અશોક ચાવડા ~ વરસાદ * Ashok Chavda

આ વખત લાગણીસભર વરસાદ,
આ વખત આંસુઓનું ઘર વરસાદ.

કોઈ ભીંજાય છે ક્યાં અંદરથી ?
શ્હેરમાં હોય છત ઉપર વરસાદ.

કારણો હોત તો બતાવી દેત,
આંખમાં કારણો વગર વરસાદ.

સ્હેજ રોકાઈ જા, તને કીધું,
સાવ તાજી જ છે કબર : વરસાદ.

ઘરનો સામાન માત્ર ભરવાનો,
પાંપણોમાં ભર્યા ન કર વરસાદ.

~ અશોક ચાવડા ‘બેદિલ’  

કવિના હૃદયમાં આક્રોશ ભર્યો છે, ફરિયાદો છે, અભાવ છે, પીડા છે.  આ વખતે વરસાદ એ માત્ર આકાશમાંથી વરસતું જળ નથી, આંખમાંથી યે એ વહ્યા કરે છે. પોતાના માનવીનું સુક્કાપણું કદાચ એને ડંખે છે અને એટલે કહે છે શહેરમાં વરસાદ કોઇને ભીંજવતો નથી. માણસે દિવાલો પહેરી લીધી છે અને છત ઓઢી લીધી છે….મન ચૂપ રહેવા સિવાય બીજું કંઇ કરી શકતું નથી. કારણો શોધવા કે કહેવા જેટલુંયે મન સ્વસ્થ નથી…

ઘર ખાલી કરવાનું છે, માત્ર સામાન ભરવાનો છે, કશુંક છોડીને જવાનું છે, કોઇકથી દૂર થવાનું છે પણ એનો સ્વીકાર એટલો સહેલો નથી..પાંપણો પરથી હૈયું છલકાઇ ઊઠે છે, આંખોમાંથી ઉદાસી વરસી રહે છે. મનને કેટલુંયે સમજાવ્યું કે – તું આમ કરીશ તો કેમ ચાલશે ? પણ – દિલ હૈ કિ માનતા નહીં….

6 Responses

  1. Anonymous says:

    Effective ghazal with Simple words…

  2. ખુબ સરસ વરસાદી રચના હવે તો માણસ વરસાદ મા ખાલી પલળે છે ભિંજાતો નથી આસ્વાદ માણવા લાયક અભિનંદન

  3. ખૂબ સરસ ગઝલ, ‘બેદિલ’ ની ગઝલો કાયમ ‘જરા હટકે’ હોય છે.

  4. સુરેશ 'ચંદ્ર'રાવલ says:

    આંખનું જળ અને વરસાદ કોઈથી ક્યાં રોકાય છે….?
    કવિએ કમાલ કરી છે આખી ગઝલમાં .છેલ્લે કહેછે
    ઘરનો સામાન ભરતાં આંખથી પછી ખાબકે વરસાદ…
    લતાબેન આપનાં દ્વારા એક સરસ રચનાનું ચયન, આભાર આપનો અને અશોકભાઈને અભિનંદન…!

  5. લલિત ત્રિવેદી says:

    સરસ ગઝલ અને સરસ આસ્વાદ

Leave a Reply to સુરેશ 'ચંદ્ર'રાવલ Cancel reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: