ધીરુ પરીખ ~ કવિના કટાક્ષકાવ્યો

કૃષ્ણ નામનો તાવ

કૃષ્ણ નામનો તાવ ચડ્યો છે કવિને.

‘માધવ માધવ’લખ્યા કરે કાગળિયે
માધવ ઊભા બહાર ; દ્વાર ભીડયાં આગળિયે
સાનમાં સમજાતું અનુભવીને
કૃષ્ણ નામનો તાવ ચડ્યો છે કવિને.

અલંકારની અગરબત્તી સળગાવે
માટીમાં નહિ મૂળ તોય શબ્દો ફણગાવે
ઘુવડનો અવતાર ન ભાળે રવિને
કૃષ્ણ નામનો તાવ ચડ્યો છે કવિને.

અગરૂચંદન શૈલીલેપ લગાડે
લયઘંટડિયે સૂત શ્યામ જગાડે
કાચજડેલી મોરપિચ્છધર છવિને
કૃષ્ણ નામનો તાવ ચડ્યો છે કવિને.

~ ધીરુ પરીખ

જન્મદિને કવિને સ્મૃતિવંદના

વર્ગમાં ઊપડ્યા ભાઈ

પહેર્યાં સ્યૂટ-બૂટ-મોજાં-ટાઇ, પછી વર્ગમાં ઊપડ્યા ભાઈ,
ભારો થોથાં લીધાં સાથ, બુદ્ધિનો ક્યાં છે સંગાથ?
બોલે પટપટ પોપટ-વેણ, ના સાંધો ના છે કૈં રેણ!

રેણ વગરનો વાક્-પ્રવાહ, મોટરને વળી લિસ્સો રાહ,
ઊપડ્યો તે ક્યાં જૈ અટકે? વાગે ઘંટ શબદ બટકે!
વેરાયા વીણે તે શબ્દ, ક્યારે પૂરું થાયે અબ્દ?

શબ્દે આંજ્યા શ્રોતા-કાન, પૃષ્ઠોમાં ઝૂરે છે જ્ઞાન!
ઝુરાપો એને ના કઠે, પૃષ્ઠોથી પીછે જે હઠે!
સત્ર એમ તો હાલ્યું જાય, પવન થકી વાદળ ખેંચાય.

વારિ વણ વાદળની કાય, ગગન મધ્ય એ ગળતી જાય,
તેવો એનો વાણી-મેહ, સ્ત્રવે નહીં ને ગાજે જેહ;
ધરતીને શો એનો તોષ? કોરા-મોરા ઝીલે ઘોષ!

ઘોષ ઠાલવી ખિસ્સું ભરે, વર્ષ પછી એમ વર્ષો સરે,
વર્ગે એમ આવે ને જાય, એક વખત કંઈ ગોથું ખાય,
થોથું પડ્યું ને ઊડે પાન, ગાઈડ મહીં ત્યાં બૂડે જ્ઞાન!

~ ધીરુ પરીખ

2 thoughts on “ધીરુ પરીખ ~ કવિના કટાક્ષકાવ્યો”

  1. 'સાજ' મેવાડા

    જ્ઞાની થવા નો ભાર વર્તાય છે, બંને કાવ્યોનો પસંદગીઓ ખૂબ જ સરસ.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *