કોકિલા પટેલ

વસંતની વાંસળીઓ વાગી ટહૂકી ઊઠે પાન

લચક લહેરે ઝૂમી નાચે આખે આખું ગામ

આંખને ખેતર આભ ઝૂકે તો લીલું જંગલ ઊગે

ભીના પ્હોરનો પોચો તડકો ચકલી ચણમાં ચૂગે

ગુનગુન કરતો ભમરો ગજવે ઝીણું ઝીણું ગાન

વસંતની વાંસળીઓ વાગી ટહુકી ઊઠે પાન…..

પલપલ સરતી જાય કહોને કેમ વહે ના વેળા ?

વસંતના આંગણમાં કેવા કામણગારા મેળા ?

સરતું જાતું ધીમેધીમે હૈયા કેરું ભાન

વસંતની વાંસળીઓ વાગી ટહૂકી ઊઠે પાન…..

અમે વસંતની વાતો કરીએ બંધ હોઠના દ્વારે

તમે અમારા ટહુકા સૂંઘો પાંપણના પલકારે

વાયરો થઇને મહેકી છાતી ફૂલના કાનેકાન

વસંતની વાંસળીઓ વાગી ટહૂકી ઊઠે પાન……..

~ કોકિલા પટેલ

વસંતની વાંસળીઓ વાગે ત્યારે લીલાંછમ્મ પાનનો ટહૂકો આંખ સુધી પહોંચે જ પહોંચે. વસંતનો વાયરો જ એવો જાદૂભર્યો છે કે કેસુડાની છોળે, રસભર્યા જન મનભરીને નાચી ઊઠે. આભનો અજવાસ આંખમાં અડે ને લીલાશ ઊગી નીકળે એ તો વસંતની કરામત છે પણ એ લીલાશ સવારના પહોરનેય ભીનો બનાવી મૂકે છે ને આ ભીનો એટલે કે કૂણો તડકો ચકલીની ચાંચમાં ભરવાની સરસ મજાની કલ્પના મનનેય કુમાશ અને ભીનાશથી ભરી દે છે.

ભમરાનું ગાન, સરસર સરતી પળનું ઓસરતું ભાન કે મન પર છવાતું કામણગારા મેળાનું ગાન એ અનેકવાર પ્રયોજાયેલી બાની હોવા છતાં મનને ગમે છે. બંધ હોઠોમાં રચાતા જતા વસંતના ટહૂકાઓ કે સ્પર્શના ઉઘડતા જતા મુકામો ? અને ઇશારાથી અપાતું ટહૂકા સુંઘવાનું ઇજન પણ રસભર્યા અધરોને અધરોનું આમંત્રણ જ કે બીજું કંઇ ? વાસંતીગાનમાં ઉઘડેલા યૌવનની મસ્તી ન હોય તો જ નવાઇ !! અહીં શૃંગારરસ પ્રગટ અને અપ્રગટના બે કાંઠા વચ્ચે હળુ હળુ વહે છે.

5 Responses

  1. હરીશ દાસાણી.મુંબઈ says:

    પ્રકૃતિ સાથે એકાત્મભાવનું સુમધુર ગીત

  2. ઉમેશ જોષી says:

    વાસંતી રચના સરસ છે.

  3. વાસંતી રચના કેસુડા ની કળીઅે બેસી ફાગણીયો લહેરાયો સરસ મજાની રચના

  4. Minal Oza says:

    કેસુડાના રંગમાં રંગાઈને આવેલું સરસ ગીત.

  5. ખૂબ જ સરસ વાસંતી ગીત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: