કિસન સોસા ‘અનામય’ ~ સંગ-સૂનું બારણું
સંગ-સૂનું બારણું તોરણ તરસનું ટળવળે
ગૌર કૂણા ટેરવાની ઝંખનાએ સળવળે,
એક પણ સપનું ફળે નૈ આ તરુ-સૂના થળે
રૂપ ટહુકાનું ધરીને દૂરની ડંકી છળે.
સાંજની દીવાસળીથી કાચમાં સૂરજ ઊગે
શગ ઊંચકતાં ઓરડે ચારે તરફ મૃગજળ બળે.
બેય પડખે તપ્ત રેતીના સમંદર ઊછળે
ઓશિયાળા એક ઓશીકે હિમાળો ઓગળે.
ચિત્તમાં બત્તી બળે ને મોભથી કાજળ ગળે,
છે અવાજોનું રુદન એકાન્તની ચાદર તળે.
ઠેઠ આવી પાધરે શિયાળવાં પાછાં વળે,
અણનીરખ્યા આંચકાથી આયખું આ ખળભળે
જોવ કોની વાટ આ માણસ વગરના મુલ્કમાં,
લ્યો સમેટી જાગરણ, ક્યારેય નૈ કોઈ મળે.
~ કિસન સોસા ‘અનામય’ (4.4.1939)
સુરતના આ કવિના કાવ્યસંગ્રહો – ‘સહરા’, ‘અવનિતનયા’
જન્મદિવસે સ્મૃતિવંદના
પ્રતિભાવો