ભાગ્યેશ જહા ~ એક યુગલગીત * Bhagyesh Jaha

એક યુગલગીત

‘કહું છું !’ કહીને મેં ક્યાં કંઇ કીધું, તેં ‘સાંભળો છો !’ કહી ક્યાં સુણાવ્યું,

આપણે તો આપણા જીવનનું ગીત કેવું ધોધમાર, જોરદાર ગાયું,

જાણે આભ આખું આંગણે સમાયું……

ચપ્પલને ઉંધું હું પાડીને ઝગડાના ઝાંપાને સહેજ-સાજ ખોલું

ત્યાં જ  મારા ચશ્માના લુછે તું કાચ અને પેન કહે ‘હું કંઇ બોલું ?’

આપણે તો આપણને સુંઘાડ્યું ફુલ જેનું સરનામું સાચે વખણાયું….

જાણે આભ આખું આંગણે સમાયું…..

બાથરૂમ કે અરીસા પર ચોંટેલા ચાંલ્લામાં વાંચું હું તબિયતની ભાષા,

ઓટલા પર સૂકવેલા સૂરજમાં સાચવે તું, મોજ અને મસ્તીની આશા.

આપણા ‘અથાણા’ને ‘છુંદા’માં હોય, કો’ક મંજરીનો મઘમઘતો વાયુ,

જાણે આભ આખું આંગણે સમાયું.

હસવાનું, હસવામાં લેવાનું સઘળું ને વાત કરી વાત વાળવાની,

કે’તો’તો, કે’તી’તી કહેનારી ના’ત, ત્યાં તો ભાષાને ભરદરિયે ગાળવાની.

સપનાથી શણગાર્યું, પ્રેમ કરી પડકાર્યું, આપણે તો અજવાળ્યું આયું,

આપણે તો આપણા જીવનનું ગીત કેવું જોરદાર ધોધમાર ગાયું,

જાણે આભ આખું આંગણે સમાયું…..  

~ ભાગ્યેશ જહા

આ કાવ્યને સુખી દાંપત્યજીવનની ગીતા કહી શકાય ? હા.

આ કાવ્યને સુખી દાંપત્યજીવનનું રહસ્ય કહી શકાય ? હા.

અભાગિયાને અદેખાઈ આવે અને

સુખિયાને છેક ઊંડે સુધી પ્રસન્નતા વેરી જાય એવું કાવ્ય.

મોજના દરિયા

જય હો જહાજીનો !

10 Responses

  1. સરસ મજાનું કાવ્ય ખુબ ગમ્યું અભિનંદન ઝા સાહેબ

  2. ઉમેશ જોષી says:

    વાહ ભાગ્યેશભાઇ,
    સ..રસ ગીત રચના છે…

  3. Kirtichandra Shah says:

    Geet gai shakay ene gata gata khati mithi ke vari kyarek kadvi urmio jagade pan. Nice

  4. Varij Luhar says:

    જાણે આભ આખું આંગણે સમાયું… વાહ ખૂબ સરસ ગીત અને
    આસ્વાદ

  5. Renuka Dave says:

    વાહ ભાઈ વાહ…! મસ્ત મજાના મૂડનુ ગીત..

  6. “ગીત કેવું જોરદાર ધોધમાર ગાયું,” આ પંક્તિમાં કૌટુંબીક સાયુજ્યનો મર્મ સમાયો છે. સુંદર ગીત. જન્મ દિવસની શુભેચ્છાઓ જહા સાહેબને.

  7. પ્રફુલ્લ પંડયા says:

    પ્રિય ભાગ્યેશભાઈનું ગીત બહુ જ સરસ છે.એમાં સહજ સ્વાભાવિક જીવન દર્શનની મસ્તીભરી અનુભૂતિઓ છે.દામ્પત્ય જીવનની ખાટીમીઠી વાસ્તવિકતાઓ લયાન્વિત બનીને ધોધમાર વરસે છે અને ભાવક માત્રને ભીંજવે છે. પ્રસન્ન દામ્પત્યનું એક યાદગાર ગીત આપવા માટે કવિશ્રીને હાર્દિક અભિનંદન !
    પ્રફુલ્લ પંડ્યા

  8. પ્રજ્ઞા વશી says:

    ખૂબ જ સરસ ગીત . એક સરસ હુંફાળું દામ્પત્યજીવન આંખ સામે તાદૃશ્ય થયું. અભિનંદન ભાગ્યે ભાઈ.

  9. Minal Oza says:

    શ્રી ભાગ્યેશભાઈની સરસ મજાની રચનામાં મધુર પ્રસન્ન દામ્પત્ય જીવનનો પમરાટ છે.

  10. ભાગ્યેશભાઈ, વાહ, વાંચતાં જ મન પ્રસન્નતાથી છલકાઈ જાય!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: