નરસિંહ મહેતા ~ જળકમળ છાંડી જા ને * Narsinh Maheta

જળકમળ છાંડી જાને, બાળા! સ્વામી અમારો જાગશે;
જાગશે, તને મારશે, મને બાળહત્યા લાગશે.

કહે રે બાળક! તું મારગ ભૂલ્યો? કે તારા વેરીએ વળાવિયો?
નિશ્ચે તારો કાળ જ ખૂટ્યો, અહીંયા તે શીદ આવિયો?

‘નથી નાગણ! હું મારગ ભૂલ્યો, નથી મારા વેરીએ વળાવિયો;
મથુરાનગરીમાં જુગટું રમતાં નાગનું શીશ હું હારિયો.’

‘રંગે રૂડો, રૂપે પૂરો, દીસંતો કોડીલો કોડામણો;
તારી માતાએ કેટલા જન્મ્યા, તેમાં તું અળખામણો?’

‘મારી માતાએ બેઉ જન્મ્યા, તેમાં હું નટવર નહાનડો,
જગાડ તારા નાગને, મારું નામ કૃષ્ણ કહાનડો.

‘લાખ સવાનો મારો હાર આપું, આપું રે તુજને દોરિયો,
એટલું મારા નાગથી છાનું, આપું તુજને ચોરિયો.’

‘શું કરું, નાગણ! હાર તારો? શું કરું તારો દોરિયો,
શાને કાજે, નાગણ! તારે ઘરમાં કરવી ચોરિયો?’

ચરણ ચાંપી, મૂછ મરડી, નાગણે નાગ જગાડિયો:
‘ઊઠો રે બળવંત, કોઈ બારણે બાળક આવિયો.’

બેઉ બળિયા બાથે વળગ્યા, કૃષ્ણે કાળીનાગ નાથિયો,
સહસ્ત્ર ફેણા ફૂંફવે જેમ ગગન ગાજે હાથિયો.

નાગણ સહુ વિલાપ કરે છે: નાગને બહુ દુ:ખ આપશે,
મથુરાનગરીમાં લઈ જશે, પછી નાગનું શીશ કાપશે.

બેઉ કર જોડી વીનવે: ‘સ્વામી! મૂકો અમારા કંથને;
અમો અપરાધી કાંઈ ન સમજ્યાં, ન ઓળખ્યા ભગવંતને.’

થાળ ભરી શગ મોતીએ શ્રીકૃષ્ણને રે વધાવિયો;
નરસૈંયાના નાથ પાસેથી નાગણે નાગ છોડાવિયો.

– નરસિંહ મહેતા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: