મનહર મોદીની ગઝલ ~ આસ્વાદ લતા હિરાણી * Manhar Modi * Lata Hirani

તેજને તાગવા જાગ ને જાદવા
આભને માપવા જાગ ને જાદવા.

એક પર એક બસ આવતા ને જતા
માર્ગ છે ચાલવા, જાગ ને જાદવા.

આંખ તે આંખ ના, દૃશ્ય તે દૃશ્ય ના
ભેદ એ પામવા, જાગ ને જાદવા.

શૂન્ય છે, શબ્દ છે, બ્રહ્મ છે, સત્ય છે,
ફૂલવા ફાલવા, જાગ ને જાદવા.

ઊંઘ આવે નહીં એમ ઊંઘી જવું,
એટલું જાગવા, જાગ ને જાદવા.

આપણે, આપણું હોય એથી વધુ,
અન્યને આપવા, જાગ ને જાદવા.

હું નથી, હું નથી, એમ જાણ્યા પછી
આવવા ને જવા, જાગ ને જાદવા.

~ મનહર મોદી

સ્થૂળથી સૂક્ષ્મની યાત્રા ~ લતા હિરાણી  

જાગને જાદવા – જેવા નરસિંહ મહેતાના પ્રયોગને રદીફ બનાવીને રચાયેલી એક તેજોમય ગઝલ. ત્રીજા અને પાંચમા શેરમાં કવિએ સાક્ષીભાવને જે અદભૂત રીતે આલેખ્યો છે, મૂક બની જવાય. સંપૂર્ણ આધ્યાત્મિકતાથી રંગાયેલી આ ગઝલ કવિ મનહર મોદીના નામ સાથે સદાય પ્રકાશશે. 

દશે દિશામાં પ્રસરતાં રહેતાં મનને બાંધવું સહેલું નથી. ક્યારેક આકાશ-પાતાળ એક કરતાં, કદીક નાચતાં-કૂદતાં તો કદીક રોતાં-કકળતાં મનને એની સમસ્ત પાંખો, આંખો સમેટીને જો અંદર ઉતારી શકાય, સ્થિર કરી શકાય તો જાગવાનું શક્ય બને. આ ગઝલના પ્રત્યેક શેરના અર્થ અખૂટ છે, જેમ જેમ ઊંડા ઊતરતા જઈએ તેમ તેમ નવાં નવાં વિશ્વો ખૂલતાં જાય. અહીં સ્વ માટે ‘જાદવા’ પ્રબોધાયું છે. આ જાદવાને જાગવાનો સાદ છે. સમજણનાં દ્વાર ખૂલે તો આતમના અમાપ રહસ્યો આપોઆપ ખૂલતાં જાય! એક એક શેરમાંથી નવી નવી આભા પ્રગટ્યા કરે છે. આ ગઝલ કોઈ અદભૂત ચેતનાનો સ્પર્શ લઈને આવી છે. અત્યંત સરળ અને છતાં અતિ ઊંડાણભરી વાતની ટૂંકામાં ટૂંકી રજૂઆત એ આ ગઝલની અપ્રતિમ સિદ્ધિ છે.

મન જાગી જાય તો સૂર્યને તાગી શકાય કે આભનેય માપી શકાય. વાસ્તવમાં સમજણની ક્ષિતિજો વિસ્તારવાની આ વાત છે. મનનાં જાગવા સાથે પૂર્ણથી શરૂ થયેલી યાત્રા પૂર્ણમાં વિરામ પામે છે. ચિંતનની આ પળો શ્વાસોમાં વસી જાય તો આંતરબાહ્ય સૃષ્ટિનો ઉઘાડ તમામ સીમાડા વળોટી અસીમમાં ફેલાઈ જાય. જન્મ છે તો માર્ગ છે, યાત્રા છે. ક્યારેક મૂંઝવણ થાય ને ક્યારેક થાક પણ લાગે. એકવાર જો દૃષ્ટિ ઊઘડે તો દ્વિધાને સ્થાન નથી. દૂર ભાસતો એ રસ્તો આખરે અંદર લઈ જાય અને બધું ઝળાહળાં કરી મૂકે. સ્થૂળ આકારોમાંથી આરપાર નીકળી પરમ ઐશ્વર્યમાં વસતા સત્યને પામવાનું છે. સ્વને પડકાર છે કે ક્યાં સુધી નિંદ્રાધીન રહીશ? સમસ્ત સૃષ્ટિ પોકારીને જગાડી રહી છે. શબ્દમાં રહેલા સૂરને, શૂન્યમાં વિસ્તરતા બ્રહ્મને, અણુએ અણુમાં પ્રસારવા દેવાના  છે.  

‘ઊંઘ આવે નહીં એમ ઊંઘી જવું, એટલું જાગવા, જાગ ને જાદવા.’ અહીં ‘ઊંઘ’ શબ્દનો વિનિયોગ ચમત્કારિક રીતે સ્પર્શી જાય છે. કવિએ આ શેરમાં સાચ્ચે જ કમાલ કરી દીધી છે. ઊંઘવાનું છે પણ અંદરની જાગૃતિ સાથે. ઊંઘવા અને જાગવાની ક્રિયાનો પ્રવાહ સહજતાથી સ્થૂળમાંથી સૂક્ષ્મ તરફ ભાવકને લઈ જાય છે! શરીરને આરામ આપવાનો છે અને ચેતનાને સક્રિય રાખવાની છે. મોહનિંદ્રામાં સરી ન પડાય એના ખ્યાલ સાથે આંખો બંધ કરવાની છે. જગમાં રહેવાનું છે ને જગથી દૂર પણ રહેવાનું છે. શરીરમાં રહેવાનું છે ને શરીરથી પર આત્મા તરફની યાત્રા કરવાની છે. દુન્યવી પ્રવાહો એમાં વિક્ષેપ ન કરે એની ખબરદારી રાખવાની છે.

આ જે દેખાય છે તે હું નથી. મારું શરીર છે. હું એક આત્મા છું જેણે સતત આ ફેરા ફરતા રહેવાનું છે. કુદરતનાં નિયમોને આધીન રહીને જે સ્વરૂપ મળ્યું એ સ્વરૂપે જીવી જવાનું છે. સાક્ષીભાવથી આ આવનજાવનને જોવાની છે. એમાં પલોટાયા વગર સહજ રહીને જે મળે એ સ્વીકાર્ય અને જે જાય એ ત્યાજ્ય. આટલું સમજવા માનવીએ જાગૃત રહેવાનું છે. બાહ્ય ચક્ષુથી નિર્લેપ રહીને આંતરચક્ષુઓ ઉઘાડવાના છે. પોતાના સ્થૂળ રૂપની તમા કર્યા વગર પરમને પામવા, એની ભાળ મેળવવા પણ હે મન, તું જાગ !

કવિને વંદન.  

17 Responses

  1. કવિ શ્રી ની ઉત્કૃષ્ટ રચના અને અેટલોજ માણવા લાયક આસ્વાદ આપે ખુબ સરસ આસ્વાદ દ્નારા કાવ્ય ને ખુબ સરસ ન્યાય આપ્યો અભિનંદન

  2. લલિત ત્રિવેદી says:

    એક અદભુત ગઝલનો કેટલો સરસ આસ્વાદ.. વાહ વાહ.. લતાબેન… અભિનંદન…

    • Kavyavishva says:

      આભારી છું લલિતભાઈ. તમારા શબ્દો મારામાં બળ પૂરે છે.

  3. ઉમેશ જોષી says:

    વાહ સકળ શેર રોચક છે..

  4. વહીદા ડ્રાઈવર says:

    આધ્યાત્મિક રચના

    અદભૂત રસાસ્વાદ લતાજી

  5. દિલીપ જોશી says:

    મનહર મોદીની આ ગઝલ સૌ પ્રથમ વાંચેલી ત્યારે જ એનાથી અભિભુત થયો હતો.આ સાવ સરળ લાગતી ગઝલનો લતાબેને કરેલો આસ્વાદ પણ એની ઊંડાઈ અને બારીકાઇ ને કારણે સ્પર્શી ગયો છે.દેખીતી સરળ બાની અર્થનું અદભુત સાયુજ્ય રચે છે ત્યારે એની ખૂબી આસ્વાદથી જ સ્પષ્ટ થાય છે.આપણી આત્મ ચેતનાને જગાડવાની વાત અહીં બહુ સરળ શબ્દોમાં રજૂ કરી લતા બેને ભાવકોને પણ વિચારતા કરી દીધા છે.

    • Kavyavishva says:

      આભારી છું દિલીપભાઈ. તમારા શબ્દો મારામાં બળ પૂરે છે. કાવ્યવિશ્વની મુલાકાત લેતા રહેશો.

  6. સરસ આસ્વાદ
    આ ઉપક્રમ સાહિત્યની ખેવના માટે સતત ગતિમાન રહે છે તેનો રાજીપો.
    પ્રસ્તુત ગઝલનો એક આસ્વાદ મેં લખેલો જે ઘણા વખત પહેલાં પ્રસિદ્ધ થયેલો જે ૨૯ જાન્યુઆરી ૨૦૧૫ની એફબી પોસ્ટ ( https://m.facebook.com/story.php?story_fbid=799176686840092&id=100002433056324&mibextid=Nif5oz)માંથી કોપી કરી આપને મોકલું છું. જરૂર પડે તો કામમાં લેજો.
    સુકામનાઓ

  7. ગુલામ અબ્બાસ નાશાદ says:

    સુંદર ગઝલ,સુંદર આસ્વાદ

  8. ખૂબ જ સરસ ગઝલ, અને આપનો આસ્વાદ પણ. આવી જ સરસ ઝૂલણા છંદમાં નરસિં મહેતા ઉપર આપે રચી છે, એ યાદ આવ્યું.

  9. kishor Barot says:

    જેટલી સુંદર ગઝલ તેટલો જ સુંદર આસ્વાદ.

Leave a Reply to Kavyavishva Cancel reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: