શાયર જિગર મુરાદાબાદી Jigar Muradabadi

લોકપ્રિય શાયર, અસંખ્ય હિન્દી ફિલ્મોમાં જેમની ગઝલો લેવાયેલી છે એવા કવિ જિગર મુરાદાબાદી.
એમનું આખું નામ જિગરઅલી સિકંદર મુરાદાબાદી, વીસમી સદીના પૂર્વાર્ધના ઊર્દૂ ગઝલના નોંધપાત્ર કવિ. એમના પિતા પણ સારા કવિ હતા. વારસો અને વાતાવરણ બંનેને કારણે કવિ નાની વયથી ગઝલ લખતા થઈ ગયા. પિતાને બતાવવા સાથે તસ્લીમ લખનવી અને દાગ દહેલવી જેવા જાણીતા કવિઓ પાસેથી એમણે માર્ગદર્શન પણ મેળવ્યું.
ઉર્દૂના જાણીતા કવિ અસગર ગોંડવી ઉપર જિગરને ભારે પ્રેમ અને શ્રદ્ધા હતાં. તેઓ અસગરની સાથે આઝમગઢ ગયા. આઝમગઢના વાતાવરણનો તેમજ અસગરના સાહિત્યસંપર્કનો જિગરની કવિતા ઉપર પુષ્કળ પ્રભાવ પડ્યો. ‘મુઆરિફ’ જેવી ઇલ્મી અને ગંભીર વિચારધારા ધરાવતા સામયિકમાં તેમની રચનાઓ પ્રગટ થઈ અને સાહિત્યનાં ઉચ્ચ વર્તુળોમાં તેની ખૂબ પ્રશંસા થઈ.
આઝમગઢથી જિગર કાનપુર આવ્યા. કાનપુરના રંગેમહફિલ કંઈ જુદા જ પ્રકારના હતા. જિગરને અહીંનો અદબી માહોલ (સાહિત્યિક વાતાવરણ) ખૂબ માફક આવ્યો. અહીંના કેફ અને મસ્તીભર્યા વાતાવરણમાં જિગરની ગઝલને નવું ક્ષિતિજ સાંપડ્યું. બનારસ મેનપુરી, ફૈઝાબાદ, બદાયું વગેરે જેવાં શહેરોના મુશાયરામાં તેમની ગઝલો ખૂબ લોકપ્રિય નીવડવા લાગી. આ રચનાઓ શ્રોતાઓના મુખે લાંબા સમય સુધી રમતી રહી. જિગરને હવે પ્રતિષ્ઠા અને નામના મળી ચૂક્યાં હતાં.
હુસ્ન-ઇશ્કના સંબંધમાંથી જન્મ લેતી અનેક ભાવનાઓ અને અનુભૂતિઓને સચોટ રીતે તેમણે રજૂ કરી છે. તેમની ગઝલોમાં મિથ્યાત્વ અને આડંબર નથી. શરૂઆતની થોડીક ગઝલો બાદ કરતાં જિગરની કૃતિઓમાં ચિંતન અને મનનની છાયા પણ અનુભવાય છે. જિગર અંગત જીવનમાં ઉદારદિલ અને માનવતાવાદી હતા. તેઓ અભિમાનથી સદા દૂર રહેતા. નિષ્ઠા અને સત્યના ઉપાસક હતા. હંમેશાં સ્વમૂલ્યાંકન કરતા રહેતા. જિગરની કવિતા જાણે તેમના વ્યક્તિત્વની કાવ્યાત્મક અભિવ્યક્તિ હોય એવું જ લાગે.
વિષય તથા શૈલીના બંધિયારપણામાંથી ગઝલને મુક્ત બનાવી તેમણે એ કાવ્યપ્રકારને જીવંત અનુભૂતિના સ્વરૂપ લેખે વિકસાવ્યો. તેમના સમકાલીનો તથા તેમની અનુગામી કવિ-પેઢી પર તેમની પ્રતિભાનો વ્યાપક અને ઊંડો પ્રભાવ પડ્યો; તેમના અનુયાયી જેવા મઝરૂહનો વિશેષ ઉલ્લેખ કરવો જોઈએ. જઝબી, જાં નિસાર અખ્તર તથા મજાઝની ગઝલોમાં પણ જિગરની ઘેરી અસર છે.
કાવ્યસંગ્રહો અને સન્માનો
‘દાગેજિગર’ 1928
‘શોલ-એ-તૂર’ (અસગર ગોંડવી સંપાદિત) 1932, બીજી આવૃત્તિ 1935
‘આતિશે ગુલ’ 1958 – કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કૃત
અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીએ તેમને ડી.લિટ્.ની માનાર્હ ઉપાધિ આપી સન્માન કર્યું. 1959
સૌજન્ય : લેખ ગુજરાત વિશ્વકોશમાંથી ટૂંકાવીને
OP April 6, 2023
સર્જક વિભાગ મા જીગર મુરાદાબાદી વિષે ખુબ સરસ મજાની જાણકારી મળી ખુબ ખુબ અભિનંદન
સરસ રચના
ખૂબ સરસ આલેખન લતાબેન, પ્રખ્યાત કવિ શ્રી
જિગર મુરાદાબાદી વિશે ખૂબ વિસ્તૃત માહિતી મળી.
આભાર સરલાબેન
સરસ શાયર વિશે માહિતી આપી આભાર લતાબેન સલામ છે તમને સાહિત્ય નિષ્ઠા ઉપર
આભાર દિલીપભાઈ.
શાયર જિગર મુરાબાદીનો સાહિત્યિક પરિચય આપવા બદલ લતાબહેને આભાર.
આનંદ આનંદ મીનલબેન
શાયરને સલામ
What a great poetJigar Muradabadi
જીગર મુરાદાબાદી વિષે ખુબ સરસ મજાની જાણકારી.