‘વિશ્વા’ : એક અનોખા સામયિકને આવકાર * Vishva * Dhirubahen Patel * Lata Hirani
સ્ત્રી સર્જકોના એક અનોખા સામાયિક ‘વિશ્વા’ને આવકાર
સ્ત્રી સર્જકો દ્વારા આયોજિત એક વિશિષ્ટ સામયિક ‘વિશ્વા’નો જન્મ થયો છે અને આ દ્વારા મેધાવી સર્જક શ્રી ધીરુબહેન પટેલનું સ્વપ્નું ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટે સાકાર કર્યું છે. ગુજરાતમાં આ પ્રકારનું આ પ્રથમ સામયિક છે.
ધીરુબહેન હંમેશા વિચારતા કે ચાલીસની વય પછી બહેનોના જીવનમાં એક ખાલીપો ભરાઈ જાય છે. એ વખતે ‘શું કરવું’ એ મૂંઝવણમાં એને મોટેભાગે માર્ગ નથી મળતો. આવે સમયે એની પાસે કશુંક કરવા માટે કોઈ પ્લેટફોર્મ હોવું જોઈએ. મુંબઈમાં એમણે આ માટે ‘લેખિની’ સંસ્થા સ્થાપી. અમદાવાદ આવ્યા પછી અહીં ધીરુબહેને ‘વિશ્વકોશ’ને વહાલું કર્યું અને એમણે ‘વિશ્વકોશ’માં જ બહેનો માટે ‘વિશ્વા’ સંસ્થાની સ્થાપના કરી. અનેકવિધ પ્રવૃત્તિઓથી ઓપતી બહેનોની ‘વિશ્વા’ સંસ્થા સરસ રીતે ચાલી રહી છે.(આપ એમાં જોડાઈ શકો છો)
એ પછી ધીરુબહેને વિચાર્યું કે સ્ત્રી સર્જકો દ્વારા એક સામયિક પ્રગટ થવું જોઈએ અને એ સ્તરીય સામયિકોની હરોળમાં ઊભું રહી શકે એવું હોવું જોઈએ. વિચાર આવે એટલે અમલમાં મૂકવો એ ધીરુબહેનનો સ્વભાવ. એમણે બધાને આ અંગે જાણ કરી અને થોડા પગલાં પણ લીધાં. ધીરુબહેનની પોતાની ‘વિશ્વા’ અંગે એક દૃષ્ટિ હતી, પરિકલ્પના હતી કે ‘વિશ્વા’માં સ્ત્રી સર્જકો જ હોય અને એ સર્વપ્રિય સામયિક બને. એનું ધોરણ અને ગુણવત્તા ઉત્તમ હોય. એ માત્ર સાહિત્યનું સામયિક નહીં, એમાં સાંપ્રત સુપેરે રજૂ થાય, એ જ્ઞાન અને કળાના શિખરો પણ સર કરે, ટૂંકમાં એ સર્વ પ્રકારે એક ઉત્તમ સામયિક બને એવી એમની ઝંખના હતી. એમનું સપનું પૂરું થાય એ પહેલાં એમણે આ દુનિયામાંથી વિદાય લઈ લીધી. જો કે ધીરુબહેન આ કાર્યની જવાબદારી યોગ્ય વ્યક્તિઓને સોંપતા ગયા હતા.
ધીરુબહેનની સ્થૂળ વિદાય પછી ડો. કુમારપાળ દેસાઈએ ‘વિશ્વા’ પ્રગટ કરવા અંગે ત્વરિત નિર્ણય લીધો અને બે જ મહિનામાં સ્ત્રીસર્જનને સંકોરતું સાહિત્ય, જ્ઞાન અને કળાનું સામયિક ‘વિશ્વા’ તૈયાર થયું.
ધીરુબહેનનો 97મો જન્મદિન એટલે કે 29.5.2023ના રોજ ‘વિશ્વા’ના વિમોચન અને ધીરુબહેન પટેલની કૃતિઓની પ્રસ્તુતિ અંગેનો એક સરસ કાર્યક્રમ યોજાયો, જેમાં મુખ્ય અતિથિ પદે હતા મંથન અપંગ કન્યા સેવા સંકુલના સ્થાપક નિર્મળાબહેન રાવળ. મંચ ઉપર ઉપસ્થિત માતૃશક્તિ દ્વારા ‘વિશ્વા’ના પ્રથમ અંકનું સરસ રીતે વિમોચન કરવામાં આવ્યું. નિર્મળાબેન રાવળે ધીરુબહેન હાજર જ છે એમ જણાવી એમના જન્મદિવસ અંગે ગીત પણ ગાયું અને સૌએ એમની દિવ્ય ચેતનાને વંદન કર્યાં.
‘વિશ્વા’ના પ્રથમ અંકના વિમોચનના કાર્યક્રમમાં પદ્મશ્રી ડો. કુમારપાળ દેસાઈ અને ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ શ્રી ભાગ્યેશ જહા, શ્રી રતિલાલ બોરીસાગર, શ્રી રંજના હરીશ, શ્રી રીટા કોઠારી,શ્રી કેશુભાઈ દેસાઈ, શ્રી દલપત પઢિયાર, શ્રી ગૌરવભાઈ શેઠ, શ્રી અનિલભાઈ રાવલ અને શ્રી અશ્વિન આણદાણી વગેરે ખાસ ઉપસ્થિત રહ્યાં હતાં. સાહિત્ય જગતના અનેક સ્ત્રીસર્જકોએ મોટી સંખ્યામાં હાજર રહી સમગ્ર કાર્યક્રમને દીપાવ્યો. આમ ‘વિશ્વા’ સામયિકનું વિમોચન યાદગાર બની ગયું.
પ્રથમ અંકમાં સમાવિષ્ટ વિષયોમાં વાર્તા, કવિતા, લલિત નિબંધ ઉપરાંત હાસ્યલેખ, ટેકનૉલોજિ, સેવા બેન્કના મહિલા ડિરેક્ટર જયશ્રીબહેન વ્યાસની મુલાકાત, ફેમિનીઝમ, યાત્રા-પ્રવાસ અને અન્ય લેખોનો સમાવેશ છે. વર્ષા અડાલજા, રંજના હરીશ, તરુ કજારિયા જેવા અનેક જાણીતા સ્ત્રી સર્જકોએ ત્વરિત લખાણ આપીને સુંદર સહયોગ આપ્યો છે. ઉપર પ્રથમ અંકના અનુક્રમ પેજનો ફોટો મૂક્યો છે. જે આપ જોઈ શકો છો.
‘વિશ્વા’ ત્રૈમાસિકના તંત્રી શ્રી શ્રદ્ધાબહેન ત્રિવેદી, સંપાદક શ્રી લતા હિરાણી, સહસંપાદક શ્રી ગિરિમા ઘારેખાન અને પરામર્શક તરીકે શ્રી પ્રીતિ શાહ સેવાઓ આપી રહ્યાં છે.
ખાસ નોંધ : આ સમાચાર 29 મેના અને છેક આજે કેમ ? જવાબ એ જ છે કે ‘વિશ્વા’માં સંપાદક તરીકે મારી મહત્વની ભૂમિકા હોવા છતાં, આ સમાચાર ‘કાવ્યવિશ્વ’ પર મૂકવા કે નહીં, એ અંગે મને અવઢવ હતી. (આખરે આ કાવ્ય અંગેની જ વેબસાઇટ છે.) અંતે એમ વિચાર્યું કે ‘વિશ્વા’માં કાવ્ય સમાહિત છે જ અને મારી વાત કહેવા માટે જ મેં ‘સંવાદ’ વિભાગ બનાવ્યો છે એટલે મારો આ રાજીપો શેર કરવો જ રહ્યો. ‘કાવ્યવિશ્વ’ના વાચકો સુધી આ સમાચાર પહોંચાડવા જ રહ્યા. આશા છે તમે પણ આ વાંચીને રાજી જ થશો.
~ લતા હિરાણી
આપ ‘વિશ્વા’નું લવાજમ ભરવા ઈચ્છો તો માહિતી નીચે મુજબ છે.
વિશ્વા સામયિક
સ્ત્રી સર્જનને સંકોરતું સામયિક
ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ પ્રકાશન
વાર્ષિક લવાજમ રૂ. 200/
Ac name Gujarat Vishvakosh Trust
Ac no : 09330100008491
Bank name : Bank of Baroda
Usmanpura branch
IFS code : BARB0USMANP
5the character is Zero
લવાજમ ભર્યા પછી સંસ્થાને ઈમેલથી અને વોટ્સ એપથી જાણ કરવી.
vishvakoshad1@gmail.com
W A no. 9898042699
સામયિક કુરિયરથી મોકલવામાં આવે છે.
Thank you for your concern.
વાહ ખુબ ખુબ અભિનંદન લતાબેન
આભાર છબીલભાઈ
ખાસ નોંધમાં આપની વાત વાંચી …વિશ્વાનું સંપાદન આપ કરો છો..અભિનંદન..
મારો રાજીપો વ્યક્ત કરું છું.
આભાર ઉમેશભાઈ
શ્રી ધીરુબહેનનો આત્મા તુષ્ટ થાય ને આશીર્વાદ આપે એવું કામ કરવા માટે સમગ્ર ટીમને અભિનંદન. શ્રી લતાબહેને આ મંચ પર આમને લાભાન્વિત કરવ બદલ ધન્યવાદ.
આભાર મીનલબેન
શબ્દસૃષ્ટિ મે ૨૦૨૩ નો ધીરુબેન પટેલ સ્મૃતિ વિશેષાંક આખો વાંચ્યો, લતાજી આપનો લેખ પણ અનન્ય છે. વિશ્વા સામયિકનો અંક કુરીયરથી મોકલવામાં આવશે જાણી આનંદ થયો, કારણ કે પોસ્ટમાં ઘણાઅંકો મળતા નથી.
આભાર મેવાડાજી
“વિશ્વા”ની બાગડોર લતાબહેન અને ગિરીમાબહેન જેવા ખમતીધર સર્જકો “વિશ્વકોશ” જેવી સંસ્થાના બેનર હેઠળ સંભાળી રહ્યાં છે એનાથી રૂડું બીજું શું હોય? ધીરુબહેન જેવા સાહિત્યકારને શોભે એવું તર્પણ કરવા બદલ સહુને અભિનંદન. 🙏🙏🙏🙏🙏🙏
આભારી છું જયશ્રીબેન
‘ વિશ્વા નું અવતરણ ધીરુબેન ને યાદ સાથે થયું એ પુનિત અવસર માટે આપ સૌ લોકોનો આભાર.
આનંદ છે વિનોદભાઈ
વિશ્વા – સામયિકનું સ્વાગત
સૌને અભિનંદન
💐💐
આભાર હસમુખભાઈ
શબ્દસૃષ્ટિ ૨૦૨૩ કે ખૂબ જ સરસ… આનંદ અને અભિનંદન.