કાવ્ય ~ ધીરુબહેન પટેલ * આસ્વાદ ~ લતા હિરાણી
મારો શાકવાળો ~ ધીરુબહેન પટેલ
મારો શાકવાળો ઘણો સારો છે
દરરોજ સવારે
મને સ્મિત સાથે નમસ્કાર કરે છે,
પછી જ ભાવની કડાકૂટ આદરે છે.
ક્યારેક એના વટાણા સડેલા હોય,
ટામેટાં વધારે પડતાં પાકી ગયાં હોય,
એના ત્રાજવાનું પણ બહુ ઠેકાણું ન હોય
પણ એ એના ઘરની વાતો કરે
અને મુલાયમ રીતે જાણી લે
કે મારું તો બધું ઠીકઠાક છે ને?
મને એ ગમે છે
એની આ મીઠીમીઠી વાતો માટે નહીં,
ન તો એના ચહેરા માટે,
મને તો એ એટલા માટે ગમે છે
કે કસીને હું એનો ભાવ ઓછો કરાવું છું
અને મારું પ્રત્યેક પ્રભાત
વિજયના ભાનથી સમૃદ્ધ બને છે..
~ ધીરુબહેન પટેલ
કેમ છો? સારું છે ને! ~ લતા હિરાણી
ગદ્ય, ખાસ તો વાર્તા અને નવલકથા ક્ષેત્રે મોખરે બિરાજનાર શ્રી ધીરુબહેન પટેલ ગુજરાતી સાહિત્યનું એક સન્માનનીય નામ છે. બે કાવ્યસંગ્રહો સાથે તેઓ કવિ તરીકે પણ સ્થાપિત થયાં છે. એમની આ કવિતા એક ગૃહિણીનાં રોજિંદી દિનચર્યામાંથી માનવજીવનનું એક શાશ્વત સત્ય ઉઘાડે છે.
ધીરુબહેનની આ કવિતા બે પ્રકારની સંવેદનાથી ભરીભરી છે. એક તો શાકવાળા જેવા મહેનતકશ આદમી સાથે ગૃહિણીનું સમસંવેદન! ગૃહિણીને એની સાથે રોજેરોજની નિસ્બત એટલે અહીં કોઈ પ્રકારની સામાજિક ઊંચનીચ આડે આવતી નથી. એકબીજાની વાતોમાં હળવાશથી એકબીજાનાં કુશળમંગળ વ્યક્ત થઈ જાય છે! દૈનિક વ્યવહારોમાંથી વહ્યાં કરતી નરી માનવીયતાની સુગંધ! અલબત્ત અહીં રોજિંદા ગ્રાહક સાથે તરત તંતુ જોડી લેવાની શાકવાળાની વ્યવહારકુશળતા દેખાય છે તો બીજી બાજુ દરેક માનવીમાં અભરે ભરેલી રહેતી પોતાનું ધાર્યું કરવાની ઝંખના….
શાક લેવું એ કેટલી સામાન્ય ઘટના! સારું શાક ચૂંટીને લેવું અને ભાવની રકઝક કરવી એમાં ગૃહિણીને કોઈ ન પહોંચે. વાત સાવ નાની, ક્ષુલ્લક છે. કસી કસીને બે ચાર રૂપિયા ઓછા કરાવવાના હોય કે પછી વજનમાં પચીસ-પચાસ ગ્રામ નમતું તોળાવવાનું હોય, આટલું જ! સામાન્ય રીતે આ સ્ત્રીઓનો સ્વભાવ છે. પરસ્પર વિરોધી લાગે એવી વાત છે કે સાડી ખરીદવા જાય ત્યારે ખુશીથી હજાર-બે હજાર વધારે ખરચી નાખતી સ્ત્રી, શાકમાં બે–પાંચ રૂપિયા બચાવીને જાણે જંગ જીતી લે છે! આ મનોવૃત્તિ સવાલ જગાવે, કેમ કે એ માત્ર કરકસરનો સવાલ નથી.
સેવા અને સદભાવની શીખ આપનારા જરૂર એમ કહી શકે કે શાકવાળા જેવા ગરીબ, મહેનત મજૂરી કરીને જીવતા આદમી પાસે બેચાર રૂપિયા ઓછા કરાવીને સ્ત્રી ખોટું કરે છે. આ મજૂરવર્ગના લોકો સાંજ પડ્યે માંડ પોતાના કુટુંબને રોટલાભેગું કરતાં હોય છે. આ નાનકડા ધંધામાં જેમતેમ એનો ગુજારો થતો હોય છે, કેમ કે તેઓ સંજોગોના શિકાર પણ વધારે થતા હોય છે. ભારે વરસાદ પડ્યો, કરફ્યૂ લાગ્યો, રમખાણો થયાં, યુનિયને હડતાળ પાડી, ઘરમાં પોતે કે બીજું કોઈ બીમાર પડ્યું…. આવા અનેક સંજોગો આવતા રહે છે કે જ્યારે એનો ધંધો બંધ રહે છે. એમાંય બીમારીમાં તો એની હાલત બહુ કફોડી થાય છે. એક બાજુ પોતે કામે નથી જઈ શકતો એટલે આવક બંધ થાય છે અને બીજી બાજુ સારવાર માટે પૈસા ખરચાય છે. એની પાસે નથી હોતા વીમા કે નથી હોતી બીજી કોઈ સુરક્ષા. આવો મહેનતકશ વર્ગ હંમેશાં સહાનુભૂતિને પાત્ર હોવો જોઈએ.
જોકે આ આડવાત થઈ કેમ કે કવિતાનો વિષય છે, સામાન્ય રીતે સમાજમાં રોજેરોજ જે બને છે એના ચિત્રણ દ્વારા માનવીના/સ્ત્રીના માનસનું એક સત્ય ઉપસાવવું. અહીં કવિએ એ મૂળ મુદ્દો પકડ્યો છે. શાકવાળા સાથે ભાવ કરાવવામાં માત્ર પૈસા બચાવવાની વાત નથી. પોતાનું ધાર્યું કરવાની અને જીતવાની માનવીની મૂળ મુરાદ અહીં ઝબકે છે. દરેકને ક્યાંક ને ક્યાંક તો જીતવું છે અને પોતાનું ધાર્યું કરવું છે. આ વાત સામાન્ય રીતે સ્ત્રી માટે પોતાના ઘરમાં અઘરી છે. પતિ કે સાસુ-સસરા એની ઇચ્છા પ્રમાણે નહીં વર્તે. બાળક પણ એનું ધાર્યું જ કરશે. સ્ત્રી માટે પોતાનો અહમ્ સંતોષવાના, સત્તા વાપરવાના આવા નાનકડા રસ્તાઓ છે અને એને એ ચૂકતી નથી! માનવીના સીધાસાદા વર્તન પાછળ શું છુપાયું હોય, કયો માનસશાસ્ત્રનો નિયમ કામ કરતો હોય એ શોધવું મુશ્કેલ છે. માનવમનને પારખવું જ મુશ્કેલ છે. એટલે જ કવિ અમૃત ઘાયલ કહે છે,
અવરને શોધતાં વર્ષોનાં વર્ષો કેમ ન લાગે
કે પોતાનેય જગમાં શોધતાં બહુ વાર લાગે છે..
કવિને એક સામાન્ય માનવીના સ્વભાવની અને એના અહમની વાત કરવી છે અને એ આબાદ રીતે વ્યક્ત થઈ છે. ‘જીત આખરે જીત છે અને દરેકે ક્યાંક તો વિજય મેળવવાનો હોય!’ શાક લેવા જેવી સામાન્ય ઘટનાની સરળ રજૂઆતમાં છેલ્લી બે પંક્તિઓ એને કાવ્યત્વ બક્ષે છે. સામાન્ય ઘટનાનાં નિરૂપણમાંથી અંતરને સ્પર્શી જાય એવો વિશેષ સૂર નિપજાવવો એ કાવ્યકળા છે.
કલાનું સૌંદર્ય આ જ છે. એમાં સીધી રીતે ઉપદેશ નથી રજૂ કરાતો. જે કંઈ કહેવું છે એ ઇશારાથી કહેવાય છે, સંકેતો અપાય છે અને એટલે એ માનવીના મનના ઊંડાણ સુધી પહોંચે છે. ઉપદેશોથી શાસ્ત્રો ભરેલાં છે અને એનાથી કામ થતું હોત તો માણસજાત ક્યારની સુધરી ગઈ હોત, જે નથી થયું. કલાનું સ્થાન એટલે જ સર્વોચ્ચ રહ્યું છે.
ખુબ સરસ આસ્વાદ અભિનંદન લતાબેન
આભાર છબીલભાઈ
વાહ ખુબ જ સરસ કાવ્ય તથા તેનું ભાવવાહી રસદર્શન બહેન. ખુબ ખુબ અભિનંદન તથા શુભેચ્છાઓ 🙏🙏🙏.
આભાર પ્રીતિબહેન