
ચક્કાભાઈ
આ બાજુ છે એબીસીડી, આ બાજુ છે કક્કો…
વચ્ચે બેઠો મૂંઝાતો, આ નાનકડો એક ચક્કો!
ચક્કાભાઈનું મન તો જાણે પતંગિયું રૂપાળું
નાનું-નાનું, રંગબેરંગી, સુંવાળું-સુંવાળું
હમણાં ઊડું, હમણાં ઊડું, એવું એને થાય
ઊડવાની બસ વાત માત્રથી, એ તો બહુ હરખાય
ત્યાં જ ચોપડા ખડકી, પપ્પા કરતા, હક્કો-બક્કો!
તેથી બેઠો મૂંઝાતો, આ નાનકડો એક ચક્કો!
ચોપડીઓની સાથે પાછી આવી ઢગલો નોટ
પતંગિયું મટીને થાશે, મન એનું રોબોટ
હોમવર્કનો કાંટો એની પાંખોમાં ભોંકાય
પપ્પા કાઢે આંખો, તેથી કશુંય ક્યાં બોલાય?
‘ચોપડીઓ સારી કે ઊડવું?’ ખંજવાળે એ ટક્કો!
મનમાં-મનમાં, ખૂબ મૂંઝાતો નાનકડો આ ચક્કો!
~ કિરીટ ગોસ્વામી
જેમને બાળસાહિત્ય માટે કેન્દ્રિય સાહિત્ય અકાદમીનો એવોર્ડ મળેલો છે એવા કિરીટભાઈનું આ કેવું સરસ બાળગીત ! બાળકના મનને આબેહૂબ રજૂ કરતું.
ખૂબ ખૂબ અભિનંદન સરસ બાલ કાવ્ય નો ખજાનો
કવિ કિરીટ ગોસ્વામીના બન્ને બાલગીત ખૂબ સરસ અને બાળકોને ગમે એવા છે..
કિરીટભાઈ બાલગીતના ઉત્તમ કવિ છે…અભિનંદન.
Thank u so much Lata ben