બી.કે.રાઠોડ ‘બાબુ’ ~છીનવી મારી મજા

🥀 🥀

છીનવી મારી મજા ખોટું કર્યું તેં…
દિલ મને આપી ખુદા ખોટું કર્યું તેં…

દર્દ આપ્યું તો ભલે આપ્યું હૃદયને,
હાથમાં રાખી દવા ખોટું કર્યું તેં…

ભાગ્યમાં આપ્યું ભલેને રણ દુઃખોનું,
દૂર રાખી ઝાંઝવા ખોટું કર્યું તેં…

સંતનાં નામે ફરે છે કૈંક દંભી,
લઈ ખરાનાં પારખાં ખોટું કર્યું તેં…

માણસો ભટકી રહ્યાં છે મન પડે ત્યાં,
સૌને આપી દશ દિશા ખોટું કર્યું તેં…

એક ઇચ્છા, દેહને આપે છે કષ્ટી,
મોક્ષની દઈ લાલસા ખોટું કર્યું તેં…

‘બાબુડો’ ખુદને ખુદા માની રહ્યો છે,
દઈ નકામી નામનાં ખોટું કર્યું તેં…

~ બી. કે. રાઠોડ બાબુ

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *