નરસિંહ મહેતા ~ આજની ઘડી

આજની ઘડી રળિયામણી
આજની ઘડી તે રળિયામણી,
હાં રે ! મારો વ્હાલોજી આવ્યાની વધામણી જી રે…..આજની ઘડી

જી રે તરિયા તોરણ તે બંધાવિયા,
હે મારા વ્હાલાજીને મોતીડે વધાવિયા જી રે…. આજની ઘડી.

જી રે લીલુડાં વાંસ વઢાવિયા,
હે મારા વ્હાલાજીનો મંડપ રચાવિયે જી રે…. આજની ઘડી.

જી રે પૂરો સોહાગણ સાથિયો,
હે મારો વ્હાલો આવે મલપતો હાથિયો જી રે…. આજની ઘડી.

જી રે જમુનાના નીર મંગાવિયે,
હે મારા વ્હાલાજીના ચરણ પખાળિયે જી રે… આજની ઘડી.

જી રે સહુ સખીઓ મળીને વધાવિયે,
હે મારા વ્હાલાજીની આરતી ઉતારિયે જી રે… આજની ઘડી.

જી રે તન-મન-ધન, ઓવારિયે,
હે મારા વ્હાલાજીની આરતી ઉતારિયે જી રે… આજની ઘડી.

જી રે રસ વાધ્યો છે અતિ મીઠડો,
હે મે’તા નરસિંહનો સ્વામી દીઠડો જી રે….આજની ઘડી.

~ નરસિંહ મહેતા

આજની નવી પોસ્ટમાં નરસિંહ મહેતાના બીજા ચાર અવિસ્મરણીય ભજનો પણ આપ માણી શકશો.

આભાર.

5 Responses

  1. નરસિંહ મહેતા ના પદો તો અદભુત છે જુનાગઢ મા ભગવાન ૫૨ વખત તેમના કામ કરવા આવ્યા અદભુત પદો તેમણે આપ્યા છે ખુબ ખુબ અભિનંદન

  2. સુરેશ 'ચંદ્ર'રાવલ says:

    નરસી મહેતા એટલે એક એક ભજન પદ ભાવકને ભાવવિભોર કરી દે…. કૃષ્ણ પ્રેમમાં ડૂબી ગયેલાં અલગારી એવાં નરસી મહેતા
    અદ્ભુત સાહિત્ય રચી ગયાં છે…. તેમનાં ભજનોનું વહેલી પરોઢે ગાન કરતાં ભક્તિમય બની જવાય

  3. રન્નાદે શાહ says:

    નિનુભાઈના સ્વરાન્કનોમા નરસિંહ મહેતા ખૂબ નિખર્યા છે.. એમાં થી કોઈ પણ પર અહીં મૂકી શકાય જ.

    • Kavyavishva says:

      સાચું રન્નાદેજી. શોધીને જરૂર મૂકીશ. સૂચન બદલ આભાર.

  4. આ ભજન સાંભળતાં સાંભળતાં મોટી થઈ છું. અદ્ભૂત આનંદ મળે છે સાંભળતાં.

Leave a Reply to રન્નાદે શાહ Cancel reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: