લક્ષ્મી ડોબરિયા ~ એક જણની સામે * Laxmi Dobariya

એક જણની સામે સાચા થઈ જુઓ,
ને, અરીસા તોડી હળવા થઈ જુઓ.

સ્થિરતા સંબંધમાં આવી જશે
બસ, સમયસર ઓછા-વત્તા થઈ જુઓ.

નહીં રહે અફસોસ પીળા પાનનો
ક્યાંક કૂંપળ, ક્યાંક ટહૂકા થઈ જુઓ.

ભીતરી અસબાબને પામી શકો
માર્ગ ભૂલેલાના નકશા થઈ જુઓ.

થઈ જશે પળવારમાં એ ઠાવકું,
મન ગળ્યું માંગે તો કડવા થઈ જુઓ.

~ લક્ષ્મી ડોબરિયા

જાતને વિસ્તારવાની વાત છે. સ્વને સર્વમાં સમથળ કરવાની વાત છે. સરળ શબ્દાવલિમાં, હળવી શૈલીમાં બોલચાલના શબ્દો પકડીને ઊંડાણભર્યું ચિંતન કવિએ રજૂ કર્યું છે. લક્ષ્મીબહેનની ગઝલોમાંથી જીવનનો નિતાર અને સમજણનો વિસ્તાર મળે છે. ગદ્યમાં વિહરતા રહેવાની ટેવ હોય તો ચારેબાજુ ચિંતન છલકાતું મળી આવે.

‘જો ચલા ગયા ઉસે ભૂલ જા.’ નવી ક્ષણોને આવકારવાની છે. હૈયાની હૂંફથી વિકસાવવાની છે. કૂંપળ થઈને ઊગવાનું છે અને ટહૂકા થઈને સૃષ્ટિ પર સંગીત રેલાવવાનું છે. અંદર કેટલું સત્વ પડ્યું છે એની જાણ છે ? કોઈનો હાથ પકડીને ચાલો, કોઈની મુશ્કેલીમાં દીવો ધરો, કોઈના આંસુને સ્મિતમાં પલટાવો એટલે ખબર પડશે કે આતમ  કેટલો સભર છે !

7 Responses

  1. દિલીપ જોશી says:

    લક્ષ્મીબેનની ગઝલ સરળ અને તાજગીભરી છે.ઉપદેશાત્મક રજૂઆત પણ આમ થાય તો આમ કરી જુઓ એવી સાહજિક રીતનું નિરૂપણ ગઝલને વાતચીતની ભાષામાં નાવીન્ય આપે છે.જે સહુનું ધ્યાન ખેંચે છે.બહોત ખૂબ.

  2. Varij Luhar says:

    ઓછા – વત્તા થવું જરૂરી

  3. ખુબ સરળ બાની મા લખાયેલી ગઝલ કવિયત્રી ને ખુબ ખુબ અભિનંદન ખુબ ગમી

  4. સરસ સકારાત્મક વિચારો ગઝલમાં રજૂ કર્યા છે.

  5. ભદ્રેશ વ્યાસ"વ્યાસ વાણી" says:

    શિરાની જેમ ગળે ઉતરી જાય એવી રચના.વાહ…..

  6. લક્ષ્મી ડોબરિયા says:

    કાવ્ય વિશ્વમાં મારી રચનાનો સમાવેશ કરવા બદલ આનંદ સાથે આભાર.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: