કીર્તિદા બ્રહ્મભટ્ટ ~ હરિવર

હરિવર*

હરિવર હરિવર ઘૂંટી ઘૂંટી એક લખ્યો મેં કાગળ
સરનામું મેં આંક્યું હરિવર એ કાગળની આગળ
હરિવર કાગળ વાંચી એનો દેજો મુજને ઉત્તર 
ઉત્તરમાં ઉઘાડી દેજો મારા મનના ભોગળ 

હળવેથી ઉઘાડો હરિવર હળવેથી હું આવું
હળવે હળવે હરિવર કેરા ચરણોમાં ઝૂકાવું 
વળી વળીને વરસે  મારી આંખલડીના વાદળ 

હરિવર ઝાલી હાથ તમારો તમથી હું બંધાઉં 
હરિવર મુજને લઈ ચાલે ત્યાં સઘળે મારે જાવું 
હરિવર મારી હારે ચાલો, ના આગળ ના પાછળ 

અમથી અમથી હરખાતી હું અમથું અમથું ગાવું 
અમથું અમથું સગપણ હરિવર તમથી શું બંધાવું 
તમે રહો તો માટી કેરી થાવું મારે ગાગર 

તમે વહો જો સુર બની તો વાંસ બની વે’રાવું 
તમે મળો તે ખાતર મારે ગિરિવર થઈને નાવું
હરિવર કેરી આંખલડીનું થાવું  મારે કાજળ 

~ કીર્તિદા બ્રહ્મભટ્ટ  

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *