🥀🥀
*કવિતાને સંગ*
ચહેરા પર આવતી કરચલીને કહી દો
ઉન્માદનો તાર નથી તૂટ્યો,
વાસંતી રંગ અમે કવિતાને સંગ આજ ઘૂંટ્યો !
ગીતો ને ગઝલોના સુગંધી ડાયરા
જીવતરના રસ્તે રોપાવ્યા,
લઈને ઓવારણા વૃક્ષોએ સામટા
પંખીના ટહુકા વરસાવ્યા,
ગમતો ગુલાલ લઈ, હૈયે ઉલ્લાસ લઇ
લથબથ રોમાંચ અમે ચૂંટ્યો….
કાગળ પર અડાબીડ ઊર્મિઓ કોળી
અક્ષર પર કેસુડા મહોર્યા,
કવિતાની મઘમઘતી પંક્તિઓ પર
ફાગણિયા ફાગ જ્યાં ફોર્યા!
પતંગિયાની પાંખે થઈને સવાર આવ્યો
ગમતો અવસર છે લૂંટ્યો !…..
સાંભળ્યું જરાક જ્યાં મધુકરનું ગાન
ત્યાં તો થઈ ગઈ ઉન્મત્ત આ મોસમ,
શબ્દો સૂરતાલમાં વહેતા થયાં
જ્યાં લાગણીઓ પથરાણી ચોગમ,
કળીઓનું જોબન ખીલી ઉઠ્યું
વાયરાને મૂંછનો દોરો ફૂટ્યો !….
વાસંતી રંગ અમે કવિતાને સંગ આજ ઘૂંટ્યો !
~ જિજ્ઞા ત્રિવેદી
વાસંતી રંગ જીવનને છલકાવે છે તો કવિતાનો રંગ આકાશી…. કવિએ આ બંને રંગને એક સમયમાં ઘૂંટયા છે… કહો, ઉન્મુક્ત આનંદ સિવાય શું નીપજે ?
@@

જીગ્નાજીની કલમમાં એક માધુર્ય સભર અભિવ્યક્તિની બલકટતા જોવા મળે છે.
અભિનંદન. 🌹
કિશોરભાઈ, આપનો હૃદયથી આભાર.
વાહ, ગઝલ અને ગીત બંનેના ખૂબ જ સુંદર શબ્દો.
સાજ મેવાડાજી, આપનો હૃદયથી આભાર.
ગીત અને ગઝલ સંવેદનશીલ છે.
ઉમેશભાઈ જોશી, આપનો હૃદયથી આભાર.
બને રચનાઓ સુંદર થી અતિસુંદર
કીર્તિચંદ્રજી, આપનો હૃદય પૂર્વક આભાર.
બંને રચનાઓ ગમી. જિજ્ઞાબેનને અભિનંદન. શુભેચ્છાઓ.
વાહ.. સરસ રચનાઓ