લતા હિરાણી ~ ઓ યક્ષ * Lata Hirani

* ઓ યક્ષ *

ઓ યક્ષ

તું મને ઓળખે છે ?

મૃત્યુ સુધીનો રસ્તો ભૂંસવા

પ્રતિક્ષણ જીવનને ચાટયા કર્યું

એ હું.

આંધળા દિવસ પાછળ દોડવામાં

રાત અજવાળી ઠેલ્યા કરી

એ હું.

કેટલાય એંઠા શબ્દો ઉલેચ્યા કર્યા

ને મૌનને દરિયામાં ફેંક્યા કર્યું

એ હું.

વિશુદ્ધ અવાજો વિસારે પાડીને

વાંઝીયા વંટોળ ઉકેલ્યા કર્યા

એ હું.

ને હવે થાક લાગે છે.

આંગણામાં જ વેરાયેલા

પારિજાતનો પમરાટ અનુભવવાનું

કેમ ચુકી જાઉં છું હું ?

ઓ યક્ષ

પ્રશ્નો આથમી જાય

ને ઉત્તરો આવશ્યક ન રહે

એવી ક્ષણો સુધી પહોંચાડ ને તું !

~ લતા હિરાણી  

4.12.22

પ્રકાશિત બુદ્ધિપ્રકાશ > 2-2023

16 Responses

  1. હરીશ દાસાણી.મુંબઈ says:

    આ યક્ષપ્રશ્ન પૂછાયો છે યક્ષને પણ કાવ્યમાંથી પસાર થતા જઇએ ત્યારે અંતમાં ખ્યાલ આવે કે આ યક્ષ અન્ય કોઈ નથી. અંદર રહેલ inner self છે. વિવિધ પરિમાણોમાં વ્યક્ત થયેલ હું કોણ તે પ્રશ્નનો ઉત્તર શોધવાની જ મથામણ છે. કવિતા બને છે પ્રશ્ન ને પ્રશ્ન જ રહેવા દેવાથી.

  2. રિયાઝ લાંગડા (મહુવા). says:

    Very nice 👌

  3. દિલીપ જોશી says:

    અંદરના યક્ષ સાથેનો સંવાદ..આ યક્ષ નિયતિ પણ હોઈ શકે.અને કાળદૃષ્ટા પણ..જાતે ઊભી કરેલી જાળમાં આપણે ફસાયા છીએ.આપણી ઋજુતા વિસરાઈ ગઈ છે.હવે એવી સ્થિતિની ઝંખના છે કે જ્યાં કોઈ પ્રશ્નો જ ના હોય.ને એના ઉત્તરોની પણ જરૂર ના હોય.જીવનની એવી ગતિ અને પ્રાપ્તિનું ઉપનિષદ અહીં સાવ લાઘવમાં સમાયેલું છે.કવયિત્રી લતાબેન હિરાણીને ખૂબ ખૂબ અભિનંદન.

  4. Varij Luhar says:

    વાહ.. પ્રશ્નો આથની જાય અને ઉત્તરો આવશ્યક ન રહે તેવી
    અપેક્ષા વ્યકત કરતું સુંદર કાવ્ય

  5. ખુબજ સુંદર કાવ્ય યક્ષ પ્રશ્નનો ઘણા છે પણ કવિતા સર્વાંગ સુંદર ખુબ ખુબ અભિનંદન

  6. આદરણીય લતાજી, તમારી કવિતા પણ ‘યક્ષ પ્રશ્ન’ થી કમ નથી, અદ્ભૂત ભાવ વિશ્વ, ખૂબ જ સુંદર.

  7. Minal Oza says:

    કાવ્યમાં વાંઝિયા વંટોળ એ આપણે જીવનમાં મારેલાં હવાયિતાની વાત લતાબહેને કેવી સરસ રીતે પ્રયોજી છે. અભિનંદન.

  8. ઉમેશ જોષી says:

    એ હું ….સરસ રચના છે ..
    અભિનંદન.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: