેન. અભિનંદન.

  3. કાવ્યવિશ્વ આવા કવિ ઓને પ્રકાશિત કરે છે ખરેખર ધન્યવાદ ને પાત્ર છે બન્ને રચનાઓ ખુબ સરસ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: