અવિનાશ પારેખ ~ ગ્રીષ્મની ભીનાશ

જંગલમાં:
ફાટી નીકળેલા હુલ્લડમાં
ઘવાયા છે ગુલમોર,
સૂરજની મશાલના
ટપકતા અંશોથી
સળગ્યા છે ગરમાળા
અને
અડાબીડ ફૂટી નીકળેલા અતડા વાંસના તણખા
દઝાડે છે રોમે રોમ.
આકાશઃ
તરડાયેલી ધરાની કરચલીવાળું
એક સુકાયેલ સરોવરનું તળિયું
શંકુદ્રુમની ટોચ ઉપર ટકી રહ્યું છે માંડમાંડ
એને વળગી રહેલું ભૂરા પાણીનું ધાબું
ક્યાંક રણમાં સળગીને ઉપર ચડ્યું છે
દરિયામાં જઈને વરસી પડ્યું છે.
એવામાં
મારી બારીના
ચોરસ આકાશના તળિયામાં
લીલ બાઝેલા
પીળા ચાંદના પથ્થરમાં
હજુ જે ભીનાશ સચવાયેલી છે
એ
તું છે કે કવિતા?
~ અવિનાશ પારેખ (12.3.1949)
કવિને જન્મદિને વંદન
“તું છે કે કવિતા?” કદરત રુપે ઈશ્વરને સંબોધન છે, વાહ.
કુદરતમાં ઈશ્વરને નિરખનાર કવિને એમના જન્મ દિવસે અભિનંદન.
કવિ શ્રી ને જન્મદિવસ ની વધાઈ ખુબ સરસ મજાની રચના