*તમે ખાસ કેટલાં?*
કેવી રીતે કહું કે તમે ખાસ કેટલાં?
આવ્યા કરો છો યાદ અનાયાસ કેટલાં!
બારી ખૂલી સહેજ અને બંધ થઈ ગઈ,
કાઢી રહ્યા છે લોક હવે ક્યાસ કેટલા!
એકાંતમાં ન એકલો પડવા દે એ મને,
મળતા નથી ને તોય રહે પાસ કેટલાં!
એકસામટા પ્રસંગ અને એકલું હૃદય!
બિંદુ ઉપર પસાર થતા વ્યાસ કેટલા!
વર્તુળ જુઓ તો એક નહીં પણ અનેક છે,
રમવા પડે છે રોજ અહીં રાસ કેટલા!
~ શૈલેશ ગઢવી
