ગંગાસતીના બીજાં પાંચ ભજનો

1.જીવ ને શિવની થઈ એકતા

2. એકાગ્ર ચિત્ત કરી સાંભળો રે પાનબાઈ,

3. સત્ય વસ્તુમાં જેનું ચિત્ત ભળી ગયું

4. અભ્યાસ જાગ્યા પછી બહુ ભમવું નહીં

5. અચળ વચન કોઈ દિ’ ચળે નહિ

*****

જીવ ને શિવની થઈ એકતા ને પછી કહેવું નથી રહ્યું કાંઈ રે,

દ્વાદશ પીધો જેણે પ્રેમથી ને તે સમાઈ રહ્યો સુનની માંય રે …

જીવ ને શિવની…..

તમે હરિ હવે ભરપૂર ભાળ્યા ને વરતો કાયમ ત્રિગુણથી પાર રે,

રમો સદા એના સંગમાં ને સુરતા લગાડો બાવન બાર રે

જીવ ને શિવની…..

મૂળ પ્રકૃતિથી છૂટી ગયા ને તૂટી ગઈ સઘળી ભ્રાંત રે,

તમારું સ્વરૂપ તમે જોઈ લીધું, ને જ્યાં વરસો સદા સ્વાંત રે

જીવ ને શિવની…..

સદા આનંદ હરિના સ્વરૂપમાં જે જ્યાં મટી મનની તાણાવાણ રે

ગંગા રે સતી એમ બોલિયાં રે, તમે પદ પામ્યા નિર્વાણ રે

જીવ ને શિવની…..

~ ગંગાસતી

*****

એકાગ્ર ચિત્ત કરી સાંભળો રે પાનબાઈ, મોટો કહું છું ઇતિહાસ રે,

એ ઇતિહાસ સાંભળશો ત્યારે પ્રગટશે પૂર્ણ વિશ્વાસ રે …

એકાગ્ર ચિત્ત કરી…..

મનવાણીથી પરની વૃત્તિ જેણે, મોહજીત એવું એનું નામ રે,

ભજન કરે આઠે પ્હોર હરિનું, લે છે નિરંતર નામ રે

એકાગ્ર ચિત્ત કરી…..

વેદ કરે છે જેનાં વખાણ ને જે ખોજ્યો ન આવે હાથ રે,

બેહદની જેણે ભક્તિ કીધી રે, એ રમી રહ્યો તેની સાથ રે

એકાગ્ર ચિત્ત કરી…..

મળવિક્ષેપ જેના મટી ગયા રે, ટળી ગયા દૂબજાના ડાઘ રે,

ગંગાસતી એમ બોલિયાં રે પાનબાઈ, એવાને પ્રકટે વૈરાગ્ય રે

એકાગ્ર ચિત્ત કરી…..

~ ગંગાસતી

*****

સત્ય વસ્તુમાં જેનું ચિત્ત ભળી ગયું એ ચારે વાણી થકી પાર રે,

સ્વપ્નમાં પણ જે ચળે નહીં એ તો નિર્ભય નર ને નાર રે

સત્ય વસ્તુમાં …..

ભેદવાણીપણાનો સંશય ટળી ગયો ને મટી ગયો વર્ણવિકાર રે,

તનમનધન જેણે પોતાનું માન્યું ના સતગુરુ સાથે જે એકતાર રે

સત્ય વસ્તુમાં …..

એવાને ઉપદેશ તુરત જ લાગે જેણે પાળ્યો સાંગોપાગ અધિકાર રે

અલૌકિક વસ્તુ આ એવાને કહેજો નહીં તો રહેશે ના કંઈ સાર રે

સત્ય વસ્તુમાં …..

હરિ ગુરુ સંતને એક રૂપ જાણજો ને રહેજો સ્વરૂપમાં લીન રે,

ગંગાસતી એમ બોલિયાં રે પાનબાઈ સમજુ તમે છો મહાપરવીણ રે

સત્ય વસ્તુમાં …..

~ ગંગાસતી

*****

અભ્યાસ જાગ્યા પછી બહુ ભમવું નહીં ને ન રહેવું ભેદવાદીની સાથ રે
કાયમ રહેવું એકાંતમાં ને માથે સદગુરુજીનો હાથ રે…..અભ્યાસ જાગ્યા પછી

તીરથ વ્રત પછી કરવા નહીં ને ન કરવા સદગુરુના કરમ રે,
એવી રે ખટપટ છોડી દેવી જ્યારે જણાય માંહ્યલાનો મરમ … અભ્યાસ જાગ્યા પછી

હરિમય જ્યારે આ જગતને જાણ્યું, ત્યારે પ્રપંચથી રહેવું દુર રે,
મોહ સઘળો પછી છોડી દેવો ને હરિને ભાળવા ભરપૂર રે … અભ્યાસ જાગ્યા પછી

મંડપ ને મેળા પછી કરવા નહીં, એ છે અધૂરિયાનાં કામ રે,
ગંગા સતી એમ બોલિયા પાનબાઈ, ભાળવા હોય પરિપૂર્ણ રામ રે …. અભ્યાસ જાગ્યા પછી

~ ગંગાસતી

*****

અચળ વચન કોઈ દિ’ ચળે નહિ, તે તો અહોનિશ ગાળે ભલે વનમાંય

સદ્દગુરુ સાનમાં પરિપૂરણ સમજીયાં, તેને અહંભાવ આવે નહિ મનમાં.

અચળ વચન કોઈ દિ…

શરીર પડે પણ વચન ચૂકે નહિ, ગુરુજીના વેચ્યા તે તો વેચાય

બ્રહ્માદિક આવીને મરને લિયે પરીક્ષા, પણ બીજો બોધ નો ઠેરાય…

અચળ વચન કોઈ દિ…

મરજીવા થઈને કાયમ રમવું પાનબાઈ ! વચન પાળવું સાંગોપાંગ

ત્રિવિધીના તાપમાં જગત બળે છે, તેનો નહિ લાગે તમને ડાઘ…

અચળ વચન કોઈ દિ…

ભાઈ રે ! જીવન્મુક્તિની દશા પ્રગટશે, હાણ ને લાભ મટી જાય

આશા ને તૃષ્ણા એકે નહિ ઉરમાં, પૂરણ નિજારી ઈ કહેવાય…

અચળ વચન કોઈ દિ…

દ્રઢતા રાખો તો એવી રીતે રાખજો, જેથી રીઝે નકળંક રાય

ગંગાસતી એમ બોલિયાં, તેને નહિ માયા કેરી છાંય…

અચળ વચન કોઈ દિ…

~ ગંગાસતી

*****

1 Response

  1. ભદ્રેશ વ્યાસ"વ્યાસ વાણી" says:

    અભણ બાઇ દ્વારા રચાયેલી રચનાઓમાં ભલભલા ભણેલા અટવાય છે.
    આ એણે જીવી દેખાડેલા અને ભગવદ સ્પર્શ પામેલા હૃૃૃદયમાંથી સ્ફૂરેલા શાશ્વત સિદ્ધાંતો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: