નલિની માડગાંવકર ~ વિરારથી ચર્ચગેટ * Nalini Madganvkar

વિરારથી ચર્ચગેટ – લોકલ ટ્રેનમાં

વિરારથી ચર્ચગેટ તરફ

દોડતી….. હાંફતી…. દોડતી….  

હકડેઠઠ ભરેલી લોકલ ટ્રેન

ભીંસમાં

પ્રવેશ્યું એક રંગબેરંગી પતંગિયું અને..

અચાનક,

ગંધાતો ડબ્બો બન્યો મઘમઘતો બગીચો.

જોઉં છું.

માણસોના હૅન્ડલ પકડેલા ઊંચા હાથ….

બધા જ

જવાબદારીના પહાડ ઊંચકતા ગોવર્ધનધારી.

અનેક થાંભલા પર ગોઠવાયેલી ઇમારત જેવો ડબ્બો…

સહુ વચ્ચે

ગલોટિયાં ખાતું ખાતું….

કોઈના પગ, કોઈનો ચહેરો ચૂમતું ચૂમતું

એક છેડેથી બીજે છેડે એ નીકળી ગયું,

નિર્ભય પ્રવાસ કરતું કરતું…

પોતાની દિશામાં આગળ વધવા એણે

કોઈનેય ધક્કા ન માર્યા.

જેણે એને જોયું

એ સહુની નજર બની

પારધીમાંથી માળીની,

એ જ્યાં જ્યાં ઊડ્યું

ત્યાં ત્યાં તૈયાર થયો

સૌંદર્યનો એક ઊડતો નકશો.

એને પહોંચવું હતું ફૂલ સુધી

એ ફૂલ બનીને.

~ નલિની માડગાંવકર

નલિનીબહેનને જન્મદિવસે સ્મૃતિવંદના.

7 Responses

  1. Anonymous says:

    કેટલી સુંદર રચના! નલિનીબેન 💐👍👍

  2. Kirtichandra Shah says:

    Really Very Nice Poem

  3. રંગ બેરંગી પતંગિયા જેવી જ સુંદર રચના જન્મદિવસ ની વધાઈ

  4. Minal Oza says:

    જન્મદિવસની શુભકામનાઓ. મુંબઈની લોક ગાડીનું આબાદ ચિત્ર ને રંગબેરંગી આશાનાં પતંગિયા..
    વાહ સરસ વાત!

  5. ઉમેશ જોષી says:

    નલિનીબેન માંડગાવકરને જન્મ દિવસે સ્મરણ વંદના.

  6. ખૂબ સરસ અભિવ્યક્તિ, સ્મૃતિવંદના

  7. વહીદા ડ્રાઈવર says:

    મસ્ત રચના

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: