કવિ નર્મદ ~ બ્રહ્મ તું * આસ્વાદ ~ દર્શના ધોળકિયા Narmad Darshana Dholakiya

બ્રહ્મ તું બ્રહ્મ તું

બ્રહ્મ તું બ્રહ્મ તું, આપ ભક્તિ મુને, માંગુ હું દિલમાં પ્રેમ આણી;
અનુભવજ્ઞાનથી, લહુ છું ખોટું સહુ, ધર્મનીતિમય સાચ જાણી.

પળ પછી જીવની વૃત્તિ કેવી થશે, તે તણું સોણું નહીં લેશ લાધે;
તે છતાં હું હીણો વિષયમાં ગરકીને, વીસરું ગુણ ગાવા અગાધે.

કો ચડે ઊતરે, કો ધની નિરધની, છે કોઈ હાસ ને હાય બોલે;
એ નિયમ તારો, ડાહ્યો દીસે બહુ, આણે વંઠેલને ભક્તિ ખોળે.

ઘટઘટાનેક તે, આપની આંખમાં, બહુ બહુ બ્રહ્મના ગુણ ઘોળે;
અક્કેકી ચાતુરી, જાણવા જોગ પણ, જ્ઞાન વણ નર્મદો કેમ ખોળે?

પર્વતે ઊગતું ફૂલ બહાદૂર છે, વાયુ વંટોળસું જુદ્ધ માંડે;
ભક્તના ઊરમાં, બ્રહ્મરંગ ફૂલતે, ભવ તણા વાયુને શાંત પાડે.

આરબી આફ્રિકી, રેત તાતી મધે, ઊંટ ધીરું જ્યમ માર્ગ માપે;
ભક્તજન તે રીતે, ભવપીડા ઝાળમાં, ધર્મધીરજધરી મોહ કાપે.

રેડી સંસારમાં પાળી નીતિ સહુ, મંન ભજવે હરિ સ્થિર રાખી;
વિઘ્ન સહુ દૂર કરી, હર્ષ હૈડે ભરી, જીવને શિવ કરે સાધુ ભાખે.

~ નર્મદ

પ્રાપ્તિની ઝંખનાનું કાવ્ય ~ દર્શના ધોળકિયા

નર્મદ એટલે ગુજરાતી સાહિત્યને અર્વાચીનતાનો પાસ લગાડનાર આદિ પુરુષ. ગુજરાતી કવિતા ને ગદ્યનું નર્મદે આગવું રૂપ પ્રગટાવ્યું. આથી જ તો મુનશીએ તેને ‘અર્વાચેનોમાં આદ્ય’ કહીને અભિવાદન કર્યું.

ઈ.સ.૧૮૩૩ થી ૧૮૮૬ દરમિયાનના ૫૩ વર્ષના હયાતી કાળમાં નર્મદે શું ન કર્યું? માત્ર સત્તર વર્ષની ઉંમરે મુંબઈમાં ‘મંડળી મળવાથી થતા લાભ’ વ્યાખ્યાન આપ્યું; પચ્ચીસ વર્ષની ઉંમરે કલમને ખોળે માથું મૂકીને જીવવાની પ્રતિજ્ઞા લીધી; સત્યાવીસ વર્ષની ઉંમરે નાતબહાર થયા; તેત્રીસમે વર્ષે ‘ડાંડિયો’ ચલાવ્યું; આડત્રીસમે વર્ષે વિધવા નર્મદાગૌરી સાથે લગ્ન કર્યું. પૂર્વ નર્મદ એટલે ઉગ્ર સુધારાવાદી, સ્વાભિમાની, રોમાંચક જીવન પસાર કરતો નર્મદ ને ઉત્તર એટલે વિચારપરિવર્તન ને તેથી ઉદાસી અનુભવતો નર્મદ.  નર્મદે કવિતામાં નવપ્રસ્થાનો કર્યાં, ને નિબંધ સ્વરૂપને પહેલવહેલો ઘાટ આપીને ‘ગદ્યનો પિતા’ બન્યો. આત્મકથાનું સ્વરૂપ પહેલીવહેલી વાર ખેડ્યું ને જુસ્સાભેર જીવ્યો. નંદશંકરને પત્ર લખતાં આ મરદ માણસે  પોતાની યથાર્થ ઓળખ આપતાં લખેલું, ‘તમારા વિશે મારા મનમાં સ્વર્ગ જેટલો ઊંચો કે પાતાળ જેટલો નીચો વિચાર હો, તમે મારા કટ્ટા વેરી ને સાચા સ્નેહી હો, તોપણ હું તમારા શહેરમાં એક ક્યારેક્ટર છું.’

આવા વીર પુરુષે જીવનમાં અનેક વાળાઢાળા જોયા. એકવીસ વર્ષની કાચી ઉંમરે પ્રથમ પત્નીના અવસાને નર્મદને ડહોળી નાખ્યા. ૧૮૫૧થી ૫૫ના ગાળા દરમિયાન કવિએ એકલતા, નામ કમાવાની વૃત્તિ, વતન છોડવાને લઈ અનુભવેલો વિષાદ જેવી અનેક વિષમતાઓનો સામનો કર્યો. કદાચ એના પરિણામરૂપે કવિએ વૈરાગ્યવૃત્તિની ભરતી અનુભવી હોય એવું અનુમાન કરવાનો પૂરો અવકાશ રહે છે. પોતાના આવા મનોમંથનમાંથી છોટવા કવિ પદોની રચના ભણી વળ્યા. વળી નર્મદનો સમય સંક્રાંતિકાળનો હતો. મધ્યકાળના ઉત્તમ કવિ દયારામ ને અન્ય જ્ઞાની કવિઓ ધીરો, ભોજો વગેરેએ પ્રબોધેલા જ્ઞાન વિચારના પડઘા હજુ શમ્યા નહોતા. નર્મદ જેવા સુધારાવાદી વલણ ધરાવતા કવિ માટે આ કવિઓ સાથે અનુસંધાન જોડાવું સહજ હતું. આથી નર્મદની આરંભકાલીન કવિતામાં બ્રહ્મનું માહિમાગાન મહત્વનું બન્યું. સ્વભાવે લાગણીશીલ ને સાથોસાથ સમજદાર નર્મદ આવાં પદોને નિમિત્તે આત્મનિરીક્ષણ પણ કરતા રહ્યા. પ્રસ્તુત પદ તેનું પ્રમાણ છે.

નરસિંહના પ્રિય છંદ ઝૂલણામાં અવતરેલું આ પદ નર્મદની એક જુદી છબી ભાવક સમક્ષ મૂકી આપે છે. જીવતરે આપેલા વિષાદથી જીવતરને ઓળખવા મથતા કવિનું મંથન અહીં ભક્તિમાં રૂપાંતરણ પામે છે. પ્રથમ પંક્તિમાં ઈશ્વર પાસે કવિ આવી જ ભક્તિની યાચના કરે છે. જોવાનું એ છે કે પ્રભુ પાસે ભક્તિ માગતા કવિ ઈશ્વરના કોઈ બંધાયેલા રૂપને સંબોધતા નથી. કવિ સંબોધે છે પરબ્રહ્મને. ભક્ત નર્મદ સાથે જ્ઞાની નર્મદનો અહીં સુભગ સમન્વય રચાયો છે.

ભક્તિ માગતા જ્ઞાની નર્મદમાં દૈન્ય નથી, જીવતરે આપેલી સમજ છે. તેને સાચ-ખોટનો ભેદ બરોબર દેખાયો છે પોતાના અનુભવજન્ય જ્ઞાનથી.  

આ અનુભવે નર્મદને નમ્ર બનાવ્યા છે. તેમને અનુભવથી સમજાયું છે કે, માણસની મતિ ગમે ત્યારે ફરી બેસતી હોય છે. આ સત્ય જાણવા છતાં નર્મદ કબૂલે છે તેમ તેઓ પોતે પણ સાંસારિક વિષયોમાં ફસાતા રહ્યા છે ને પ્રભુના ગુણગાન ગાવાનું વીસર્યા છે. પણ સંસારના કૂંડાળામાં પગ મૂકતાં-મૂકતાં આત્મનિરીક્ષણ કરતા નર્મદ તરત જાગી ગયા છે, ચેતી ગયા છે ને લોકની થરી ચડતી-પડતીનો ભેદ પામી શક્યા છે. નર્મદને મતે ઈશ્વરપ્રેરિત નિયમોમાં ભારે શાણપણ રહેલું છે. આ સંસારમાં કોઈ ઉપરના સ્થાને છે તો કોઈ નીચેના; કોઈ ધનવના છે, કોઈ નિર્ધન છે, કોઈકને શાંતિ પ્રાપ્ત થઈ છે તો કોઈક હાયવોયમાં જ જીવી રહ્યું છે. આ પ્રકારે દુનિયામાં દેખાતા અસંતુલનથી ચેતી જઈને કોઈ ડૂબી રહેલો માણસ, છેલ્લી ક્ષણે જાગી જઈને ભક્તિને શરણે જઈ, મુક્ત થાય છે.

ભક્તિનું મહિમાગાન કરતા નર્મદમાંનો કવિ પ્રભુ અખિલાઈ રંગદર્શી છટાથી વર્ણવવા પ્રેરાયો છે. ને તેથી નર્મદને દ્રષ્ટાંતે કેવું સૂઝ્યું છે ! ‘ઘટઘટાનેક આપની આંખમાં’ કહેતાં નર્મદ પ્રભુના રૂપને સમજાવતાં રોમૅન્ટિક થઈને કહે છે: “આશકમાશુઊક સામસામે બેઠાં હોય, ને એ જગા એવી હોય કે સામેથી જોનારને કોઈ એક વ્યક્તિ બેઠી હોય એવું લાગે, પણ એ દેખાતા એક જણની આંખનો ચળકાટ જોઈને જોનારો સમજી જાય છે કે સામે કોઈક છે. તેમ એકને જોઈને તેને બનાવનાર એવા તમારી ઉપસ્થિતિ વરતાયા વિના રહેતી જ નથી, આવો છે તમારો વ્યાપ ! આવા તમને હું ખોળવા, જાણવા મથું છું, પણ અજ્ઞાની એવા મને તમે ક્યાંથી જડો ?”

આ નમ્રતા જ નર્મદને ભક્તિનું વરદાન આપવામાં સહાયભૂત થાય છે. નર્મદની ભક્તિ આડે પથરાયેલાં જાળાં દૂર થાય છે, પરિણામે ભક્તિથી પ્રાપ્ત થતી પ્રશાંતિનો નર્મદ અનુભવ કરે છે. નર્મદની નમ્રતા તો ત્યાં છે કે પોતે મેળવેલી આવી સિદ્ધિની વાત નર્મદ દ્રષ્ટાંત દ્વારા, ત્રીજા પુરુષમાં કરે છે – પર્વત પર ઊગતા ફૂલનું નામ લઈને. પર્વત પર ઊગેલું ફૂલ અડગ, વીર હોય છે. એ વાવાઝોડાં સામે અણનમ રહીને ટકી જાય છે. બરાબર એ જ રીતે ભક્તિનું ફૂલ ખીલી ઊઠતાં, ભક્તના હૃદય કમળમાં ખીલીતાં ભવ જ સમાપ્ત થાય છે. ભક્તિ જાગતાં જ પ્રાપ્ત થાય છે સમજણ, પ્રબોધ. જેની ફલશ્રુતિ છે વિરામ, ઉપરામ.

આવા જ્ઞાની ભક્તની ધીરજ કેવી છે ? ઊંટ જેવી. અરબસ્તાન ને આફ્રિકાનાં પ્રખર તપતાં રણની રેતી વચાળે ઊંટ શાંતિથી પોતાનો મારગ કાપતું જાય બરોબર તે રીતે સમજદાર ભક્તમ જ્ઞાંસંપન્ન, આર્ત મનુષ્ય સંસારની ઝાળ વચ્ચે ધર્મરૂપી નૌકાએ ચઢી, ધીરબુદ્ધિથી પોતાના મોહને, વાસનાઓને કાપે છે. કાપવાનો અર્થ અહીં તોડવાનો નથી, પસાર કરવાનો છે. પોતામાં ઊઠતી વૃત્તિઓને એ જુએ છે ને એને પોતામાંથી પસાર થવા દે છે. ને એથી એ વૃત્તિઓ આપોઆપ શાંત પડી જાય છે. ઝરણાનાં નિર્મળ નીર કોઈ ગાડું ચાલવાથી જેમ પહેલાં ડહોળાય ને પછી પોતાની મેળે શાંત પડે તેમ. મીરાંએ ઈશ્વરપ્રાપ્તિ માટે માર્ગ સૂચવ્યો છે તે આ જ : ‘સાધન ધીરજ ધ્યાન.’ ધ્યાનનો અર્થ વર્તમાન પ્રાજ્ઞજનો આચાર્ય રજનીશ કે જે.કૃષ્ણામૂર્તિએ કર્યો પણ આ જ કર્યો છે : ચિત્તવૃત્તિઓને મનમાંથી પસાર થવા દેવી. શાંતિથી તેનું અવલોકન, નિરીક્ષણ કરવું. આપમેળે શાંત થાય એની રાહ જોવી. સીતાએ જેમ પોતા પરથી અગ્નિને પસાર થવા દીધો તેમ. સંસારની પીડાથી ભાગવાનું નથી, તેમાંથી ગુજરવાનું છે.

મૂળેથી સુધારક, વિચારક, ઝંઝાવાતી જીવન જીવેલા નર્મદના વ્યક્તિત્વના ખૂણેખાંચરે બેઠેલા જાગવા ઈચ્છતા જણની આ છાની વાત અહીં ભારે માર્મિક રીતે પ્રગટ થઈ છે. આ રીતે અનુસંધિત રહેલા નર્મદની પોતાના પ્રભુ સાથેની આ નિર્મળ ગુજગોષ્ઠિ  ભલે કદાચ તેના વિષમ સંયોગોમાં થયેલી હોય, પણ એ ક્ષણો પૂરતીય તેમાં રહેલી સચ્ચાઈ સહૃદયને સ્પર્શી જાય એ રીતે અભિવ્યક્તિ થઈ છે. ભક્તિ કદાચ નર્મદની આંતરિક અનિવાર્યતાન હોય તોપણ જીવનની કોઈક પળોમાં પ્રભુની અનિવાર્યતા દરેક જણની અનુભૂતિ બની શકે એવુંય અહીં અનુભવાય છે. વીર નર્મદના વ્યક્તિત્વમાં રહેલી ઋજુતાનો અહીં પરિચય થાય છે એ જ ભાવક માટે તો મોટી ઉપલબ્ધિ.

* * * * *

3 Responses

  1. ઉમેશ જોષી says:

    દશઁના ધોળકિયાએ સરસ આસ્વાદ કયોઁ છે.

    અભિનંદન.

  2. Minal Oza says:

    નર્મદના ઉત્તમ કાવ્યને દર્શન ધોળકિયાએ સરસ આસ્વાદ્ય બનાવ્યો છે.

  3. ખુબ સરસ આસ્વાદ અભિનંદન

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: