ગઝલ વિષે ~ હેમંત ધોરડા * Hemant Dhorada * Gazal

હેમંત ધોરડા ~ ગઝલ: શબ્દેશબ્દ – 1

1. ગઝલ (મત્લા, શેર, મક્તા; હવે પછી શેર)માં ગઝલકાર કશું કહેતો હોય છે અને કશું કરતો હોય છે.

2. Nothing is new under the Sun-ન્યાયે કહેવાયું છે એનાં અનુકૃત કથનમાં, વિધાનાત્મક કથનમાં, મુખર કથનમાં, અલંકૃત ન હોય એવાં કથનમાં ભાવકને રસ ન પડે. બીજા શબ્દોમાં, ગઝલમાં કથન વધારે મહત્ત્વનું નથી, કથની વધારે મહત્વની છે.

3 ગઝલ માટે આ વધારે સાચું છે. કેમકે, શેરમાં માત્ર બે છાંદસપંક્તિનો અવકાશ છે. આથી, શેરમાં એક પણ શબ્દ આડોતેડો હોય, અનુચિત હોય, અપ્રસ્તુત હોય, ભરતીનો હોય તો શેર સંતુલિત, સમ્યક, સક્કસ રહેતો નથી.

4 શેરમાં કહેવાયું હોય એ, ઝાઝે ભાગે, ભાવક સુધી પહોંચી જતું હોય છે. આથી ભાવકનું ધ્યાન ગઝલકારે શું “કહ્યું છે” એની પર, ભાવ પર, કેન્દ્રિત  થતું હોય છે. જાણ્યે અજાણ્યે, ભાવક કથની પર કથનને પ્રાધાન્ય આપતો થઈ જાય છે. આથી કથનીમાં કચાશ હોય તોય એની પર ભાવકનું ધ્યાન તરત જતું નથી. શેરના બાહ્યાકારમાં કે આંતરપોતમાં કોઈ પણ કચાશ હોય તો શેર નબળો થઈ જાય છે. પરંતુ ધ્યાન કથની પર નહીં પણ કથન પર હોવાને લીધે ભાવકને સરત રહેતી નથી કે શેર નબળો થઈ ગયો છે.

5. આથી વિપરીત, એવું પણ બનતું હોય છે કે ગઝલકાર શેરમાં અમુક શબ્દ/શબ્દો એવો તો/એવા તો માંજીને મૂકી દે કે શેર ઝગમગી ઊઠે. વાસ્તવમાં, ગઝલકારે શેરમાં શું સારું કર્યું છે/શું સારું કર્યું નથી એ વિશે સમજનો આધાર ભાવકની ભાવનક્ષમતા પર છે. ભાવકની ભાવનક્ષમતા જેટલી વધારે કેળવાયેલી એટલી વધારે ગઝલકારે શેરમાં શું સારું કર્યું છે/શું સારું કર્યું નથી એ વિશે એની (ભાવકની) તપાસ.

6. તો, શબ્દચયન, શબ્દવિન્યાસ,  શબ્દસુસંગતતા, પદાવલિની સાહજિકતા, બે પંક્તિઓ વચ્ચે સંતુલન વગેરે એકાધિક એરણો પર આપણે શેર તપાસીએ એ જ ઉચિત. શેર સારો છે તો શા માટે સારો છે એ પણ, નબળો છે તો શા માટે નબળો છે એ પણ આપણી તપાસનો વિષય હોય.

7. પ્રસ્તુત “શબ્દેશબ્દ” શ્રેણીમાં, સમયાંતરે, વિધવિધ ગઝલકારોના સારા તેમ જ નબળા શેરોની તપાસ અભિપ્રેત છે, આસ્વાદ અભિપ્રેત નથી. ઉદયન ઠક્કર, સંજુ વાળા જેવા સમર્થ આસ્વાદકો ગઝલના, મારા કરતાં વધારે સારા, આસ્વાદ કરાવવા માટે સક્ષમ છે. એમનો અભિગમ આસ્વાદમૂલક છે. પ્રસ્તુત શ્રેણીનો ઉપક્રમ શેરમાં યોજાયેલા શબ્દો/યોજાયેલી પદાવલિની તપાસ છે.

4 Responses

  1. ગઝલ વિષે ખુબ સરસ જાણકારી અમારા જેવા માટે ખુબ ઉપયોગી માહિતી અભિનંદન

  2. ગઝલ વિષે ઘણું લખાયું છે, એમાં સરળ ઉમેરો થયો.

  3. સંજય પંડ્યા says:

    ગઝલકાર હેમંત ધોરડાની ગઝલ તથા ગઝલ વિશેની વાતો, ટિપ્પણી હંમેશાં રસપ્રદ હોય છે… સ્વાગત.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: