જયા મહેતા ~ દીવાલોની પારનાં અજવાળાં

દીવાલોની પારનાં અજવાળાંને

પામવાની મથામણમાં

મારી ચીમની બુઝાવી નાખવી

મને મંજૂર નથી.

મને મંજૂર નથી

આ પાર કે તે પારની

સંતાકૂકડીની રમત.

મારે માણવા છે

આ પારની દુનિયાના બધાં સૂર્યોદય

બધાં સૂર્યાસ્ત

બધી આવનજાવન

દિવસ અને રાતની

મારી નાનકડી ચીમનીની

જ્યોત નાનકડી,

ટમટમતી

રાખવી છે મારે…….

~ જયા મહેતા

દીવાલો પારનાં અજવાળાં – અહીં અજવાળાં શબ્દ વાપર્યો છે એટલે કવયિત્રીએ, ધર્મોએ બતાવેલ જીવન પછીની ગતિ સ્વર્ગનું સુખ કે મોક્ષની કલ્પનાને નકારી નથી પણ એને દીવાલની પારનું કહી એમાં પોતાની મર્યાદા જરૂર જાહેર કરી છે. એ સુખ હશે, અજવાળું હશે પણ એ દીવાલો પારનું છે. હું એને જાણતી નથી અને એટલે એ મારે કામનું નથી. સ્વર્ગ-નરક, કલ્પના હોય કે સત્ય, કોઇએ ત્યાંથી પાછાં આવીને એને પ્રમાણ્યાં નથી. કવયિત્રીને વર્તમાનમાં વિશ્વાસ છે. એ અણજાણ દુનિયાને પામવા આ જીવનને શા માટે નકારવું ? કવયિત્રીને એ મંજૂર નથી. નોંધપાત્ર એ છે કે પોતાની નામંજૂરી એણે મક્કમ રીતે શબ્દોમાં બેવડાવીને જાહેર કરી છે.

આ કાવ્યને બે રીતે મૂલવી શકાય. એક દૃષ્ટિકોણ છે, જીવન પછીનું સ્વર્ગ મેળવવા આ જિંદગીને તરછોડવી. અને બીજો દૃષ્ટિકોણ છે, કાલ્પનિક સુખની પાછળ દોડવાને બદલે વાસ્તવિકતાને વધાવવી. જો વાત કાલ્પનિક સુખ એટલે કે મૃગજળની હોત તો અજવાળાં શબ્દ ન વપરાયો હોત કેમ કે દિવાલો પારનાં અજવાળાં કહીને અજવાળાંના અસ્તિત્વને સંમતિ તો આપી જ છે. જ્યારે મૃગજળને સંમતિ આપવાનો કોઇ સવાલ જ ન હોય !!

નકારથી આરંભાતી હકારની આ કવિતા આ સંસારને, જીવનને દૃઢપણે વધાવે છે.

6 Responses

  1. સરસ મજાની રચના બધા શેર ખુબ ગમ્યા અભિનંદન

  2. ઉમેશ જોષી says:

    દિવાલો પરના અજવાળાં…
    નો આસ્વાદ રોચક છે……અભિનંદન.

  3. હરીશ દાસાણી.મુંબઈ says:

    અવ્યકત સુખ પ્રાપ્ત કરવા માટે વ્યકત સુખનું બલિદાન આપવાની પારંપરિક સંન્યાસ દ્રષ્ટિનો આ વિરોધ છે. આ ભૌતિક અને આ આધ્યાત્મિક એવું સ્પષ્ટ વર્ગીકરણ કરનાર ગેરસમજ દૂર થઈ શકે તો આ કવિતાનો ધ્વનિ સમજાય.

  4. આદરણીય લતાજી આપે કાવ્ય ને સરસ રીતે ઉઘાડી આપ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: