*કારણ છે*
ખાલી ખિસ્સું જ એનું કારણ છે!
બીજું ઈચ્છાનું તો શું મારણ છે!
હસ્તગત હોય ભૂલવાની કળા,
એ જ દુઃખનું ખરું નિવારણ છે!
દરિયા જેવું કશું જ ક્યાંય નથી!
માણસે માણસે જુદા રણ છે!
જેનું કોઈ નથી એ જાણી શકે,
ખાલીપાનું વધારે ભારણ છે!
વ્યર્થ ક્યાં હોય કોઈ નિષ્ફળતા,
એ સફળતાનું એક બિયારણ છે!
કોઈનું આંસુ જો લુછે કોઈ ,
સ્વર્ગથી એ સીધું પ્રસારણ છે!
ખુબસુરત હતું જીવન આખું,
મોત વેળાનું સૌનું તારણ છે!
~ સંદીપ પૂજારા
