ન્હાનાલાલ ~ હરિ! આવો ને
હરિ! આવો ને ~ ન્હાનાલાલ

આ વસન્ત ખીલે શતપાંખડી, હરિ! આવો ને;
આ સૃષ્ટિએ ધરિયા સોહાગ; હવે તો હરિ! આવો ને!
આ વિશ્વ વદે છે વધામણી, હરિ! આવો ને;
આવી વાંચો અમારા સોભાગ્ય; હવે તો હરિ! આવો ને!
આ ચંદરવો કરે ચન્દની, હરિ! આવો ને;
વેર્યાં તારલિયાના ફુલ; હવે તો હરિ! આવો ને!
પ્રભુ પાથરણાં દઈશ પ્રેમનાં, હરિ! આવો ને;
દિલ વારી કરીશ સહુ ડૂલ; હવે તો હરિ! આવો ને!
આ જળમાં ઉઘડે પોયણાં, હરિ! આવો ને;
એવા ઉઘડે હૈયાના ભાવ; હવે તો હરિ! આવો ને!
આ માથે મયંકનો મણિ તપે, હરિ! આવો ને;
એવા આવો જીવનમણિ માવ ! હવે તો હરિ! આવો ને!
આ ચંદની ભરી છે તળાવડી, હરિ! આવો ને!
ફૂલડીયે બાંધી છે પાજ; હવે તો હરિ! આવો ને!
આ આસોપાલવને છાંયડે, હરિ! આવો ને;
મનમહેરામણ, મહારાજ! હવે તો હરિ! આવો ને.
મ્હારે સુની આયુષ્યની શેરીઓ, હરિ! આવો ને;
મ્હારે સૂની સૌ જીવનની વાટ; હવે તો હરિ! આવો ને.
મ્હારા કાળજ કેરી કુંજમાં, હરિ! આવો ને;
મ્હારા આતમ સરોવરઘાટ; હવે તો હરિ! આવો ને.
~ કવિ ન્હાનાલાલ
વસંતના વૈભવી દિવસોમાં કવિ ન્હાનાલાલની જન્મજયંતીએ સાદર સ્મૃતિવંદન.
ખુબજ જાણીતુ હરિગીત કવિ શ્રી ની ચેતના ને પ્રણામ
“મ્હારે સૂની સૌ જીવનની વાટ; હવે તો હરિ! આવો ને”
પંક્તિમાં કવિનો હરિ દર્શનનો આર્તનાદ ‘હવેતો’ શબ્દમાં પડઘાય છે.