ક્યાં?
આ સતત તરવાનું ઘટે છે ક્યાં ?
માછલી જળમાં છટપટે છે ક્યાં ?
આપણે આજીવન ત્વચાકેદી
આંગળી સ્પર્શને વટે છે ક્યાં ?
ઠેસના રક્તની પીડા શી છે ?
વાગતું જાય છે, મટે છે ક્યાં ?
સૂર્ય ઊગવા સમું બને છે શું ?
પોપચાં તોય પટપટે છે ક્યાં ?
રોજ થાતી કથાના ભાવિક-શા
શ્વાસના હોંકારા ઘટે છે ક્યાં ?
~ લલિત ત્રિવેદી
