ન્હાનાલાલ ~ ઝીણા ઝરમર વરસે મેહ * Nhanalal

ઝીણા ઝરમર વરસે મેહ,
ભીંજે મારી ચુંદડલી :
એવો નીતરે કૌમારનો નેહ,
ભીંજે મારી ચુંદડલી.

આજ ઝમે ને ઝરે ચંદ્રની ચન્દ્રિકા,
ભીંજે રસિક કોઈ બાલા રે :
ભીંજે સખી, ભીંજે શરદ અલબેલડી,
ભીંજે મારા હૈયાની માલા :
હો ! ભીંજે મારી ચુંદડલી.

વનમાં પપૈયો પેલો પિયુ પિયુ બોલે,
ટહુકે મયૂર કેરી વેણાં રે :
ટમ ટમ ટમ ટમ વાદળી ટમકે,
ટમકે મારા નાથનાં નેણાં :
હો ! ભીંજે મારી ચુંદડલી.

આનંદકન્દ ડોલે સુન્દરીનાં વૃંદ ને
મીઠા મૃદંગ પડછંદા રે :
મન્દ મન્દ હેરે મીટડી મયંકની,
હેરો મારા મધુરસચંદા !
હો ! ભીંજે મારી ચુંદડલી.

~ ન્હાનાલાલ

1 Response

  1. મને ખૂબ ગમતું કવિ શ્રીનું કાવ્ય. વંદન

Leave a Reply to સાજ મેવાડા Cancel reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: