સોનલ પરીખનું કાવ્ય * આસ્વાદ ~ લતા હિરાણી * Sonal Parikh * Lata Hirani
ધુમાડા કાઢતી રિક્ષા ઊભી રહી
ખાંસતા રિક્ષાચાલકને
ચુંથાયેલી નોટો આપી
થાકેલા ચહેરાવાળા ચીમળાયેલા મુસાફરો
બહાર નીકળ્યા
તે પછી સૌ ગયા
પોતપોતાના કંટાળાના રસ્તે
થાક, ખાંસી, રસ્તો, ધુમાડો ને સફરના
સંબંધો અને સંદર્ભોમાં ખોવાયેલી
ઊભી હતી હું હજુ મારી બારીમાં
ત્યાં
પાંચ વર્ષની પુત્રી
પાલવ પકડીને બોલી,
”મમ્મી રિક્ષાની છત પર
ગુલમહોરની કેટલી બધી પાંખડીઓ હતી,
તેં જોઇ ?”
~ સોનલ પરીખ
*****
દૃષ્ટિ ~ લતા હિરાણી
સોનલ પરીખનું આ ગદ્યકાવ્ય છે. સવારથી સાંજ સુધી વીંટયેલી જીવનની એકવિધતામાં એની આસપાસ વેરાયેલી નાની નાની સુંદર ક્ષણો માણવાનું આપણે કેવા ચુકી જઇએ છીએ એની હળવેકથી પણ સ્પર્શી જાય એવી રજૂઆત કરે છે. આ સ્પર્શી જવાનું ખાસ એટલા માટેય કે એક નાનકડી બાળકી આંગળી પકડીને એ તરફ લઇ જાય છે. રોજિંદા વ્યવહારમાં ભલે મા એની દીકરીને આંગળી પકડીને લઇ જતી હોય પણ અહીં દીકરી મમ્મીને દોરે છે, આંગળી પકડીને લઇ જાય છે એની ઉંમર જેવી અને જેટલી જ નાની, નમણી, નાજુક સુન્દરતા તરફ… જે જોવાનું આપણે મોટાભાગે ચૂકી જતા હોઇએ છીએ.
મમ્મીની આંખમાં ઘરની બારીમાંથી દૃશ્ય ઝીલાય છે. રિક્ષા આવીને ઊભી રહી. માત્ર રિક્ષા જ નહીં એનો ધુમાડો, ખાંસતો રિક્ષાચાલક અને ચુંથાયેલી નોટો આપતા થાકેલા ચીમળાયેલા મુસાફરો પણ દેખાય છે. આંખને આ જ બધું જોવાની ટેવ પડી છે. ગમતું નથી, અકળાવેય છે પણ દૃશ્ય આ જ દેખાય છે કેમ કે આ સિવાય બીજું પણ કંઇ જોવાનું હોય છે એ સમજ જ સુકાઇ ગઇ છે. કવિતા આગળ વધે છે. રિક્ષામાંથી નિકળેલા મુસાફરો પોતપોતાના રસ્તે જાય છે એમ કહેવાયું હોત તો એ સામાન્ય બાબત હોત. આમ પણ ગદ્યકાવ્ય છે એટલે બારીમાંથી દેખાતા દૃશ્યનું વર્ણન એક ચોકકસ ઢબે થાય છે પણ મુસાફરોને જવાની બાબતમાં કંઇક ચમકારો અનુભવાય છે.
મુસાફરો પોતપોતાના રસ્તે જ નહીં, પોતપોતાના કંટાળાના રસ્તે જાય છે. અહીં કંઇક ક્લીક થાય છે. રસ્તાને અને કંટાળાને ભલા શો સંબંધ ? રસ્તો તો નિર્જીવ છે. પણ કહેવાયેલી વાત કંઇક જુદી છે. અને એ છે જીવનમાં વણાયેલો, પરોવાયેલો કંટાળો.. જીવનનો રસ્તો જ એકધારો, રસહીન ને થકવનારો બન્યો છે. કોઇના ચહેરા પર હાસ્યની, આશાની રેખા સરખી નથી. જીવાતા જીવનનો બોજ વેંઢારીને સૌ ચાલ્યે જાય છે. કદાચ કઇ તરફ, એ પણ ખબર નથી અને આ કે આવી બધી વાતો બારીમાંથી બહાર જોઇ રહેલી સ્ત્રી, એક વ્યક્તિ વિચારી રહી છે. આમ જુઓ તો એ પણ કંઇક આમ જ પ્રોગ્રામ્ડ થઇ ગઇ છે, એક બીબામાં ફીટ થઇ ગઇ છે કેમ કે સામે શું જોવું કે પછી દેખાય છે એની પાછળ શું જોવું એય દરેકના ઉપર આધાર રાખે છે, એ દૃષ્ટિ છે !!
કહે છે ને કે દૃષ્ટિ એવી સૃષ્ટિ. અહીં માતાના મનમાં એકધારાપણાનો, રૂટિનનો ભાર ભરેલો છે. સ્ફૂર્તિ, તાજગી, ઉમંગ કે ઉલ્લાસ ગાયબ છે. નજર સામે જે દુનિયા દેખાય છે એ અમુક અંશે અંદરનુ જ પ્રતિબિંબ છે. પણ જીવનમાં માત્ર આટલું જ નથી. વહેલી સવારે પક્ષીઓ હજી કલરવ કરે છે. ઊગતા સૂર્યના કિરણો હજીયે ધરતી પર કુમાશ ને અજવાસ પાથરે છે. વૃક્ષો મ્હોરવાનું કે ફૂલો ખીલવવાનું ચુકતાં નથી જ.. જે ચુકી જવાય છે એ બસ એના તરફ ધ્યાન જવાનું. બાજુમાં ઊભી છે એની નાનકડી દીકરી જે હજુ આધિ,વ્યાધિ અને ઉપાધિથી જોજનો દૂર છે. રૂટિનની રફતાર તો એની આજુબાજુય ફરકી શકે એમ નથી. એ હજી હળવાશના, નિરાંતના અને વિસ્મયના જગતમાં જીવે છે એટલે જ એની નજર ધુમાડો કાઢતી રિક્ષા પર કે કંટાળતા મુસાફરો પર નહીં, રિક્ષાના છાપરા પર વેરાયેલી ગુલમહોરની કુમળી કુમળી પાંદડીઓ પર જાય છે અને પૂછી બેસે છે, ‘મમ્મી, તેં એ જોઇ ?’ અને ત્યાં કવિતા પૂરી ઊઘડે છે.
ખુબ સરસ કાવ્ય અને અનુવાદ પણ સર્વાંગ માણવા લાયક કાવ્યવિશ્ર્વ ને અભિનંદન
આભાર છબીલભાઈ
લતાબેન મહિલાદિન નિમિત્તે ખુબ સરસ આયોજન આપને ખુબ ખુબ અભિનંદન
તમારા જેવા નિયમિત અને પ્રતિભાવ આપનારાઓ વાચકોથી ‘કાવ્યવિશ્વ’ ઉજળું છે.
આપનો આભાર છબીલભાઈ…
કેવી સુંદર વાત…
દીકરીએ કહી માતાને.. 🪷👍