લલિત ત્રિવેદી ~ રૂની વણજું

આવ્યા રે શું કામ ?*

(દોહા-ગઝલ)

રૂની વણજું લઈ થડે, આવ્યો રે શું કામ?
ધૂપસળી મૂકી ધડે, આવ્યો રે શું કામ ?

એવી કેવી મીટ કે વચમાં આવે ઇંટ ?
આંખોને શું આવડે ? આવ્યો રે શું કામ ?

ના પરબુંનાં નીર કે ના એ ચરણામૃત,
તરસ્યું લસલસ લૈ ઘડે, આવ્યો રે શું કામ?

સબ-રસથી ચકચૂરમાં ક્યાંથી વગડે તૂર ?
કાયા જેવા કોયડે, આવ્યો રે શું કામ ?

નહિતર તું ત્રિશૂળ ને ભસ્મ જ તારું મૂળ,
લૂણે લથબથ લૂગડે, આવ્યો રે શું કામ ?

જાવું’તું દામા લગી, નિસર્યો વામા કોર,
સેંજળ ભર્યા તલાવડે, આવ્યો રે શું કામ ?

આરસને વશ ઓરડા, રૂમઝૂમતા રહેવાય,

તો વણદીઠા વાવડે, આવ્યા રે શું કામ ?

~ લલિત ત્રિવેદી

‘તરસ્યું લસલસ લૈ ઘડે’ પ્રયોગ ગમી ગયો તો ‘જાવું’તું દામા લગી, નિસર્યો વામા કોર’માં દામા અને વામાનો પ્રાસ બહુ સહજ અને સુંદર લાગે છે.

****

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *