ગીત વિચાર નવેસરથી: ભાગ 2 * પ્રફુલ્લ પંડ્યા * Prafull Pandya
ગીત વિચાર નવેસરથી: ભાગ 2
આધુનિક ગીત, ભાષા અને તેની નિર્મિતી સન્દર્ભે તેના સુસ્થાપિત માળખામાંથી મુક્તિ ચાહે છે. ગુજરાતી કવિતામાં ઘૂઘવી રહેલાં ગીતોના ડહોળા પૂરમાં કૂદકો મારવાને બદલે નવાં અને સ્વચ્છ ગીતનું કલકલતું ઝરણું વહેતું મૂકવાનું પૂણ્યકાર્ય કરવા જેવું છે અને આ આયામ માટેની આજના કવિની આંતર – બાહ્ય પરિસ્થિતિઓ પણ બદલાઈને જાણે કે તૈયાર બેઠી છે.
આજનો ડિજિટલ માનવી રોજબરોજ જે નવા નવા અનુભવોમાંથી પસાર થાય છે તેની અભિવ્યક્તિ ગીતના સ્વરૂપમાં પણ થઈ શકે છે. પણ એ માટે ગીતની સ્વરૂપ સન્દર્ભે જે મર્યાદિત વિષય સામગ્રી હતી તે હવે અમર્યાદ સંપદા બનીને કવિની આંખો સામે પથરાઈને પડેલી છે. વિજ્ઞાન અને ટેકનોલોજીના નિતનવા આવિષ્કારો નવા નવા ગીતો લખવા માટે આજના કવિઓને પડકાર ફેંકી રહ્યાં છે. ગીતના અગણિત સૌન્દર્યો અને રહસ્યો તેને સમજવા મથતાં ગીતકારની રાહ જોઈ રહ્યાં છે. ઉર્મિકવિતાની નવી છોળો ઉછળતી રહે અને નવા અનુઆધુનિક ગીતોનો મહાસાગર ઘૂઘવતો સંભળાય એવી એવી સામગ્રીઓ માનવીય સંવેદનાની નજીક આવીને ઊભી રહી ગઈ છે.
વિચાર તો નવેસરથી જ કરવો પડશે. એમાં Stereotype પરંપરાનો વિચાર નહીં ચાલે. જેમને પરંપરા સાથે ચાલવું છે તેમના માટે તો આપણી સમૃદ્ધ ગીત પરંપરાના એક નહીં અનેક ખજાનાઓ જળવાયેલાં છે પરંતુ નવા માર્ગે ચાલનાર માટે સાહસ, પ્રયોગ અને ભાષાકર્મની મથામણો અનિવાર્ય છે. નવું જોઈ શકો, કલ્પી શકો અને એને સંકલ્પિત અભિવ્યક્તિમાં ઢાળી શકો તો દિશા બદલાઈ જાશે. ગીતોનું નવું વિશ્વ થોડું થોડું વધારે નજીક દેખાવા લાગશે. આજનો કવિ એ ભાળી ગયો પછી તેને રોકવો ભારે થઈ જશે. ગીતની નવી દુનિયા શોધી કાઢવા આત્મ – ચિંતન, સંવેદનોનું વાસ્તવ, કઠિન પરિશ્રમ અને નિષ્ફળ પ્રયોગો માટેની તૈયારી હોવી જરૂરી છે. નવા પ્રતિકો અને કલ્પનો વિશે શોધવિચાર અને મથામણ પણ એટલી જ આવશ્યક ગણાવી ઘટે છે. અનુઆધુનિક ગીત તેની સાથે અનિવાર્ય રીતે સંકળાયેલી વિચાર અને ભાવસામગ્રી સુધી આપણને લઈ આવ્યું છે. દરિયામાં કૂદકો મારવો કે કૂવામાં તે નવાં ગીતકારે નક્કી કરવાનું છે!
~ પ્રફુલ્લ પંડ્યા
વાહ અદભુત ખુબ સરસ
ખૂબ સરસ માહિતી
મુ. પ્રફુલાબેન,
ગીત વિચાર… માર્ગસૂચક અને સરાહનીય.
આપનો અભિનંદનસહ આભાર
માફ કરશો.
મુ. પ્રફુલભાઈ પંડ્યા સાહેબ
ભૂલથી
છેલ્લે કૂદકો તો મારવાનો છે જ-દરિયામાં કે કૂવામાં! વાહ,પ્રફુલ્લભાઇ. જબરદસ્ત વાત કરી છે….બાપૂ…બાપૂ!