મીરા આસિફ

આંખને આકાશ આપી ક્યાં જશો ?

શ્વાસ વચ્ચે સૂર્ય સ્થાપી ક્યાં જશો ?

જિંદગી તો એક ક્ષણનું નામ છે;

આયખાના ઘાવ માપી ક્યાં જશો ?

રક્તમાં આપ જ બધે પડઘાવ છો;

ને રગોમાં રોજ વ્યાપી ક્યાં જશો ?

એક અફવા છે સમયના નામની;

અધવચાળે એને કાપી ક્યાં જશો ?

હું પડ્યો છું પાંખમાં ફફડાટ લૈ;

આપ ઊડી, પંથ કાપી ક્યાં જશો ?

જાવ છો તો એ બતાવી જાવ સ્હેજ;

શબ્દ ‘આસિફ’નો ઉથાપી ક્યાં જશો ?

~ મીરા આસિફ

પ્રણયભાવની અભિવ્યક્તિ. શેરોના કલ્પનો સુંદર છે. જવાબો મૌનમાં જ પલટાય એવા સવાલો પાયાના છે

સરળતાનું સૌંદર્ય હોય છે તો અહીં અર્થગંભીરતા પણ અપીલ કરી જાય છે.

કવિના જન્મદિને સ્મૃતિવંદના

સાભાર કાવ્યસંગ્રહ : મીરા આસિફની ગઝલો સં. ડો. પથિક પરમાર

3 Responses

  1. ખૂબ જ સરસ માર્મિક ગઝલ, સ્મૃતિ વંદન

  2. ખુબ સરસ મજાની ગઝલ કવિ શ્રી ને જન્મદિવસ ની વધાઈ સ્મૃતિ વંદના

  3. હરીશ દાસાણી.મુંબઈ says:

    ચેતનપ્રવાહનો ઉત્સાહ અને ઉત્સવ લઈ આવતી રચના

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: