કિશોર બારોટ ~હરિ નામના દરજીએ

🥀 🥀

હરિ નામના દરજીએ હોંશેથી છે સીવેલો,
ઘરનો સઘળો ભાર ઉપાડે, એક અજાયબ થેલો.

પાલવ કરતા કાપડ એનું જાડું ને બરછટ,
વ્હાલપના દોરાથી સીવ્યાં, ટાંકાઓ બળકટ,
સૌની ચાંચે ચણ ધરવા તે દિ’ આખો ભટકેલો.
ઘરનો સઘળો ભાર ઉપાડે, એક અજાયબ થેલો.

માંગ્યું, વણમાગ્યું, એ સૌને પૂરું પાડે પ્રીતે,
ના એ કહેતો, તે માટે એનાં પર શું શું વીતે?
સાંજે સૌને હસતાં ભાળી સઘળો થાક ભૂલેલો.
ઘરનો સઘળો ભાર ઉપાડે, એક અજાયબ થેલો.

થાક, મૂંઝારો, ચિંતા, પીડા સપનાંનો ભંગાર,
કુણા અસ્તરમાં સંતાડયાં એણે ભરચક ભાર,
આંસુને પાંપણમાં પુરી સૌની સાથ હસેલો.
ઘરનો સઘળો ભાર ઉપાડે, એક અજાયબ થેલો.

~ કિશોર બારોટ

કહેવાની જરૂર જ નથી કે આ થેલો એટલે કોણ ? માતાના ગુણગાન ગાવામાં કવિઓએ અને લેખકોએ કોઈ કમી રાખી નથી પણ પિતાનું માહાત્મ્ય ઓછું ગવાયું છે ત્યારે આવાં કાવ્યો હાશ પૂરે છે.  

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *