પંકજ વખારિયા

કોણ  બીજું  એવું  અંગત  છે હવે?

માત્ર  એકલતાની  સોબત  છે  હવે.

સ્તબ્ધ છે એવું જીવન ઘટનાવિહીન

સુખ કે દુ:ખ બંનેનું સ્વાગત છે હવે.

અડધીપડધી  ઊંઘ પહોંચે  આંખને

સર્વ  ક્ષેત્રોમાં  ઉચાપત  છે  હવે.

નેકી  તો  જીવે  છે  નીચી  મૂંડીએ

– ને બદીનાં  માથાં  ઉન્નત છે  હવે.

એટલી   આબોહવા   ઝેરી    થઈ

જીવતાં  હોવું  જ કિસમત છે હવે.

છે  બધીયે   માંગણીનું  મૂળ  મન

મન  રહે  ના એ  જ મન્નત છે હવે.

મૂકી દઈએ જો મમત તો છે રમત

એવો  જીવન બાબતે  મત છે હવે.

મન, વચન ને  કર્મમાં  હો  એકતા

એવું કોનામાં અચલ સત છે હવે?

હો  પતન  કે  ઉન્નતિ, ધરપત  ધરી

મારી   એનાં  હાથમાં   પત છે હવે.

ગ્રંથ   વાંચી   ગ્રંથિ  ના  બાંધુ   હવે

શબ્દ સદગુરુનાં જ આયત છે હવે.

એ ય સંભવ છે કે છૂટી જાય શ્વાસ

ટેવ  સૌ  ત્યજવાની  આદત છે હવે.

જાગી    હૈયામાં    કરુણા   એટલે

આપણી  દોઝખમાં  જન્નત  છે હવે.

ના  રહ્યો  નખમાંય  કોઈ  રોગ  તો-

લ્યો, મરીઝની શૂન્ય બરકત છે હવે.

~ પંકજ વખારિયા

એકલતા, અનિન્દ્રા, ઉદાસી જો વધુ ટકે તો વિષાદને સ્થાયી ભાવ બનાવી શકે. આ જ કેડીએ આગળ ધપતી ગઝલ ચિંતન સુધી પહોંચે છે. સાક્ષીભાવ પણ જાણે ડોકાઈ જાય છે. શેરની સંખ્યા બાબતે કવિ કરકસર કરી શક્યા હોત….

આ શેર સૌથી વધુ ગમ્યો.

એ ય સંભવ છે કે છૂટી જાય શ્વાસ / ટેવ  સૌ  ત્યજવાની  આદત છે હવે

 

7 Responses

  1. Varij Luhar says:

    વાહ.. સરસ ગઝલ

  2. વાહ, ખૂબ સરસ ગઝલ

  3. હરીશ દાસાણી.મુંબઈ says:

    મૂકી દઇએ મમત તો છે રમત…….વેદાંત પણ કહે છે- लोकवत्तु लीला कैवल्यम्।

  4. ખુબ સરસ મજાની ગઝલ બધા શેર દમદાર અભિનંદન

  5. સુનીલ શાહ says:

    સશકત અભિવ્યક્તિ

  6. ઘણા બધા શેર સાથેની સરસ ગઝલ…

  7. Pankaj says:

    Thanks મિત્રો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: