પ્રફુલ્લ પંડ્યા ~ નથી કહેવા જેવું * Prafull Pandya

નથી કહેવા જેવુંય કશું જીભમાં !
જીભે તો વર્ષોથી લોચાં વાળ્યાં છે એથી શબ્દો રહ્યાં ન એનાં બીજમાં !
નથી કહેવા જેવું ય કશું જીભમાં !

વર્ષોથી આમતેમ ઉડતી ઈચ્છાઓ નથી પહેરી શકાઈ એ જ કારણે,
ડગમગતાં સપનાઓ આવે ને જાય, આંખ ખૂલતી ન્હોતી કોઈ સંભારણે !
વરસો તો ઠીક અહીં સદીઓ વીતી છે એક પોતાની સામેની જીદમાં !
નથી કહેવા જેવું ય કશું જીભમાં !

જીદના મુકામ પૂરાં થાય નહીં કેમ કરી, કેમ કરી ગાંઠોને છોડવી ?
કેમ કરી છોડાવવા અઘરા સવાલ અને કેમ કરી દિવાલો તોડવી ?
નથી તોડવા જેવું ય કશું તીરમાં !
નથી કહેવા જેવું ય કશું જીભમાં !

~ પ્રફુલ્લ પંડ્યા

કશું જ કહેવા માટે રહે નહીં તે પછીનો શબ્દ કદાચ કવિતાનો શબ્દ છે. કવિ મૌન સાધી લે છે અને શૂન્યમાં સરી પડે છે. આમ પણ શબ્દ બ્રહ્મ છે. શબ્દ ખરેખર તો આકાશનું સંતાન છે અને એમ એ શૂન્યમાંથી જ જન્મે છે. માણસનું હ્રદય અને મન દોડી દોડીને જીભ ઉપર આવે છે. જયારે મોટી અતંત્રતા ઊભી થાય અને જીભ લોચાઓ વાળવા મંડે તે પછી શબ્દો – અર્થોની મોટી ઉથલપાથલ શરૂ થઈ જાય છે અને શબ્દો તેનાં બીજમાંથી બહાર નીકળી જાય છે. એ પછી માણસનું શું થાય છે? જીવન ક્યાં ક્યાં આંટાઓ મારીને પોતાની જ જાત અને જીદ સામે આવીને ઊભું રહી જાય છે. બસ પછી માત્ર થોડાંક ખૂલાસાઓ મળે છે જીવનનાં આંટાફેરાઓના!  ઈચ્છા,સપના, મંઝિલ – મુકામની પસાર કરેલી યાત્રા આછીપાતળી શબ્દાંકિત થઈ શકે છે. જીવનના અઘરા સવાલ છૂટી શકતા નથી અને મૂંઝવણની દિવાલોને તોડી શકાતી નથી. જીભના લોચાંને કારણે તીર સાથે તોડવાની શક્તિ પણ તૂટી જાય છે! –  પ્રફુલ્લ પંડ્યા

આ કવિ સામાન્ય રીતે કલ્પી પણ ન શકાય એવા વિષયો ગીતમાં અવતારે છે અને એ એમની ખૂબી છે ! – સંપાદક

10 Responses

  1. ઉમેશ જોષી says:

    કવિ શ્રી પ્રફુલ્લભાઈ પંડ્યાની ગીત રચના અંતર મનને સ્પર્શી જાય છે..
    અભિનંદન.

  2. Varij Luhar says:

    નથી કહેવા જેવુંય કશું જીભમાં

  3. Varij Luhar says:

    ખૂબ સરસ ગીત અને આસ્વાદ

  4. ગુલામ અબ્બાસ નાશાદ says:

    વાહ પ્રફુલ્લભાઈ,કમાલ

  5. kishor Barot says:

    સાવ નવા જ વિચાર બીજ પર ઉમદા કાવ્યાત્મક ચિંતન

  6. દિલીપ જોશી says:

    સરસ ગીત..
    પોતાના આત્મવૃતાંતની જીવ કાયમ રાખીને વાત છેડતા પ્રફુલ્લ પંડ્યાની અલગ તરી આવતી ભાવ ભાષાની ઉક્તિ ઉકેલાતા કોઈ નવા વિશ્વમાં આપણને લયલીન બનાવે છે.

  7. ખુબ સરસ મજાની રચના કવિ જીભ પર કાંઈ કેવા જેવુ નથી ખુબ અર્થસભર વાત કાવ્ય દ્નારા કહી છે આસ્વાદ પણ અેટલોજ સરસ અભિનંદન

  8. Minal Oza says:

    ગીતમાં મઢેલી સરસ રચના.અભિનંદન.

  9. Jyoti hirani says:

    ખુબ જ સરસ લય બધ્ધ ગીત,

  10. Jyoti hirani says:

    બહુજ સરસ લયબધ્ધ ગીત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: