ભાર્ગવી પંડ્યા ~ લઈ જાય છે * Bhargavi Pandya

સાંજની વેળા મને તારા સુધી લઈ જાય છે
શોધ તારી છેક સિતારા સુધી લઈ જાય છે.

ભીંત પર હલતો રહે આકાર પીળો જ્યોતનો
એ જ દીવો ગાઢ અંધારા સુધી લઈ જાય છે.

આવશે કે કેમ ? અવઢવ કાયમી એના વિશે
સાવ સુક્કી આંખ વરતારા સુધી લઈ જાય છે.

લાવ, ઈચ્છાઓ ઉછાળું, આખરી અવકાશમાં
રિક્તતાનો સ્પર્શ સંથારા સુધી લઈ જાય છે.

હાથ પકડી જિંદગીનો, એ સતત સાથે રહ્યો
તું ખુદા કેવો મને મારા સુધી લઈ જાય છે .

~ ભાર્ગવી પંડ્યા

એક સરસ ગઝલ.

લાવ, ઈચ્છાઓ ઉછાળું, આખરી અવકાશમાં
રિક્તતાનો સ્પર્શ સંથારા સુધી લઈ જાય છે. – આ શેર ખૂબ ગમ્યો.

8 Responses

  1. હરીશ દાસાણી says:

    દીવો અંધારા સુધી લઇ જાય એ છે કાવ્યસૌંદર્યની ક્ષણ

  2. વાહ ખુબ સરસ કાવ્ય તમસો મા જયોર્તિય અભિનંદન

  3. 'સાજ' મેવાડા says:

    ‘તું ખુદા કેવો મને મારા સુધી લઈ જાય છે” સરસ આખરે તો પોતાના સુધી જ પહાંચવાની વાત ગમી.
    જોકે ખુદાની જગ્યાએ પ્રભુ વાપરી શકાત, એવું મને યોગ્ય લાગે છે.

  4. Bhargavi Pandya says:

    Thanks Lataben

  5. Sandip Pujara says:

    મત્લામાં જે રીતે કાફિયા સ્થાપિત થયા છે.. એ આગળના શેરમાં જળવતા નથી  આ રીતે ચાલે કે દોષ ગણાય ??

    • Sandip Pujara says:

      મત્લામાં જે રીતે કાફિયા સ્થાપિત થયા છે.. એ આગળના શેરમાં જળવાતા નથી આ રીતે ચાલે કે દોષ ગણાય ??
      જો કે મત્લામાં જ કાફિયાનો આગળનો સ્વર પણ નથી જળવાતો…. એટલે એ બાબત પણ જાણવી છે કે.. મત્લામાં જ કાફિયા દોષ કહેવાય કે નહીં ?

  6. Anonymous says:

    Thks lataben. Varshganth ni darek ne bhavsabhar bhet aapo cho👌👌💐💐

  7. Anonymous says:

    આ ગઝલ ગાલગાગા*૩ગાલગા છંદમાં લખી છે. કાફિયા બધા જ આકારાન્ત લીધા છે.આ ગઝલ ઘણા વખત પહેલા લખાઈ હતી. હું બધી જ ગઝલો મોટેભાગે ચુસ્ત કાફિયામા લખવાનું પસંદ કરું છું. મારા ગઝલસંગ્રહમાં પણ આ ગઝલ સમાવિષ્ટ છે, જે ઉત્તમ વ્યક્તિઓની નજરમાંથી પસાર થયો છે. કાવ્યવિશ્વ વેબસાઈટને આમ શ્રેષ્ઠ અને જાગૃત કવિઓ મળ્યા છે તેનો આનંદ. ગઝલ એવો વિષય છે કે જેમાં જેટલું શીખીએ એટલું ઓછું છે. જ્ઞાનની ચેતનાને વંદન🙏🙏- ભાર્ગવી પંડ્યા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: